VIDEO: ઉધમપુરમાં નારી શક્તિનો ડંકો 'વીબી-જી રામ-જી' યોજનાથી મૌડ પંચાયતનો થયો કાયાકલ્પ!
ઉધમપુરમાં નારી શક્તિનો ડંકો
'વીબી-જી રામ-જી' યોજનાથી મૌડ પંચાયતનો થયો કાયાકલ્પ!
મહિલાઓના હાથમાં વિકાસની કમાન
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં આવેલી નરસુ બ્લોકની મૌડ પંચાયત ગ્રામીણ વિકાસની એક નવી વ્યાખ્યા રજૂ કરી રહી છે. વીબી-જી રામ-જી યોજના હેઠળ શરૂ કરાયેલા વિવિધ વિકાસલક્ષી કાર્યોના કારણે આ પંચાયતનો સંપૂર્ણ કાયાકલ્પ થઈ ગયો છે. સૌથી ખાસ વાત એ છે કે આ સમગ્ર પરિવર્તનનું નેતૃત્વ સ્થાનિક મહિલાઓ કરી રહી છે, જેમના પ્રયાસોથી ગ્રામીણ માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. મૌડ પંચાયતના સ્થાનિક મહિલાઓએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ યોજનાથી ગામમાં રસ્તા, પાણી અને રક્ષણાત્મક દીવાલો જેવા નિર્માણ કાર્યોને મોટો વેગ મળ્યો છે. અગાઉ જે ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ હતો, ત્યાં હવે મહિલાઓની આગેવાનીમાં ગુણવત્તાયુક્ત કામ થઈ રહ્યું છે. આ યોજનાના કારણે સ્થાનિક લોકોને પોતાના જ ગામમાં રોજગારી મળી રહી છે, જેથી પલાયન પણ અટક્યું છે.
રોજગારી અને સુવિધાઓ મળતાં ગ્રામજનોમાં ખુશીની લહેર!
ગામના વિકાસમાં મહિલાઓએ ભજવી નિર્ણાયક ભૂમિકા!
મહિલા સશક્તિકરણનું આ જીવંત ઉદાહરણ સમગ્ર ઉધમપુર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે. ઘરની ચાર દીવાલો સુધી સીમિત રહેતી મહિલાઓ હવે પંચાયતના વિકાસ કાર્યોનું આયોજન અને દેખરેખ રાખી રહી છે. મહિલા નેતૃત્વ હેઠળ થઈ રહેલી આ કામગીરીથી માત્ર સરકારી યોજનાઓનું પારદર્શક અમલીકરણ નથી થઈ રહ્યું, પરંતુ ગ્રામીણ અર્થતંત્રને પણ નવું બળ મળી રહ્યું છે. ઉધમપુરથી સામે આવેલા તાજેતરના દ્રશ્યોમાં મહિલાઓ ઉત્સાહપૂર્વક વિકાસ કાર્યોમાં ભાગ લેતી સ્પષ્ટ જોઈ શકાય છે. વીબી-જી રામ-જી યોજનાના સફળ અમલીકરણથી મૌડ પંચાયત અન્ય ગામડાઓ માટે પણ પ્રેરણાસ્રોત બની છે. સ્થાનિક નાગરિકો સરકારની આ કલ્યાણકારી યોજનાની સરાહના કરી રહ્યા છે અને આગામી દિવસોમાં વધુ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

