'અરમાન અને હું...' અમાલ મલિકે ડિલીટ કરી ડિપ્રેશન અને પરિવાર સાથે સંબંધ તોડવાની પોસ્ટ, ભાઈ વિશે કહી આ વાત

બોલિવૂડ સિંગર અમાલ મલિકે ડિપ્રેશન સામે લડવા અને પરિવાર સાથેના સંબંધો તોડવા અંગેની તેની વિવાદાસ્પદ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. સંગીતકારે હવે પોતાના અગાઉના નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે. પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર, અમાલે એક નોટ શેર કરી, જેમાં તેણે લખ્યું, "પ્રેમ અને સપોર્ટ બદલ આભાર. પણ હું મીડિયા પોર્ટલોને વિનંતી કરીશ કે મારા પરિવારને હેરાન ન કરે... કૃપા કરીને મારી નબળાઈને સનસનાટીભર્યો અને નકારાત્મક મુદ્દો ન બનાવો... એ જ વિનંતી છે. મને ખુલીને વાત કરવામાં ઘણો સમય લાગ્યો અને આ મારા માટે ખૂબ જ મુશ્કેલ સમય છે. હું હંમેશા મારા પરિવારને પ્રેમ કરીશ પણ હમણાં માટે, દૂરથી. અમારા ભાઈઓ વચ્ચે કંઈ બદલાયું નથી, અરમાન અને હું એક છીએ અને અમારી વચ્ચે કંઈ નથી આવી શકતું. પ્રેમ અને શાંતિ."

અગાઉ તેની છેલ્લી ડિલીટ કરેલી પોસ્ટમાં, અમાલે ખુલાસો કર્યો હતો કે તે ક્લિનિકલ ડિપ્રેશનથી પીડાઈ રહ્યો છે. સિંગરે તેના ભાઈ અરમાન મલિક સાથેના તેના તણાવપૂર્ણ સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. તેણે વધતા અંતર માટે તેના માતા-પિતાને જવાબદાર ઠેરવ્યા હતા. એક ભાવનાત્મક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેણે પોતાના પરિવાર સાથે ફક્ત પ્રોફેશનલ સંબંધ જાળવવાના પોતાના નિર્ણય વિશે ખુલાસો કર્યો હતો.
અમાલ મલિકે શેર કર્યું કે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં વર્ષો સમર્પિત કર્યા પછી અને છેલ્લા દાયકામાં 126 ગીતો બનાવ્યા પછી, તેને લાગ્યું કે તેના પરિવાર દ્વારા તેની અવગણના કરવામાં આવી રહી છે અને તેની કદર નથી કરવામાં આવી. તેણે કહ્યું કે આ ઉપેક્ષાએ તેના માનસિક સ્વાસ્થ્ય અને આત્મસન્માન પર ઊંડી અસર કરી છે. તેણે એ પણ ખુલાસો કર્યો કે તેના અને તેના ભાઈ વચ્ચે તિરાડ ઉભી કરવામાં તેના માતા-પિતાના જવાબદાર છે.
ડિલીટ કરેલી પોસ્ટમાં, સિંગરે લખ્યું, "આ અમારા બંને માટે એક અદ્ભુત સફર રહી છે પરંતુ મારા માતા-પિતાના કાર્યોને કારણે અમે ભાઈઓ અલગ થઈ ગયા છીએ અને આનાથી મને મારા માટે પગલાં લેવાની ફરજ પડી છે કારણ કે તેનાથી મારા હૃદય પર ઊંડો ઘા થયો છે. છેલ્લા ઘણા વર્ષોથી, તેઓએ મારી સુખાકારીને ખલેલ પહોંચાડવાની અને મારી મિત્રતા, મારા સંબંધો, મારી માનસિકતા, મારા આત્મવિશ્વાસને ઓછો કરવાની કોઈ તક નથી છોડી. ખરેખર મહત્ત્વનું એ છે કે આ ઘટનાઓને કારણે હું ક્લિનિકલી ડિપ્રેશ છું. હા, મારા કાર્યો માટે હું ફક્ત મારી જાતને જ દોષી માનું છું, પરંતુ મારા પ્રિયજનોના કાર્યોથી મારું આત્મસન્માન ઘણી વખત ઓછું થયું છે." અમાલના આ ચોંકાવનારા ખુલાસા પછી, તેની માતા જ્યોતિ મલિકે એક ઇન્ટરવ્યુમાં આ બાબતે મૌન રહેવાનું નક્કી કર્યું. તેણે કહ્યું કે, "અમાલે જે કંઈ પણ શેર કરે છે તે તેનો નિર્ણય હતો."

