VIDEO: ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં લોકો માટે માત્ર 10 રૂપિયામાં સંપૂર્ણ ભોજનની સુવિધા શરૂ
ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવતા લોકો માટે જિલ્લા પ્રશાસન દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. કલેક્ટર ઓફિસમાં માત્ર 10 રૂપિયામાં લોકોને સંપૂર્ણ ભોજન મળી રહ્યું છે. આ સુવિધા માટે કલેક્ટરેટ પરિસરમાં અન્નદા પ્રેરણા કેન્ટીન શરૂ કરવામાં આવી છે, જ્યાં મુલાકાતીઓ, અરજદારો અને અન્ય જરૂરિયાતમંદ લોકો ઓછા ખર્ચે માત્ર 10 રૂપિયામાં ભરપેટ ભોજન કરી શકે છે. ઘણી વખત ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાંથી લોકો પોતાની ફરિયાદો, સરકારી કામકાજ અથવા વિવિધ અરજીઓ લઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચે છે. આખો દિવસ સરકારી કચેરીમાં કામકાજ માટે રોકાવું પડે છે. આ મુલાકાત દરમિયાન બહાર મોંઘું ભોજન લેવું પડે છે. જે સામાન્ય લોકો માટે ખર્ચાળ બને છે. આવા લોકોને ધ્યાનમાં રાખીને અન્નદા પ્રેરણા કેન્ટીન શરુ કરવામાં છે.
કેન્ટીનમાં માત્ર 10 રૂપિયામાં સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે. જેથી સામાન્ય અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પણ સરળતાથી ભોજન મળી શકે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. ઇન્દ્રમણિ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ પહેલનો ઉદ્દેશ્ય કલેક્ટરેટમાં આવતા લોકોને સસ્તું, સ્વચ્છ અને યોગ્ય ભોજન ઉપલબ્ધ કરાવવાનો છે. કેન્ટીનમાં ભોજન લેવા માટે લોકોને સામાન્ય બજારની સરખામણીમાં ખૂબ જ ઓછો ખર્ચ કરવો પડે છે. ખાસ કરીને દૂરના ગામડાઓમાંથી આવતા અરજદારો માટે આ સુવિધા ઉપયોગી બની છે.
જિલ્લા પ્રશાસનનું માનવું છે કે સરકારી કચેરીમાં લોકોની સુવિધા માત્ર તેમના કામકાજ સુધી મર્યાદિત ન રહે, પરંતુ તેમને જરૂરી મૂળભૂત સુવિધાઓ પણ મળી રહે. અન્નદા પ્રેરણા કેન્ટીન આ જ વિચાર સાથે શરૂ કરવામાં આવી છે. મેનપુરીના કલેક્ટર ડો. ઇન્દ્રમણી ત્રિપાઠી કહે છે. કેન્ટીનમાં ભોજન બનાવવાનું કામ સરકારી તંત્ર સાથે જોડાયેલી બહેનો બનાવે છે. બહારથી દાનમાં ચાવલ અને અન્ય વસ્તુ આવે છે. કોઇ મોટો ખર્ચ નથી. લોકો મદદ કરે છે અને કેન્ટીન ચાલે છે.
કલેક્ટર ઓફિસે બહારથી આવતા લોકો પણ ભોજનની કેન્ટીનથી ખુશ છે. તેઓ માને છે કે માત્ર 10 રૂપિયામાં સાત્વિક ભોજન મેળવવું મુશ્કેલ છે. ત્યારે કલેક્ટર ઓફિસમાં સેવાના ઉદ્દેશથી શરુ કરવામાં આવેલી કેન્ટીન સૌને માટે લાભકારી છે. ગરીબ માળણો પણ માત્ર ટોકન નાણાં ભરપેટ જમી શકે છે. મૈનપુરના કલેક્ટર દ્રારા શરુ કરવામાં આવેલી આ પહેલે સૌનું ધ્યાન ખેચ્યું છે. આ પહેલ બીજા જિલ્લામાં પહેચે તો ગરીબ લોકોને ફાયદો થઇ શકે છે.
---- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

