VIDEO: સાઉથ એક્ટર યશના શોમાં મોટો અકસ્માત, સ્પીકર સેટઅપ તૂટી પડતાં વિદ્યાર્થીઓ ઘાયલ
કન્નડ સ્ટાર યશની આગામી ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. હૈદરાબાદની મલ્લા રેડ્ડી યુનિવર્સિટીમાં યોજાયેલા 'ટોક્સિક' ફિલ્મના પ્રોમોશનલ ઇવેન્ટમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. યશના પ્રશંસકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, પરંતુ આ ઉજવણી અચાનક અકસ્માતમાં ફેરવાઈ ગઈ. કાર્યક્રમ દરમિયાન અચાનક ભારે-ભરખમ સાઉન્ડ અને લાઇટિંગ સેટઅપનો એક ભાગ નીચે પડી ગયો, જેમાં બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે અને એક વિધાર્થી બેભાન થઈ ગઈ હોવાના અહેવાલ છે.
સોશિયલ મીડિયા (X) પર મલ્લા યુનિવર્સિટીના આ અકસ્માતના ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં દુર્ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આ અકસ્માત થયો ત્યારે સુપરસ્ટાર યશ પણ યુનિવર્સિટીમાં જ હાજર હતા, તેઓ 'ટોક્સિક'ના પ્રી-રિલીઝ ઇવેન્ટમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.
ઇવેન્ટમાં અચાનક શું બન્યું?
શનિવારે મેડચલ-મલકાજગિરી જિલ્લાની મલ્લા રેડ્ડી યુનિવર્સિટીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યશને જોવા માટે વિદ્યાર્થીઓમાં ભારે ક્રેઝ હતો. સાયબરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, ઇવેન્ટ દરમિયાન કેટલાક ફેન્સ સ્ટેજ અને એક્ટરને વધુ સારી રીતે જોવા માટે DJ સ્પીકર સ્ટેન્ડ પર ચડી ગયા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફેન્સનું એક ગ્રુપ સ્પીકર સ્ટેન્ડ પર સ્ટંટ કરી રહ્યું હતું, ત્યારે તેમનું બેલેન્સ બગડ્યું અને તેઓ નીચે પડ્યા. આ દરમિયાન સ્ટેન્ડ પર ચડેલા અન્ય વિદ્યાર્થીઓ પણ ધડામ દઈને નીચે પડ્યા, જેના કારણે બે વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી અને એક વિદ્યાર્થી બેભાન થઈ ગઈ.
યશે તુરંત ઇવેન્ટ રોકીને કહ્યું- 'મદદ કરો'
જેવા યશને આ ઘટનાની જાણ થઈ, તેમણે તુરંત જ પોતાની ફિલ્મનો ઇવેન્ટ થોડીવાર માટે રોકી દીધી હતી. તેમણે ઓર્ગેનાઈઝર્સને ઘાયલ ફેન્સની મદદ માટે તુરંત મોકલ્યા હતા. જે સમયે યશ સ્ટેજ પરથી પોતાની ફિલ્મ વિશે સ્પીચ આપી રહ્યા હતા, બરાબર એ જ સમયે આ અકસ્માત થયો હતો. યશે સ્ટેજ પરથી જ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, "શું તેઓ ઠીક છે? પ્લીઝ ચેક કરો." આખી ઘટના શાંત થયા પછી જ એક્ટર અને તેમની ટીમે ઇવેન્ટ આગળ વધારી હતી.

