VIDEO/ Wankhede controversy: 12 વર્ષ પછી પૂર્વ ACPએ જણાવ્યું Shah Rukh Khan અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચેના ઝઘડાનું કારણ
2012માં વાનખેડે સ્ટેડિયમમાં શાહરૂખ ખાન અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે થયેલી વિવાદાસ્પદ ઘટના ફરી ચર્ચામાં આવી છે. પૂર્વ ACP ઈકબાલ શેખે જણાવ્યું કે મેચ પૂરી થયા બાદ શાહરૂખ ખાન બાળકો સાથે રમી રહ્યા હતા, ત્યારે સિક્યોરિટી ગાર્ડે કંઈક એવું કહ્યું જેનાથી તેઓ ગુસ્સે થઈ ગયા હતા.
'IPL'ની સિઝનમાં એક જૂનો વિવાદ ફરી હેડલાઈન્સમાં છે. આ વાત 2012ની છે, જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં શાહરૂખ ખાન સિક્યોરિટી સાથે ભીડાયા હતા. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શાહરૂખની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને તેમના જ ઘરમાં હરાવીને જીત મેળવી હતી. આ ઘટના તે સમયે પણ ખૂબ હાઈલાઈટ થઈ હતી અને વર્ષો પછી પણ લોકો તેને ભૂલી શક્યા નથી. હવે તે સમયના ACP ઈકબાલ શેખે આ વિવાદ પર ખુલીને વાત કરી છે.
શું હતો સમગ્ર મામલો?
એક પોડકાસ્ટમાં પૂર્વ ACP ઈકબાલ શેખે જણાવ્યું કે, તે સમયે મેચ પૂરી થયા પછી મોટાભાગના લોકો સ્ટેડિયમમાંથી જઈ ચૂક્યા હતા. સ્ટેડિયમની કેટલીક ફ્લડલાઈટ્સ પણ બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે એક MCA અધિકારીએ આવીને જણાવ્યું કે 'શાહરૂખે રાડો (ઝઘડો) કરી દીધો છે'. આ સાંભળીને હું તરત જ ત્યાં પહોંચ્યો, કારણ કે વાનખેડે સ્ટેડિયમ તેમના જ ડિવિઝનમાં આવતું હતું.
ઈકબાલ શેખ જણાવે છે કે ઘટના સમયે શાહરૂખ સ્ટેડિયમમાં કેટલાક બાળકો સાથે રમી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર એક સિક્યોરિટી ગાર્ડે આ બાબતે વાંધો ઉઠાવતા સીટી વગાડી હતી. ગાર્ડના આ વર્તનથી શાહરૂખ ગુસ્સે થઈ ગયા અને બંને વચ્ચે દલીલ શરૂ થઈ ગઈ. જ્યાં સુધી MCAના અધિકારીઓ ત્યાં વચ્ચે પડવા પહોંચ્યા, ત્યાં સુધીમાં મામલો ગૂંચવાઈ ગયો હતો. જોતજોતામાં સ્ટેડિયમનું વાતાવરણ બગડી ગયું હતું અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે મોરચો સંભાળ્યો હતો.
પૂર્વ ACPએ કહ્યું કે મામલો થાળે પાડવા માટે હું સીધો શાહરૂખ ખાન પાસે પહોંચ્યો અને તેમને બહાર જવા વિનંતી કરી. મેં તેમને કહ્યું, "સર પ્લીઝ બહાર ચાલો" અને તેમને બહાર લઈ ગયો. તેઓ મારી વાત માની પણ ગયા અને ત્યાર બાદ મામલો શાંત પડ્યો હતો.
શાહરૂખ ખાને શું આપી હતી સફાઈ?
આ આખા વિવાદને લઈને કિંગ ખાને એક ઈન્ટરવ્યુમાં પોતાની સફાઈ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તે દિવસે સિક્યોરિટી ગાર્ડે બાળકોની હાજરીમાં વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તે શબ્દો ધાર્મિક અને અંગત રીતે ઠેસ પહોંચાડે તેવા હતા, જે સાંભળીને તેમનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
શાહરૂખ ખાને એક શોમાં પણ આ ઘટના પર સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તે દિવસે તેમને આટલો ગુસ્સો આવવાનું અસલી કારણ તેમના બાળકો હતા. સિક્યોરિટી ગાર્ડે બાળકોની હાજરીમાં એવા શબ્દો વાપર્યા હતા જે તેમને બિલકુલ પસંદ આવ્યા નહોતા. શાહરૂખને તે શબ્દો ધાર્મિક અને વ્યક્તિગત રીતે ખૂબ જ અપમાનજનક લાગ્યા હતા.

