VIDEO: નેપાળના વીજળી અને સંપર્ક સેવાઓ ગુલ થતાં છવાયો મોટો અંધારપટ!
નેપાળના મ્યાગદી અને મુસ્તાંગમાં કુદરતનો કોપ
પૂર અને ભૂસ્ખલનથી જનજીવન ઠપ!
પાડોશી દેશ નેપાળમાં મુસળધાર વરસાદ અને અવિરત પૂર-ભૂસ્ખલનના કારણે મ્યાગદી અને મુસ્તાંગ જિલ્લામાં ભારે બરબાદી સર્જાઈ છે. સતત વરસી રહેલી આકાશી આફતે હિમાલયી પ્રદેશના જનજીવનને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભૂસ્ખલનના લીધે પહાડી માર્ગો પર વિશાળ શિલાઓ અને કાદવનો કાટમાળ ધસી આવતાં માર્ગીય કનેક્ટિવિટી તૂટી ગઈ છે અને સમગ્ર વિસ્તારનો સંપર્ક અન્ય ભાગોથી કપાઈ ગયો છે.સ્થાનિક પ્રશાસન અને ગ્રામજનોના જણાવ્યા મુજબ, મ્યાગદી અને મુસ્તાંગમાં આવેલી પ્રાકૃતિક આપદાના કારણે રસ્તાઓ ધોવાઈ જવા સાથે વીજળી અને ટેલિકોમ્યુનિકેશન જેવી પાયાની સેવાઓ ઠપ થઈ ગઈ છે. વીજ પુરવઠો ગુલ થઈ જતાં અને સંપર્ક વ્યવસ્થા ખોરવાતાં હજારો નાગરિકો અંધારપટ અને સંપર્કવિહોણી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. માર્ગો બંધ થતાં સ્થાનિકો તેમજ પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
પહાડી માર્ગો ધોવાતાં કનેક્ટિવિટી તૂટી
વીજળી અને સંપર્ક સેવાઓ ગુલ થતાં છવાયો મોટો અંધારપટ!
અવિરત વરસાદથી નદી-નાળાઓના જળસ્તરમાં ભયજનક વધારો થતાં કાંઠાગાળાના વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. પૂરના લીધે સ્થાનિક બજારો, ઘરો અને સરકારી માળખાને મોટું નુકસાન પહોંચ્યું છે. વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેપાળી સેના, પોલીસ અને આપદા વ્યવસ્થાપન ટુકડીઓ દ્વારા રસ્તાઓ પરથી કાટમાળ હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરવા તથા અસરગ્રસ્તો સુધી રાહત પહોંચાડવા યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી છે.મ્યાગદી અને મુસ્તાંગથી સામે આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટના તાજેતરના દ્રશ્યોમાં જમીનદોસ્ત થયેલા માર્ગો, કાદવમાં ખૂંપેલા વાહનો અને જાનના જોખમે પહાડી રસ્તાઓ પરથી પસાર થતાં લોકો સ્પષ્ટ જોઈ શકાય છે. હવામાન વિભાગે હજુ પણ પહાડી વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવી હોવાથી વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જારી કરી લોકોને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

