VIDEO: મયિલાડુથુરાઈમાં ગણેશોત્સવનો ધમધમાટ પર્યાવરણ જતનના સંદેશ સાથે ઈકો-ફ્રેન્ડલી બાપ્પા તૈયાર!
મયિલાડુથુરાઈમાં ગણેશોત્સવનો ધમધમાટ
પર્યાવરણ જતનના સંદેશ સાથે ઈકો-ફ્રેન્ડલી બાપ્પા તૈયાર!
તામિલનાડુના મયિલાડુથુરાઈમાં વિનાયક ચતુર્થીના પવિત્ર તહેવારને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આગામી ગણેશોત્સવને પર્યાવરણ અનુકૂળ બનાવવાના ઉદ્દેશ્યથી સ્થાનિક મૂર્તિકારો દ્વારા મનોહર અને કલરફુલ ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. માટી, કાગળનો માવો અને કુદરતી રંગોના ઉપયોગથી બનાવવામાં આવતી આ પ્રતિમાઓ શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. મૂર્તિ નિર્માણ ક્ષેત્રે જોડાયેલા ડિઝાઈનર શક્તિવેલે જણાવ્યું કે પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્લાસ્ટર ઓફ પેરિસ અને રસાયણયુક્ત રંગો વાળી મૂર્તિઓનો બહિષ્કાર કરીને માત્ર ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ જ બનાવવામાં આવી રહી છે. આ પ્રતિમાઓ જળશયમાં વિસર્જિત થતાં જ ઝડપથી ઓગળી જાય છે અને જળચર જીવો કે પર્યાવરણને કોઈ હાની પહોંચાડતી નથી. કલાકારો દિવસ-રાત મહેનત કરીને ભગવાન ગણેશના વિવિધ આકર્ષક સ્વરૂપોને આખરી ઓપ આપી રહ્યા છે.
માટી અને કુદરતી રંગોથી કલાકારોએ કંડારી મનોહર મૂર્તિઓ
આ ઝુંબેશને સમર્થન આપતાં હિંદુ મક્કલ કચ્છીના રાજ્ય ઉપાધ્યક્ષ કુમારે જણાવ્યું હતું કે તહેવારોની ઉજવણી સાથે પર્યાવરણનું જતન કરવું એ પણ આપણી ધાર્મિક અને નૈતિક ફરજ છે. તેમણે તમામ મંડળો અને ભક્તોને પર્યાવરણપૂરક મૂર્તિઓની જ સ્થાપના કરવાની અપીલ કરી છે. વધુમાં તેમણે પ્રશાસન પાસે માટીકામ કરતા સ્થાનિક કારીગરોને આર્થિક પ્રોત્સાહન અને યોગ્ય બજાર મંચ પૂરો પાડવાની પણ માગ કરી હતી. મયિલાડુથુરાઈના બજારોમાં અત્યારથી જ ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું આગોતરૂં બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. પરંપરાગત વારસો જાળવીને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપતી આ અનોખી પહેલની સમગ્ર વિસ્તારમાં સરાહના થઈ રહી છે. સ્થાનિક કલાકારોની આ મહેનતને કારણે આ વખતે વિનાયક ચતુર્થીનો ઉત્સવ ભક્તિમય વાતાવરણની સાથે સાથે પ્રકૃતિ પ્રેમી પણ બની રહેશે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

