VIDEO: "મને દેશદ્રોહી કહેવામાં આવશે..." વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ દિલજીત દોસાંઝ સહિત બોલિવૂડ અભિનેતાઓએ સરકાર સામે બાંયો ચડાવી!
દિલ્હીમાં સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત 'સંસદ ચલો' માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ જોવા મળી હતી. NEET પરીક્ષામાં ગડબડી અને પેપર લીક જેવા મુદ્દાઓને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે યોજાયેલા આ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પર પોલીસ દ્વારા કરાયેલા બળપ્રયોગની ઘટના સામે બોલિવૂડની હસ્તીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે. અભિનેત્રી ભૂમિ પેડનેકર, હુમા કુરેશી, નંદિતા દાસ અને સ્ક્રીનપ્લે રાઇટર સુતપા સિકદારે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સમર્થનમાં અવાજ ઉઠાવી લોકશાહીમાં સંવાદ અને જવાબદેહીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમજ જાણીતા ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે પણ સોશિયલ મીડિયા પર આ પ્રદર્શનને ખુલ્લું સમર્થન આપ્યું છે.
‘હું અવાજ ઉઠાવીશ ફરી દેશદ્રોહી કહેવાશે’
દિલજીત દોસાંજે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, "જે કંઈ પણ થયું તે ખૂબ જ ખોટું છે. વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર ન થવો જોઈએ. હું સત્તાધીશોને વિનંતી કરું છું કે તેઓ વિદ્યાર્થીઓની માંગણીઓ સાંભળે." અગાઉના ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતાં તેણે ઉમેર્યું કે, "મને અગાઉ પણ ઘણી વાર 'દેશદ્રોહી' (Anti-National) ચિત્રવવામાં આવ્યો છે અને મને ખબર છે કે સત્ય બોલવા બદલ મને ફરી દેશદ્રોહી કહેવામાં આવશે. ખેડૂત આંદોલન બાદ મારે ઘણી કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જે અંગે હું હજુ પણ ખુલીને વાત કરી શકતો નથી. બાકી ઈશ્વર બધું જોઈ રહ્યો છે."
બોલિવૂડ અને મનોરંજન જગતનું મળ્યું સમર્થન
દિલજીત ઉપરાંત બોલિવૂડના અન્ય સેલેબ્સ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે.
રિતેશ અને જેનિલિયા દેશમુખ: તેમણે જણાવ્યું કે યુવા પ્રદર્શનકારીઓનો અવાજ કોઈપણ ડર વિના સ્પષ્ટપણે સાંભળવો જોઈએ.
શબાના આઝમી અને નંદિતા દાસ: શબાના આઝમી પોતે વિરોધ પ્રદર્શનના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમની તબિયત લથડતાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓએ તેમને મદદ કરી હતી.
ભૂમિ પેડનેકર: 'હિંસા એ કોઈ ઉકેલ નથી'
અભિનેત્રી ભૂમિ પેડનેકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારપૂર્વક જણાવ્યું કે હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી, કારણ કે લોકશાહીનો પાયો અર્થપૂર્ણ સંવાદ પર ટકેલો છે. તેણે દેશના યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની અપીલ કરી હતી. પેપર લીક, પરીક્ષાની ગડબડી, શિક્ષકોની અછત અને વિદ્યાર્થીઓ પરના માનસિક દબાણ જેવા મુદ્દાઓ ઉઠાવતાં ભૂમિએ કહ્યું કે, 'જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે તેઓ જવાબ મેળવવાના પૂરતા હકદાર છે.'
હુમા કુરેશી અને નંદિતા દાસનો આક્રોશ
અભિનેત્રી હુમા કુરેશીએ શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને બળપ્રયોગના દ્રશ્યો પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું કે, 'આ પરિસ્થિતિને વધુ ધીરજ અને સંવાદથી ઉકેલી શકાઈ હોત. જનતાએ સરકાર ચૂંટી છે અને તે જવાબદેહીની અપેક્ષા રાખે છે.'
બીજી તરફ, નંદિતા દાસે પણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે એકજૂથતા દર્શાવતા કહ્યું કે, 'રચનાત્મક અસંતોષ જ લોકશાહીને જીવંત રાખે છે.' દરેક નાગરિકને બળપ્રયોગ પહેલાં સન્માનપૂર્વક સાંભળવો જોઈએ.
સુતપા સિકદારે ઉઠાવ્યા ગંભીર સવાલો
સ્ક્રીનપ્લે રાઇટર સુતપા સિકદારે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની લાચારી રજૂ કરતાં લખ્યું કે, 'આ પ્રદર્શનમાં કોઈ અમીર કે પ્રભાવશાળી નેતા-મંત્રીઓના બાળકો નહોતા, પરંતુ ખિસ્સામાં માત્ર 20 રૂપિયા લઈને પોતાના ભવિષ્યની આશા સાથે પહોંચેલા સામાન્ય ઘરોના યુવાનો હતા. તેમણે આ સમગ્ર ઘટનાને અત્યંત હૃદયદ્રાવક અને અક્ષમ્ય ગણાવતાં કહ્યું હતું કે, 'સબ યાદ રાખા જાયેગા.'

