શા માટે ઓસ્કાર એવોર્ડ માટે ન પસંદ થઈ 'ધુરંધર'? સામે આવ્યું ચોંકાવનારું કારણ

મરાઠી થ્રિલર ફિલ્મ ‘ગોંધળ' 99માં એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર 2027) માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદગી પામી છે. દેશભરની 33 શ્રેષ્ઠ ફિલ્મો વચ્ચે ચાલેલી આકરી સ્પર્ધા બાદ આ ફિલ્મની પસંદગી કરવામાં આવી હતી. હવે આ ફિલ્મ બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 99મા ઓસ્કર એવોર્ડ્સ સમારોહનું આયોજન 14 માર્ચ 2027ના રોજ થશે.
ચોંકાવનારો ખુલાસો: 'ધુરંધર'ને મળ્યા માત્ર 4 વોટ
બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરનારી રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર' પણ ઓસ્કર એન્ટ્રીની રેસમાં પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. જોકે, ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા (FFI)ની 14 સભ્યોની જ્યુરીમાંથી ફિલ્મ માત્ર ચાર સભ્યોના મત મેળવી શકી હતી. જ્યુરી સભ્ય વિવેક વાસવાનીએ આ અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, અમુક સભ્યોને ફિલ્મ પસંદ આવી હતી પરંતુ મોટાભાગના સભ્યોને તે ઓસ્કરના માપદંડો મુજબ યોગ્ય ન લાગી.
ઓસ્કર સિલેક્શનમાં શા માટે પાછળ રહી 'ધુરંધર'?
વિવેક વાસવાનીના જણાવ્યા મુજબ, જ્યુરી એવી ફિલ્મની શોધમાં હતી જે ભારતીય સંસ્કૃતિ અને મૂળ પરંપરાઓને એક વિશિષ્ટ અને ઊંડાણપૂર્વક રજૂ કરતી હોય. જ્યુરીને લાગ્યું કે 'ધુરંધર' જેવી મસાલા કે કમર્શિયલ એક્શન ફિલ્મો તે આશાઓ પર ખરી ઉતરતી નથી. અંતિમ રાઉન્ડમાં 'ગોંધળ', 'અંઘ' અને 'મેં વાપસ આઉંગા'—આ ત્રણ ફિલ્મો વચ્ચે મુખ્ય મુકાબલો હતો, જેમાંથી આખરે મરાઠી ફિલ્મે બાજી મારી હતી.
મહારાષ્ટ્રની લોકપરંપરા અને સંગીત સમ્રાટ ઇલૈયારાજાનો જાદુ
સંતોષ દવાખરના લેખન અને નિર્દેશનમાં બનેલી 'ગોંધળ' મહારાષ્ટ્રની સદીઓ જૂની પારંપરિક 'ગોંધળ' વિધિની પૃષ્ઠભૂમિ પર રચાયેલી છે. આ લોકકળા સંગીત, નૃત્ય અને પૌરાણિક માન્યતાઓ સાથે જોડાયેલી છે. ફિલ્મની આ મજબૂત સાંસ્કૃતિક ઓળખે જ્યુરીને ભારે પ્રભાવિત કરી હતી. ઉલ્લેખનીય છે કે 2025માં 56મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)માં સંતોષ દવાખરને બેસ્ટ ડિરેક્ટરનો સિલ્વર પીકોક એવોર્ડ મળ્યો હતો. કિશોર કદમ, ઇશિતા દેશમુખ, યોગેશ સોહની અભિનીત આ ફિલ્મનું સંગીત દિગ્ગજ સંગીતકાર ઇલૈયારાજાએ તૈયાર કર્યું છે.
બોક્સ ઓફિસ પર ₹3,120 કરોડની કમાણી છતાં ચૂકી તક
આદિત્ય ધર દ્વારા નિર્દેશિત 'ધુરંધર' ફ્રેન્ચાઇઝીમાં રણવીર સિંહ સાથે અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન અને સારા અર્જુને મુખ્ય ભૂમિકા ભજવી હતી. ડિસેમ્બર 2025માં રિલીઝ થયેલા પ્રથમ ભાગે વિશ્વભરમાં લગભગ ₹1,307.35 કરોડ અને માર્ચ 2026માં આવેલા બીજા ભાગ 'ધુરંધર: ધ રિવિન્જ' એ ₹1,813.39 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. એટલે કે આ ફ્રેન્ચાઇઝીએ ગ્લોબલ બોક્સ ઓફિસ પર કુલ ₹3,120.74 કરોડનો જંગી બિઝનેસ કર્યો હોવા છતાં કન્ટેન્ટ અને કલ્ચરલ કનેક્ટના અભાવે તે ઓસ્કરની રેસમાં પાછળ રહી ગઈ.

