VIDEO: નીલગિરીના લવડેલમાં મોટો અકસ્માત ટળ્યો ગાંધી પેટાઇ ખાતે માર્ગ પર વિશાળ વૃક્ષ ધરાશાયી!
નીલગિરીના લવડેલમાં મોટો અકસ્માત ટળ્યો
ગાંધી પેટાઇ ખાતે માર્ગ પર વિશાળ વૃક્ષ ધરાશાયી!
ભયજનક વૃક્ષો હટાવવાની માગ સાથે લોકોનો રસ્તા રોકો વિરોધ!
તમિલનાડુના નીલગિરી જિલ્લામાં આવેલા પ્રખ્યાત પહાડી વિસ્તાર લવડેલ ગાંધી પેટાઇ ખાતે માર્ગ પર અચાનક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. વૃક્ષ રસ્તાની વચ્ચે પડવાના કારણે મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકો તથા પ્રવાસીઓ કલાકો સુધી અટવાયા હતા. આ અચાનક સર્જાયેલી ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અફરાતફરી અને અગવડતાનો માહોલ સર્જાયો હતો.ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વાહનચાલકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ વહીવટી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરીને રસ્તા પર ચક્કાજામ સર્જી દીધો હતો. સ્થાનિક નાગરિકોની માગ છે કે માર્ગની આસપાસ આવેલા અન્ય ભયજનક અને સૂકાં વૃક્ષોને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ પણ તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થવાના કારણે આ અકસ્માત સર્જાયો.
તંત્રની બેદરકારી સામે નાગરિકો લાલઘૂમ
સમયસર વૃક્ષો ન કાપતાં સર્જાઈ ગંભીર સમસ્યા!
સ્થિતિ વધુ વણસતી જોઈને પોલીસ અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અધિકારીઓએ વિરોધ કરી રહેલા નાગરિકો સાથે વાટાઘાટો કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ જેસીબી અને કટર મશીનની મદદથી માર્ગ પર પડેલા વૃક્ષના ટુકડા કરીને રસ્તો ખુલ્લો કરવાની અને વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નીલગિરીના લવડેલથી સામે આવેલા દ્રશ્યોમાં ધરાશાયી થયેલું વિશાળ વૃક્ષ, માર્ગ પર જામ થયેલો ટ્રાફિક અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરતા આક્રોશિત નાગરિકો સ્પષ્ટ જોઈ શકાય છે. ચોમાસાની ઋતુમાં પહાડી રસ્તાઓ પર ભયજનક વૃક્ષો જાનમાલ માટે મોટું જોખમ ઊભું કરતા હોય છે. ત્યારે હવે તંત્ર દ્વારા અન્ય ખતરનાક વૃક્ષોને ક્યારે દૂર કરવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

