VIDEO: વારાણસી અને પ્રયાગરાજમાં પૂરનું સંકટ: ગંગા-યમુનાના જળસ્તરમાં રેકોર્ડ વધારો, બોટ સેવા ઠપ્પ!
ઉત્તર પ્રદેશના વારાણસી અને પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં અવિરત વધારો થતાં પૂરનું સંકટ ઘેરું બન્યું છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પવિત્ર નદીઓના પાણી ભયજનક સપાટી તરફ વધી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વારાણસી અને પ્રયાગરાજમાં પ્રશાસન દ્વારા તમામ પ્રકારની બોટ અને નોકા સેવાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જેનાથી ઘાટ કિનારે સન્નાટો છવાઈ ગયો છે. પ્રયાગરાજના ત્રિવેણી સંગમ વિસ્તારમાં જળસ્તર ઝડપથી વધતાં નાગ વાસુકી મંદિર સહિતના આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નાગ વાસુકી વિસ્તારના પિલરો સંપૂર્ણપણે ડૂબી ગયા છે અને પૂરના પાણી મંદિરના પ્રાંગણ સુધી પહોંચી ગયા છે. રાતોરાત વધેલા પાણીના પ્રવાહને કારણે સુલભ શૌચાલય સહિતના જાહેર સ્થળોને બંધ કરવાની ફરજ પડી છે. નદીના ધસમસતા પાણીની સાથે કચરો પણ વહીને આવતાં ગંગા નદી પ્રદૂષિત થઈ રહી છે. સ્થાનિક નાવ ચાલકોએ આપવીતી વ્યક્ત કરતા જણાવ્યું કે ગઈકાલની સરખામણીએ આજે પાણીનું સ્તર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ધસમસતા પ્રવાહને કારણે બોટ સેવાઓ ઠપ્પ થઈ જતાં નાવ ચાલકોની રોજીરોટી પર ગંભીર સંકટ ઊભું થયું છે. સંગમ વિસ્તારના ઘાટ ડૂબી જવાથી શ્રદ્ધાળુઓને પણ સ્નાન અને પૂજા-અર્ચના કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે..
સ્થિતિની ગંભીરતાને જોતાં પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. નદીના વધતા જળસ્તર પર ચોવીસે કલાક સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રશાસને શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોને નદી કિનારે અને ઘાટ પર ન જવાની તેમજ સુરક્ષિત સ્થળે રહેવાની ખાસ એડવાઈઝરી જારી કરી અપીલ કરી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

