જાહેરાતોથી ટ્રોલ થવું નવું નથી: કૃતિ સેનન પહેલાં વિવાદોમાં ઘેરાઈ ચૂક્યા છે બોલીવુડના આ દગ્ગજ કલાકારો!

ભારતમાં તહેવારો માત્ર ઉત્સવ નથી; તે લોકોની આસ્થા, સંસ્કૃતિ અને લાગણીઓ સાથે જોડાયેલા છે. આજકાલ મોટી કંપનીઓ પોતાના પ્રોડક્ટ્સ વેચવા માટે તહેવારોને કેન્દ્રમાં રાખીને નવીનતમ જાહેરખબરો બનાવે છે. પરંતુ, ઘણીવાર કંઈક નવું અને અલગ કરવાના ચક્કરમાં આ જાહેરખબરો એવો મોટો વિવાદ ઊભો કરે છે કે કંપનીઓએ રાતોરાત માફી માંગીને તેને પાછી ખેંચવી પડે છે.
તાજેતરમાં અભિનેત્રી કૃતિ સેનનની રક્ષાબંધન વિશેની એક જાહેરખબરે આવો જ વિવાદ ઊભો કર્યો. જોકે, ભારતીય એડવર્ટાઇઝિંગ જગતમાં આ કોઈ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ આમિર ખાન, આલિયા ભટ્ટ અને કિયારા અડવાણી જેવા મોટા સ્ટાર્સની જાહેરખબરો લોકોના નિશાના પર આવી ચૂકી છે. ચાલો, જાણીએ કે આખરે એ જાહેરખબરોમાં એવું તો શું હતું કે જેનાથી લોકોની લાગણીઓ દુભાઈ અને વિવાદના વંટોળ ઊભા થયા.
કૃતિ સેનન અને રક્ષાબંધનની જાહેરખબરનો તાજો વિવાદ
તાજેતરમાં એક જાણીતી જ્વેલરી બ્રાન્ડે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અભિનેત્રી કૃતિ સેનન (Kriti Sanon) ને લઈને એક જાહેરખબર આવી હતી. તે વીડિયોમાં કૃતિ સેનન ઇન્ડો-વેસ્ટર્ન કપડાં (બ્રેલેટ-સ્ટાઇલ બ્લાઉઝ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટ) પહેરેલી જોવા મળી હતી. એટલું જ નહીં, તે પોતાના ભાઈની સાથે-સાથે પોતાના પાલતુ કૂતરાને પણ રાખડી બાંધતી જોવા મળી.
આ જાહેરખબર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. લોકોએ રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર પર કૃતિના કપડાં અને કૂતરાને રાખડી બાંધવા બાબતે સવાલો ઉઠાવ્યા. ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રણૌત (Kangana Ranaut) એ પણ આ જાહેરખબરની આકરી ટીકા કરી અને કપડાંને વાંધાજનક ગણાવ્યા.
કૃતિ સેનને શું પ્રતિભાવ આપ્યો?
આ વિવાદ વધ્યા પછી કૃતિ સેનને ઇન્સ્ટાગ્રામ પર વળતો જવાબ આપતા કહ્યું કે, ‘સંસ્કૃતિ અને પરંપરાઓ સ્ત્રીના ગળામાં નહીં, પરંતુ તેના હૃદયમાં રહે છે.’ તેણે સવાલ કર્યો કે, સ્ત્રીઓએ શું પહેરવું, એ નક્કી કરવાનું લોકો ક્યારે બંધ કરશે? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પણ કૃતિને ટેકો આપ્યો અને કહ્યું કે, સ્ત્રી શું પહેરે છે તે તેની પોતાની પસંદગી છે.
કંપનીએ જાહેરખબર પાછી ખેંચી લીધી
જોકે, વિવાદ એટલો વધી ગયો કે જ્વેલરી બ્રાન્ડે તમામ પ્લેટફોર્મ પરથી આ જાહેરખબર પાછી ખેંચી લીધી અને સ્પષ્ટતા કરી કે તેમનો હેતુ કોઈની લાગણી દુભાવવાનો નહોતો. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, કૂતરો પરિવારનો જ એક ભાગ છે, એમ દર્શાવવાના ઉમદા હેતુથી તેને તહેવારની ઉજવણીમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ભૂતકાળમાં પણ જાહેરખબરો બની છે વિવાદનો શિકાર
આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ ઘણી મોટી બ્રાન્ડ્સે તહેવારો અને પરંપરાઓને આધુનિક રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. એવા બનાવો જોઈએ.
1… આમિર ખાન અને કિયારા અડવાણીનો ‘ઘર જમાઈ’ વિવાદ
વર્ષ 2022 માં એક સ્મોલ ફાઇનાન્સ બેંકે 50 સેકન્ડની ‘બદલાવ હમસે હૈ’ નામની જાહેરખબર બનાવી હતી. તેમાં આમિર ખાન (Aamir Khan) એક એવા પતિ તરીકે જોવા મળ્યો જે લગ્ન પછી પોતાની પત્ની કિયારા અડવાણી (Kiara Advani) ના ઘરે રહેવા જાય છે, કારણ કે તેના સસરા અપંગ છે. જાહેરખબરમાં જૂની પરંપરાઓને બદલવાની વાત કરવામાં આવી હતી. પરંતુ લોકોએ તેને હિન્દુ પરંપરાઓની મજાક ગણાવી. સોશિયલ મીડિયા પર બેંકનો બહિષ્કાર કરવાની ઝુંબેશ શરૂ થઈ હતી, જેમાં કેટલાક લોકોએ તેમના ખાતા બંધ કરવાની ધમકી આપી હતી. મધ્યપ્રદેશના તત્કાલીન ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા (Narottam Mishra) અને ફિલ્મ સર્જક વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) એ પણ તેનો વિરોધ કર્યો. જાહેરખબર માટે આકરી પ્રતિક્રિયા મળતા આખરે બેંકે જાહેરખબર હટાવી દીધી હતી.
2… આલિયા ભટ્ટનો 'કન્યાદાન' વિવાદ
વર્ષ 2021માં બ્રાઇડલ વેર (દુલ્હનના કપડાં) ની એક બ્રાન્ડે આલિયા ભટ્ટ (Alia Bhatt) ને લઈને એક જાહેરખબર બનાવી હતી. આ જાહેરખબરમાં 'કન્યાદાન' (દીકરીનું દાન) પરંપરા પર સવાલ ઉઠાવીને તેની જગ્યાએ 'કન્યામાન' (દીકરીનું સન્માન) શબ્દના ઉપયોગની વાત કરાઈ હતી. ત્યારે અનેક લોકોએ તેને હિન્દુ લગ્ન પરંપરા પર હુમલો ગણાવ્યો. નવી મુંબઈમાં કંપનીના સ્ટોરની બહાર એક હિન્દુ સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિવાદ વકરતાં કંપનીને જાહેરખબર પરત લેવી પડી હતી.
5… મંગળસૂત્રનું આધુનિકીકરણ લોકોને ન ગમ્યું
ભારતીય સંસ્કૃતિમાં મંગળસૂત્રને પવિત્ર મનાય છે. વર્ષ 2021માં એક બ્રાન્ડે મંગળસૂત્રની જાહેરખબરમાં મહિલા મોડેલને કાળા રંગની બ્રા પહેરેલી અને એક શર્ટલેસ પુરુષ સાથે દર્શાવી. લોકોએ પરંપરાગત વૈવાહિક ઘરેણાંના આવા પ્રદર્શનને અશ્લીલ ગણાવીને ભારે વિરોધ કર્યો. ઘણાંએ તેને અભદ્ર અને હિન્દુ લાગણીઓનું અપમાન ગણાવ્યું, જેના પરિણામે કંપનીએ જાહેરખબર પાછી ખેંચી લીધી.
6… દિવાળીની જાહેરખબરમાં 'દામોદર' નામ
વર્ષ 2022માં એક જાણીતી ચોકલેટ કંપનીએ દિવાળી માટે એક જાહેરખબર પ્રસારિત કરી, જેમાં એક ડૉક્ટર વૃદ્ધ દીવા વેચનારનો સંપર્ક કરે છે, તેને ચોકલેટનું પેકેટ આપે છે અને સમજાવે છે કે તે પેકેજ પરના QR કોડને સ્કેન કરીને પોતાનો વ્યવસાય ઓનલાઈન લાવી શકે છે. જાહેરખબરના અંતે, ડૉક્ટર વૃદ્ધ વિક્રેતાને ‘દામોદર’ કહીને સંબોધે છે. લોકોએ આ નામને સીધું વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના પિતા દામોદરદાસ મોદી (Damodardas Modi) સાથે જોડી દીધું અને આરોપ લગાવ્યો કે આ જાહેરખબર વડાપ્રધાનના પરિવારને નિશાન બનાવી રહી છે. પરિણામે આ જાહેરખબર પણ દૂર કરવી પડી.
જો કે, આ પ્રકારની એડ્સ તૈયાર કરતી કંપનીઓનું માનવું છે કે તેઓ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માંગતા હોવાથી આવી જાહેરખબરો બનાવે છે, પરંતુ સમાજનો એક મોટો વર્ગ તેને ધાર્મિક લાગણીઓ પરના પ્રહાર તરીકે જુએ છે. લોકોનું કહેવું છે કે હિન્દુ તહેવારોને ટાર્ગેટ બનાવીને જાણીજોઈને આવી જાહેરખબરો બનાવાય છે, જેથી દેશભરમાં મફતની પબ્લિસિટી મળી જાય. પછી માફી માંગીને જાહેરખબર પાછી ખેંચવાનું નાટક કરાય છે. લોકોના રોષનો ભોગ બનેલી આવી કંપનીઓ પર કાયદાકીય પગલાં લેવાની માંગ પણ વખતોવખત ઉઠાતી રહે છે.

