અલ્લુ અર્જુને ફેન્સને કરી અપીલ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું- 'અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરો'

હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગ બાદ ગઈકાલે 'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુને પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અલ્લુ અર્જુને તે લોકોને જવાબ આપ્યો હતો જેમણે તેને નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલા અને હોસ્પિટલમાં દાખલ બાળક માટે જવાબદાર ગણાવ્યો હતો.
આ પણ વાંચો: 'પુષ્પા 2' એ તોડ્યો 'બાહુબલી 2'નો રેકોર્ડ, ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ બની
આજે તેણે પોતાના ઇન્સ્ટા હેન્ડલ પરથી પોસ્ટ કરીને તેના ફેન્સને પણ ખાસ અપીલ કરી છે. અલ્લુએ ફેન્સને વિનંતી કરી છે કે તેઓ ઓફલાઈન અથવા ઓનલાઈન કોઈપણ પ્રકારની અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરે. ગઈકાલના પીસી પછી, અલ્લુ અર્જુન સાથે સંબંધિત ઘણા પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અલ્લુ અર્જુને આ ખાસ અપીલ કરી
અલ્લુ અર્જુને તેના ફેન્સને અપીલ કરી છે અને લખ્યું છે કે, "હું મારા તમામ ફેન્સને અપીલ કરું છું કે તેઓ હંમેશાની જેમ જવાબદારીપૂર્વક તેમની લાગણીઓ વ્યક્ત કરે અને કોઈપણ પ્રકારની અપમાનજનક ભાષા અથવા વર્તનથી દૂર રહે, પછી ભલે તે ઓનલાઈન હોય કે ઓફલાઈન."
પુષ્પા 2 અભિનેતાએ આગળ લખ્યું, "જો કોઈ મારા ફેન હોવાનો દાવો કરીને નકલી ID અને નકલી પ્રોફાઈલ સાથે અપમાનજનક પોસ્ટ કરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું મારા પ્રશંસકોને વિનંતી કરું છું કે આવી પોસ્ટ સાથે જોડાશો નહીં."
અલ્લુએ પ્રેસ કોન્ફરન્સમાં શોક વ્યક્ત કર્યો
તેલંગાણા વિધાનસભામાં સંધ્યા થિયેટર નાસભાગનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ વિધાનસભાની અંદર અલ્લુ અર્જુન પર નિશાન સાધ્યું છે. આ સિવાય સીએમ રેવન્ત રેડ્ડીએ પણ કહ્યું કે હીરો બેદરકાર હતો અને તેથી મૃત્યુની જાણ હોવા છતાં થિયેટર છોડી રહ્યો નહતો. આ પછી અલ્લુએ 21 ડિસેમ્બરે પ્રેસ કોન્ફરન્સ કરી.
આ પ્રેસ કોન્ફરન્સમાં દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા અલ્લુએ કહ્યું કે, "તે એક અકસ્માત હતો. હું પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું કોઈને દોષ આપવા માંગતો નથી. ઘણી બધી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. જે પણ થયું છે તેના માટે હું માફી માંગુ છું. કોઈ રોડ શો નહતો થયો, આ અંગે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે."
શું હતો મામલો?
4 ડિસેમ્બરે 'પુષ્પા 2'ના પ્રીમિયર દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું અને તેના પુત્રને આઈસીયુમાં દાખલ કરવો પડ્યો હતો. અલ્લુ અર્જુને આ મામલે એક વીડિયો જાહેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે કાયદાકીય સલાહને કારણે તે પીડિતના પરિવારને મળવા ન જઈ શક્યો, પરંતુ તે પીડિતની સંભાળ લેવાનું વચન આપે છે.
નાસભાગના આ કેસમાં, 13 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની ધરપકડ પછી, નીચલી અદાલતે તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો, જેના પછી તરત જ તેલંગાણા હાઈકોર્ટે અલ્લુને 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન પર મુક્ત કર્યો. અભિનેતાના પિતા અલ્લુ અરવિંદ અને 'પુષ્પા 2' ના નિર્દેશક સુકુમાર બંને પીડિત બાળકને મળ્યા છે.

