VIDEO: સેના, પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં એક આતંકી ઠાર!
જમ્મુ-કાશ્મીરના બડગામમાં ભારતીય સેનાને મળી સફળતા
સેના, પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં એક આતંકી ઠાર!
આતંકવાદીઓ સામે જડબાતોડ પ્રહાર બાદ વિરાટ સર્ચ ઓપરેશન ચાલુ!
જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લા હેઠળ આવતા કોરેગ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભયાનક એન્કાઉન્ટર સર્જાયું છે. ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકીઓ છુપાયા હોવાની શંકાના આધારે જવાનો દ્વારા સમગ્ર ક્ષેત્રને ઘેરી લઈને વિરાટ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.મળતી માહિતી મુજબ, કોરેગ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ બાતમી મળતાં જ સુરક્ષા દળોએ વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોતાને ચારેય તરફથી ઘેરાયેલા જોઈને છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાનોએ પણ ત્વરિત અને જડબાતોડ વળતો પ્રહાર કરીને એક આતંકીને ઢેર કરી દીધો હતો.
આતંકવાદ સામે ભારતીય સેનાનું આક્રમક વલણ
માર્યા ગયેલા આતંકી પાસેથી હથિયારોનો જથ્થો જપ્ત!
પ્રશાસન અને સુરક્ષા દળો દ્વારા સંવેદનશીલતા અને સુરક્ષાના કારણોસર ઘેરાબંધીને વધુ કડક કરી દેવામાં આવી છે.. આ સાથે જ સમગ્ર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે વધારાની સુરક્ષા ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે. અધિકારીઓએ સ્થાનિક રહીશોને પોતાના ઘરોમાં જ રહેવા અને સુરક્ષા દળોની સૂચનાઓનું કડકપણે પાલન કરવા ખાસ અપીલ કરી છે. બડગામથી સામે આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ, માર્યા ગયેલા આતંકવાદી પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો, ગોળાબારૂદ અને વાંધાજનક સામગ્રી મળી આવી છે. ભારતીય સેના અને કાશ્મીર પોલીસ દ્વારા આતંકવાદ નિર્મૂલન અભિયાન અંતર્ગત સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેથી છુપાયેલા અન્ય આતંકીઓને પણ વહેલી તકે શોધીને તટસ્થ કરી શકાય.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

