VIDEO: પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે ઈન્ડિયન આર્મીમાં ઈન્ટર્નશીપની તક, દર મહિને મળશે 30 હજાર સુધીનું સ્ટાઇપેન્ડ
ભારતીય સેના પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે 75 દિવસનો એક ખાસ તાલીમ કાર્યક્રમ શરૂ કરી રહી છે. AICTE ઈન્ટર્નશિપ પોર્ટલ દ્વારા આયોજિત આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને મીડિયા પ્લાનિંગ, વ્યૂહાત્મક સંચાર અને સંરક્ષણ ક્ષેત્રે માહિતીના આદાન-પ્રદાનનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પત્રકારત્વ ક્ષેત્રે પ્રેક્ટિકલ અનુભવ મેળવીને પોતાનું કૌશલ્ય સુધારવા માંગતા હોય, તેમના માટે આ એક ઉત્તમ તક છે.
75 દિવસની ઈન્ટર્નશિપ અને 15 એકેડેમિક ક્રેડિટ મળશે
આ ટ્રેનિંગ પ્રોગ્રામ કુલ 75 દિવસ સુધી ચાલશે, જેમાં BJMC (બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન) ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. આ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને 15 એકેડેમિક ક્રેડિટ આપવામાં આવશે. પ્રોગ્રામની શરૂઆતના 15 દિવસ ઓનલાઈન ક્લાસ ચાલશે, જ્યારે બાકીના 60 દિવસ દિલ્હી ખાતે ઓફલાઈન તાલીમ આપવામાં આવશે. આ દરમિયાન ઉમેદવારોને ડિજિટલ કન્ટેન્ટ બનાવવા, મીડિયા એનાલિસિસ, રિસર્ચ, સોશિયલ મીડિયા કેમ્પેઇન અને ડેટા સ્ટોરીટેલિંગ જેવા મહત્ત્વના વિષયોનું પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવશે.
દર મહિને ₹30,000 સુધીનું સ્ટાઇપેન્ડ
આ ઈન્ટર્નશિપ દરમિયાન પસંદગી પામેલા વિદ્યાર્થીઓને દર મહિને 30,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. 75 દિવસના આ પૂરા પ્રોગ્રામની તમામ શરતો પૂર્ણ કરવા પર કુલ 75,000 રૂપિયા સુધીનું સ્ટાઇપેન્ડ મળી શકે છે. જોકે, આ આર્થિક લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ શિસ્ત અને નિયમિત હાજરી જાળવવી પડશે. જો વિદ્યાર્થીની હાજરી 75%થી ઓછી હશે, તો તેને કોઈ પણ પ્રકારનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે નહીં.
ઓફિસના કડક નિયમો અને ડ્રેસ કોડનું પાલન કરવું પડશે
સુરક્ષાના કારણોસર ઓફિસ પરિસરમાં કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ઓફિસની અંદર લેપટોપ કે સ્માર્ટફોન લઈ જવાની મંજૂરી રહેશે નહીં અને પ્રવેશદ્વાર પર જ તેને જમા કરાવવાના રહેશે. કામ માટે સેના દ્વારા જ ઇન્ટરનેટ સુવિધાવાળા કમ્પ્યુટર પૂરા પાડવામાં આવશે. ઓફિસનો સમય સોમવારથી શનિવાર સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે. આ ઉપરાંત તમામ ઈન્ટર્ન્સ માટે ફોર્મલ ડ્રેસ કોડ ફરજિયાત રહેશે.
અરજી કરવા માટેના નિયમો અને જરૂરી દસ્તાવેજો
આ ઈન્ટર્નશિપ માટે 2 ઓગસ્ટ, 2026 સુધી અરજી કરી શકાશે. ઈન્ટર્નશિપ શરૂ થતાં પહેલાં વિદ્યાર્થીઓએ કોલેજ કે યુનિવર્સિટીનું ડિગ્રી વેરિફિકેશન સર્ટિફિકેટ, પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ, સરકારી ફોટો આઈડી અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ જેવા જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. ઈન્ટર્નશિપ દરમિયાન દિલ્હીમાં રહેવાની વ્યવસ્થા વિદ્યાર્થીઓએ જાતે જ કરવાની રહેશે. ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રોગ્રામ બાદ નોકરી કે પ્લેસમેન્ટની કોઈ ગેરંટી આપવામાં આવશે નહીં, તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ આપવાનો છે.

