Video: "માત્ર વિરાસતના ભરોસે બિઝનેસમાં ડગલું માંડવું યોગ્ય નથી" પિતાની એક શરતે બદલી નાખી કુમાર મંગલમ બિરલાની જિંદગી

ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા તાજેતરમાં 'કૌન બનેગા કરોડપતિ 17' ના મંચ પર જોવા મળ્યા હતા. અહીં તેમણે તેમના જીવન સાથે જોડાયેલો એક એવો કિસ્સો શેર કર્યો, જેણે માત્ર અમિતાભ બચ્ચન જ નહીં પરંતુ પ્રેક્ષકોને પણ ચોંકાવી દીધા હતા. અબજોની વિરાસત ધરાવતા આ બિઝનેસ ફેમિલીમાં જન્મ્યા હોવા છતાં, કુમાર મંગલમ બિરલા માટે કરિયરની શરૂઆતનો રસ્તો સરળ નહોતો.
શો દરમિયાન કુમાર મંગલમનો ખુલાસો
શો દરમિયાન જ્યારે અમિતાભ બચ્ચને તેમને પૂછ્યું કે આટલા પ્રતિષ્ઠિત અને સંપન્ન પરિવારમાં જન્મ લેવા છતાં તેમને પાયાથી શરૂઆત કરવાની શીખ કેવી રીતે મળી, ત્યારે બિરલા એ અત્યંત પ્રામાણિકતાથી તેમના પિતા આદિત્ય વિક્રમ બિરલાની કડક વિચારધારાનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે ગ્રેજ્યુએશન પછી તેમનું સપનું હતું કે તેઓ સીધા પિતાની ઓફિસ જઈને કામ શરૂ કરે, પરંતુ પિતાએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી. તેમનું માનવું હતું કે માત્ર વિરાસતના ભરોસે બિઝનેસમાં ડગલું માંડવું યોગ્ય નથી.
કુમાર મંગલમ સામે રાખવામાં આવેલી શરત
કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું કે તેમના પિતાએ તેમની સામે એક કડક શરત મૂકી હતી – ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવું. આ શરત તેમના માટે કોઈ આંચકાથી ઓછી નહોતી. જે ઉંમરે તેઓ MBA જેવા વિકલ્પો વિશે વિચારી રહ્યા હતા, ત્યાં CA જેવી અઘરી પરીક્ષાની વાત સાંભળીને તેમના સપના વિખેરાતા હોય તેવું લાગ્યું. તેમણે પરિવારમાં તેમના દાદા અને માતા પાસેથી પણ મદદની આશા રાખી હતી, પરંતુ ત્યાંથી પણ એક જ જવાબ મળ્યો- 'જે નક્કી થયું છે, તે જ કરવું પડશે.'
મંગલમ બિરલાની સૌથી મોટી તાકાત
આ સમગ્ર કિસ્સાએ એ સ્પષ્ટ કરી દીધું કે આદિત્ય વિક્રમ બિરલા તેમના પુત્રને માત્ર એક ઉત્તરાધિકારી તરીકે નહીં, પરંતુ એક યોગ્ય લીડર તરીકે તૈયાર કરવા માંગતા હતા. પરિવારના કોઈ પણ સભ્યએ તેમને આ નિર્ણયથી બચાવવાનો પ્રયાસ ન કર્યો, પણ બધાએ તેમને મહેનત અને શિસ્તનો માર્ગ અપનાવવા માટે પ્રેરિત કર્યા. આ જ શીખ આગળ જતાં કુમાર મંગલમ બિરલાની સૌથી મોટી તાકાત બની.

