અભિનેત્રી કાજલ અગ્રવાલે પોતાના મોતની અફવાઓ પર આપી પ્રતિક્રિયા, કહ્યું મને કઈ જ...

અભિનેત્રી કાજલ અગ્રવાલ વિશે અફવા ઊડી હતી. આ અફવાઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેનું એક રોડ એક્સિડન્ટમાં ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું છે. આ ખોટી ખબરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી હતી. હવે, આ અફવાઓ પર ખુદ કાજલ અગ્રવાલે પ્રતિક્રિયા આપી છે અને તેને સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી છે.
કાજલ અગ્રવાલે મોતની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યો
સોમવારે કાજલ અગ્રવાલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરીને આ અફવાઓને ખતમ કરી. તેણે પોતાના ફેન્સ અને શુભેચ્છકોને ભરોસો આપ્યો કે તે એકદમ સુરક્ષિત અને સ્વસ્થ છે. કાજલે કહ્યું કે, મારો અકસ્માતની ખબરો સંપૂર્ણપણે પાયાવિહોણી છે.' તેમજ લોકોને અપીલ કરી કે આવી ખોટી ખબરો પણ ધ્યાન ન આપે.
હું એકદમ સ્વસ્થ અને સુરક્ષિત છું: કાજલ
કાજલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ અંગે જાણકારી આપતા લખ્યું કે, 'મેં કેટલીક ખોટી ખબરો જોઈ છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મારો અકસ્માત થયો છે અને હું હવે આ દુનિયામાં નથી)… સાચું કહું તો આ બધી વાતો સાંભળીને હસવું આવે છે, કારણ કે આ બધું તદ્દન ખોટું છે.'
અભિનેત્રીએ આગળ કહ્યું કે, 'ઈશ્વરની કૃપાથી હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું અને સુરક્ષિત છું. હું તમારા બધાને વિનંતી કરું છું કે આવી ખોટી ખબરો પર વિશ્વાસ ન કરો અને ન તો તેને આગળ ફેલાવો. આપણી ઊર્જા સકારાત્મકતા અને સચ્ચાઈ પર કેન્દ્રિત કરીએ.'

'કન્નપ્પા' અને 'સિકંદર' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી કાજલ
કાજલ અગ્રવાલના કામ વિશે વાત કરીએ તો, તે છેલ્લે વિષ્ણુ માંચુની ફિલ્મ 'કન્નપ્પા'માં જોવા મળી હતી. આ ઉપરાંત, આ જ વર્ષે તે સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર'માં પણ જોવા મળી હતી. જોકે, આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી શકી નથી. હવે કાજલ કમલ હાસનની 'ઇન્ડિયન 3'માં જોવા મળશે. તેમજ નીતિશ તિવારીની પૌરાણિક મહાકાવ્ય પર આધારિત ફિલ્મ 'રામાયણ'માં પણ દેખાશે એવી ચર્ચા છે. એવું કહેવાય છે કે તે ફિલ્મમાં રાવણની પત્ની મંદોદરીની ભૂમિકા ભજવશે.

