VIDEO: લીલા શાકભાજીના ભાવમાં ભડકો, ગ્રાહકોનું બજેટ ખોરવાયું!
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે લીલા શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. વરસાદના લીધે પાકને પહોંચેલા વ્યાપક નુકસાન અને આવક પર પડેલી માઠી અસરના કારણે મંડીઓમાં શાકભાજીની પુરવઠો ખોરવાઈ ગયો છે. શાકભાજીના ભાવ ગગનચુંબી ઊંચાઈએ પહોંચી જતાં સામાન્ય ગ્રાહકોનું બજેટ ખોરવાઈ ગયું છે અને વેપારીઓ સહિત ખરીદદારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મંડીઓ અને સ્થાનિક બજારોમાંથી સામે આવેલા દ્રશ્યોમાં મોટાભાગની શાકભાજીના ભાવ બેગણાથી ત્રણગણા થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. ટામેટાં, બટાટા, ડુંગળી, ભીંડા અને લીલા મરચાં જેવા દૈનિક વપરાશના શાકભાજી ખરીદવા માટે પણ લોકોએ ખિસ્સા હળવા કરવા પડી રહ્યા છે. વરસાદને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક પાક નષ્ટ થયો છે અને બહારના રાજ્યો કે જિલ્લાઓમાંથી આવતી શાકભાજીનો આવરો પણ ઓછો થઈ ગયો છે.
આ મોંઘવારી વચ્ચે ગ્રાહકો અને વેપારીઓએ ભારે રોષ સાથે પોતાની આપવીતી જણાવી છે. ગ્રાહકોનું માનવું છે કે રસોડાનું બજેટ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અગાઉ જ્યાં એક-બે કિલો શાકભાજી ખરીદતા હતા ત્યાં હવે ગ્રામમાં ખરીદી કરવી પડી રહી છે. બીજી તરફ શાકભાજી વિક્રેતાઓનું પણ કહેવું છે કે ભાવ વધારાના કારણે ગ્રાહકો ઓછી ખરીદી કરી રહ્યા છે, જેના કારણે તેમનો વેપાર ઠપ થઈ ગયો છે અને માલ બગડી જવાનો ભય સતાવી રહ્યો છે.મુરાદાબાદની શાકભાજી મંડીઓમાં સર્જાયેલી આ કટોકટી હાલ તુરંત શમવાનું નામ લઈ રહી નથી. જ્યાં સુધી હવામાન સુધરશે નહીં અને સપ્લાય સામાન્ય નહીં થાય ત્યાં સુધી શાકભાજીના ભાવ ઉંચા જ રહેવાની શક્યતા છે. મોંઘવારીના આ ડંખ સામે સામાન્ય જનતા તંત્ર પાસે રાહતની અપેક્ષા રાખી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

