VIDEO: કુશીનગરમાં નારાયણી નદીના વધતા જળસ્તરથી એ.પી. બંધ તૂટી પડતાં ૩૫થી વધુ ગામડાઓમાં પૂરના પાણી ઘૂસી ગયા
કુશીનગરમાં નારાયણી નદીનો કાળો કેર
એ.પી. બંધ તૂટતાં ૩૫થી વધુ ગામડાં જળમગ્ન!
સીએમ યોગી આદિત્યનાથે પૂરગ્રસ્ત કુશીનગરનું કર્યું હવાઈ નિરીક્ષણ!
ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં પડોશી દેશ નેપાળમાં સતત પડી રહેલા ભારે વરસાદ અને નારાયણી નદીના ઉછળતા જળસ્તરના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. નદીના ધસમસતા પૂરના દબાણને કારણે એ.પી. બંધ અચાનક તૂટી પડતાં આસપાસના ૩૫થી વધુ ગામડાઓમાં પૂરના પાણી ફરી વળ્યા છે. બંધમાં મોટું ગાબડું પડતાં પૂરનો વિરાટ પ્રવાહ ગામડાઓમાં ઘૂસી ગયો હતો, જેના લીધે હજારો નાગરિકો રાતોરાત પોતાના ઘરોમાંથી વિસ્થાપિત થઈને બેઘર બન્યા છે.સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાત્રે નવથી અગિયાર વાગ્યાના સુમારે બંધ તૂટ્યો હતો. જો પ્રશાસન અને સિંચાઈ વિભાગ દ્વારા સમયસર સમારકામ હાથ ધરાયું હોત અને બુલડોઝરની મદદથી બંધને મજબૂત કરાયો હોત, તો આ મોટી હોનારત અટકાવી શકાઈ હોત. તંત્રની બેદરકારીના કારણે આજે અનેક ગામડાઓ જળમગ્ન બન્યા છે અને ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતાં લોકો ખુલ્લા આકાશ નીચે આશરો લેવા મજબૂર બન્યા છે.
સમયસર કામગીરી ન થતાં તૂટ્યો બંધ, હજારો લોકો બન્યા બેઘર!
નારાયણી નદી બે કાંઠે થતાં રાહત-બચાવ ઓપરેશન તેજ!
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુશીનગરના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પૂરની સ્થિતિનું સમીક્ષાત્મક આંકલન કર્યા બાદ સીએમ યોગી અને સ્થાનિક પ્રશાસનને રાહત કામગીરી ઝડપી બનાવવા સખત આદેશ આપ્યા છે. ખડ્ડાના સ્થાનિક ધારાસભ્ય વિવેકાનંદ પાંડે અને એસડીએમ સંતરાજ કટોકટીના સ્થળે પહોંચી બોટ મારફતે પૂર પીડિતો સુધી ખોરાક, પીવાનું ચોખ્ખું પાણી અને તબીબી સહાય પહોંચાડી રહ્યા છે. કુશીનગરથી સામે આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટના તાજેતરના દ્રશ્યોમાં તૂટેલો એ.પી. બંધ, ધસમસતો પૂરનો પ્રવાહ, બોટ મારફતે રેસ્ક્યૂ કામગીરી કરતા ધારાસભ્ય-એસડીએમ અને હવાઈ સર્વે કરતા સીએમ યોગી સ્પષ્ટ જોઈ શકાય છે. તંત્ર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરીને ફસાયેલા તમામ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

