'મારી સરખામણી અલ્લુ અર્જુન સાથે ન કરો' અમિતાભ બચ્ચને પુષ્પરાજ માટે કેમ કહી આ વાત?

અલ્લુ અર્જુન આ દિવસોમાં સતત ચર્ચામાં છે. 'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં મહિલાના મૃત્યુના કેસમાં સાઉથ સુપરસ્ટાર કાનૂની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. પરંતુ, બીજી તરફ તેની ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. અલ્લુ અર્જુનની ફિલ્મનો ક્રેઝ હજુ ઓછો નથી થયો અને હવે બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. 'KBC 16'ના લેટેસ્ટ એપિસોડ દરમિયાન, એક સ્પર્ધકે અમિતાભ બચ્ચનની સરખામણી અલ્લુ અર્જુન સાથે કરી. આ અંગે અમિતાભ બચ્ચને આપેલી પ્રતિક્રિયા હવે ચર્ચામાં છે.
આ પણ વાંચો: Year Ender 2024: ઐશ્વર્યાના છૂટાછેડાની અફવાથી લઈ અલ્લુ અર્જુનની ધરપકડ સુધી, જાણો આ વર્ષના સિનેમા જગતના 6 મોટા વિવાદ
અલ્લુ અર્જુન વિશે બિગ બીએ શું કહ્યું?
'કૌન બનેગા કરોડપતિ'ના તાજેતરના એપિસોડમાં, સ્પર્ધકે 'પુષ્પા 2'નો ઉલ્લેખ કરતા અમિતાભ બચ્ચનની સરખામણી અલ્લુ અર્જુન સાથે કરી હતી. કોલકાતાની રજની બરનીવાલે અમિતાભ બચ્ચન અને અલ્લુ અર્જુનના વખાણ કર્યા હતા. સ્પર્ધકે કહ્યું, 'સર, હું તમારી અને અલ્લુ અર્જુનની બહુ મોટી ફેન છું.' તેના પર બિગ બીએ કહ્યું, 'મારું નામ ઉમેરવાથી કંઈ નથી થવાનું.' આ પછી તેમણે કહ્યું- 'અલ્લુ અર્જુન ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર છે અને તેમને મળેલી માન્યતાના તેઓ હકદાર છે. હું પણ તેમનો મોટો ફેન છું. હાલમાં જ તેમની ફિલ્મ 'પુષ્પા 2' રિલીઝ થઈ છે અને જો તમે હજુ સુધી આ ફિલ્મ ના જોઈ હોય તો ચોક્કસ જુઓ. પણ, તેમની સાથે મારી સરખામણી ન કરો.'
સ્પર્ધકે બિગ બી અને અલ્લુ અર્જુન વચ્ચેની સમાનતા જણાવી
આના પર સ્પર્ધકે ભારપૂર્વક કહ્યું કે બંને કલાકારો વચ્ચે ઘણી સમાનતાઓ છે. તે કહે છે, 'તમારા બંનેની એન્ટ્રી અદ્ભુત છે. તમારા બંનેની સ્ટાઇલ પણ એકદમ સરખી છે. જ્યારે તમે કોમેડી દ્રશ્યો કરો છો, ત્યારે તમારી આંખો ઝબકાવો છો અને અલ્લુ અર્જુન પણ આવું કરે છે.' જ્યારે અમિતાભ બચ્ચને રજનીને તેમની કોઈપણ ફિલ્મનું નામ પૂછ્યું જેમાં તેમણે આ કર્યું હોય, ત્યારે રજનીએ તરત જ 'અમર અકબર એન્થની'નું નામ લીધું અને કહ્યું, 'તમારા બંનેમાં ઘણી સમાનતાઓ છે. તમને મળ્યા પછી મારું સ્વપ્ન સાકાર થયું છે અને હવે મારે અલ્લુ અર્જુનને મળવું છે.'
સંધ્યા થિયેટર નાસભાગ મામલો
સુપરસ્ટારની 'પુષ્પા 2' આ મહિનાની શરૂઆતમાં થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને તે પહેલા 4 ડિસેમ્બરે ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. અલ્લુ અર્જુને પણ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 'પુષ્પા 2'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. પરંતુ, આ દરમિયાન, સુપરસ્ટારના ફેન્સની ભીડ થિયેટરમાં એકઠી થઈ ગઈ અને પરિસ્થિતિ નિયંત્રણની બહાર થઈ ગઈ. સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં રેવતી નામની મહિલાનું મૃત્યુ થયું હતું અને તેનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જે હજુ પણ જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો છે. અલ્લુ અર્જુન આ મામલે કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

