રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, શું તપાસમાં ધમકી અફવા નીકળી?

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને તેમના ભૂતપૂર્વ જમાઈ ધનુષને તેમના ઘરો પર બોમ્બથી હુમલો કરવાની ધમકી મળી છે. એક અજાણ્યા વ્યક્તિએ ધમકીભર્યો ઈમેલ મોકલ્યા બાદ પોલીસે બંને કલાકારોના ઘરે તપાસ હાથ ધરી હતી. તમિલનાડુ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, રાજ્યના પોલીસ મહાનિર્દેશકને રજનીકાંત અને ધનુષના ઘરો પર બોમ્બ મૂકવામાં આવ્યા હોવાનો દાવો કરતા ઈમેલ મળ્યા હતા.
પોલીસ તપાસમાં ધમકી અફવા હોવાનું સામે આવ્યું
એક અહેવાલ મુજબ ઈમેલ મળ્યા પછી તેનામ્પેટ પોલીસ, બોમ્બ સ્ક્વોડ સાથે સુરક્ષા તપાસ માટે રજનીકાંતના ઘરે ગઈ હતી. સુપરસ્ટારના સુરક્ષા ગાર્ડ્સે પોલીસને કહ્યું કે કોઈ અજાણ્યો વ્યક્તિ ઘરમાં વિસ્ફોટકો મૂકવા માટે ઘૂસ્યો નથી, તેથી તે ફક્ત એક અફવા જ હશે. પોલીસે બોમ્બ સ્ક્વોડ સાથે મળીને ઈમેલમાં નામ આપેલા અન્ય ઘણા લોકોના ઘરોની પણ તપાસ કરી, જે આખરે અફવા સાબિત થઈ હતી.
પહેલા પણ મળી ચૂકી છે આવી ધમકીઓ
નોંધનીય છે કે 2 ઓક્ટોબરના રોજ પોલીસ મહાનિર્દેશક (DGP)ને પણ આવા જ ઈમેલ મોકલવામાં આવ્યા હતા. આ ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ત્રિશા કૃષ્ણન અને શેખર સહિત અનેક VIP લોકોની ઓફિસો અને ઘરો પર બોમ્બ મૂકવામાં આવ્યા છે. 9 ઓક્ટોબરના રોજ, પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી જેણે અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમ (TVK)ના વડા વિજયના નીલાંકરૈ સ્થિત ઘરે બોમ્બ મૂકવાની ધમકી આપી હતી.

