VIDEO: નાના પાટેકર પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સમ્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર
બોલિવૂડના જાણીતા દિગ્ગજ અભિનેતા નાના પાટેકર હવે આપણી વચ્ચે નથી રહ્યા. 75 વર્ષની વયે તેમના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, રાજકારણ અને રમતગમત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક વ્યક્તિ આ અણધાર્યા સમાચારથી સ્તબ્ધ અને આઘાતમાં છે. દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના અંતિમ સંસ્કાર પૂણે નજીક ડોંજે ગામ ખાતે આવેલા તેમના ફાર્મહાઉસ પર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા.
CM-DyCM રહ્યા ઉપસ્થિત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે અને સુનેત્રા પવાર, મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢે સહિત રાજ્ય સરકારના અનેક મંત્રીઓ નાના પાટેકરના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા પૂણે પહોંચ્યા હતા. સૌએ અભિનેતાને અંતિમ વિદાય આપી હતી.
પુત્રએ પિતાના નિધનની પુષ્ટિ કરી
ગુરુવારે સવારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. નાના પાટેકરના પુત્ર મલ્હાર પાટેકરે પિતાના નિધનની પુષ્ટિ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોવા સ્થિત મણિપાલ હોસ્પિટલની ટીમ દ્વારા સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ હતી, ત્યારબાદ તબીબી ટીમને તેમના ફ્લેટ પર મોકલવામાં આવી હતી જ્યાં તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.
શાનદાર અભિનય અને સામાજિક કાર્યો
નાના પાટેકરે 'પરિંદા', 'તિરંગા', 'અગ્નિસાક્ષી', 'ખામોશી: ધ મ્યુઝિકલ', 'વેલકમ', 'અપહરણ' અને 'રાજનીતિ' જેવી યાદગાર ફિલ્મોમાં કામ કરીને દર્શકોના દિલ પર રાજ કર્યું હતું. તેમણે વિલનથી લઈને કોમેડી અને ગંભીર પાત્રો સુધીની અનેક ભૂમિકાઓ ભજવી હતી. અભિનય ઉપરાંત તેમણે ડિરેક્ટર અને રાઇટર તરીકે પણ કામ કર્યું હતું, જેમાં વર્ષ 1991માં આવેલી ફિલ્મ 'પ્રહાર: ધ ફાઇનલ અટેક'થી તેમણે દિગ્દર્શનક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. અભિનય ઉપરાંત તેઓ ખેડૂતોના પ્રશ્નો અને કલ્યાણ માટે પણ હંમેશા સક્રિય રહ્યા હતા અને ખુલ્લીને પોતાના વિચારો રજૂ કરતા હતા.

