VIDEO: જે દુનિયાને પૈસા કમાવાનું શીખવતા હતા, તે જ રોબર્ટ કિયોસાકી હવે 10,000 કરોડના દેવામાં!
Rich Dad Poor Dad નામની વિશ્વપ્રસિદ્ધ પુસ્તકથી લોકોમાં રોકાણ અને નાણાકીય સમજણ (Financial Education) અંગે જાગૃતિ લાવનાર રોબર્ટ કિયોસાકી (Robert Kiyosaki) હાલ તેમના ભારે કર્જને લઈને ચર્ચામાં છે. રોબર્ટ કિયોસાકીએ તાજેતરમાં પોતે લગભગ 1.2 અબજ ડોલર (1.2 Billion Dollar)ના દેવામાં હોવાનો ખુલાસો કર્યો હતો. આ વાત સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા સહિત અનેક જગ્યાએ ચર્ચા શરૂ થઈ ગઈ કે કરોડો લોકોને પૈસા કમાવવાની અને રોકાણ કરવાની સલાહ આપનાર વ્યક્તિ પોતે જ આટલા મોટા કર્જમાં કેવી રીતે હોઈ શકે?
જોકે, રોબર્ટ કિયોસાકીની પૂર્વ પત્ની અને બિઝનેસ પાર્ટનર કિમ કિયોસાકીએ (Kim Kiyosaki) હવે આ મામલે મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે 1.2 અબજ ડોલરનો આ આંકડો રોબર્ટનું વ્યક્તિગત કર્જ (Personal Debt) નથી. આ મોટાભાગે રિયલ એસ્ટેટ (Real Estate) રોકાણ સાથે જોડાયેલું દેવું છે, જેમાં અન્ય પાર્ટનર્સની પણ ભાગીદારી છે.
1,500થી વધુ એપાર્ટમેન્ટ સાથે જોડાયેલું છે કર્જ
કિમ કિયોસાકીના જણાવ્યા અનુસાર રોબર્ટ કિયોસાકી અને તેમના બિઝનેસ પાર્ટનર્સ પાસે આશરે 1,500 એપાર્ટમેન્ટ યુનિટ્સ (Apartment Units) છે. આ પ્રોપર્ટી ખરીદવા માટે લેવામાં આવેલી લોન અને રોકાણના દેવાને કારણે કુલ કર્જનો આંકડો ખૂબ મોટો દેખાય છે.
કિમે સ્પષ્ટ કર્યું કે આ સમગ્ર 1.2 અબજ ડોલરની જવાબદારી માત્ર રોબર્ટ કિયોસાકીની નથી. તેમાં રોકાણ સાથે જોડાયેલા પાર્ટનર્સનો પણ હિસ્સો છે. એટલે રોબર્ટને પોતાની વ્યક્તિગત સંપત્તિમાંથી 1.2 અબજ ડોલર ચૂકવવાના નથી.
રોબર્ટનું વ્યક્તિગત કર્જ કેટલું?
રિપોર્ટ્સ અનુસાર રોબર્ટ કિયોસાકીની વ્યક્તિગત રીતે જવાબદાર ગણાતી દેવાની રકમ કુલ આંકડા કરતાં ઘણી ઓછી હોઈ શકે છે. કેટલાક અંદાજ મુજબ તેમની હિસ્સેદારી સાથે જોડાયેલું કર્જ આશરે 3 કરોડથી 6 કરોડ ડોલર વચ્ચે હોઈ શકે છે.
રોબર્ટની રોકાણની વ્યૂહરચના (Investment Strategy)માં પ્રોપર્ટીની વધેલી કિંમત અથવા ઇક્વિટી (Equity) સામે લોન લેવાનો સમાવેશ થાય છે. એટલે તેઓ પ્રોપર્ટી વેચવાને બદલે તેની સામે લોન લઈને નવી જગ્યાએ રોકાણ કરવાની રીત અપનાવે છે.
આ પ્રકારની વ્યૂહરચનામાં જોખમ પણ હોય છે. જો પ્રોપર્ટીની કિંમત ઘટે અથવા આવકમાં ઘટાડો થાય તો લોન ચૂકવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
‘મારી નકલ ન કરશો’
રોબર્ટ કિયોસાકીએ પોતાના કર્જ અંગે વાત કરતી વખતે લોકોને તેમની રોકાણની પદ્ધતિની સીધી નકલ ન કરવાની ચેતવણી પણ આપી છે. તેમનું કહેવું છે કે કર્જનો ઉપયોગ (Debt Strategy) સમજ્યા વગર કરવો જોખમી બની શકે છે.
તેઓ લાંબા સમયથી એવો અભિગમ રજૂ કરતા આવ્યા છે કે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો કર્જ પણ રોકાણ માટેનું એક સાધન બની શકે છે. જોકે, આ માટે નાણાકીય જ્ઞાન (Financial Knowledge), જોખમની સમજ અને યોગ્ય આયોજન જરૂરી છે.
કિમે કહ્યું- રોબર્ટ લોકોને ચોંકાવવાનું પસંદ કરે છે
કિમ કિયોસાકીના જણાવ્યા પ્રમાણે રોબર્ટ ઘણીવાર મોટા આંકડા જાહેર કરીને લોકોનું ધ્યાન ખેંચે છે. 1.2 અબજ ડોલરના કર્જનો આંકડો પણ લોકોમાં ઉત્સુકતા જગાવવાનો એક રસ્તો હોઈ શકે છે.
તેમનો મુખ્ય હેતુ લોકોને એ સમજાવવાનો હોય છે કે રોકાણ માટે લીધેલું કર્જ હંમેશાં ખરાબ નથી હોતું. જો તેમાંથી આવક પેદા કરતી સંપત્તિ (Income Producing Assets) ઊભી કરવામાં આવે તો તેનો ઉપયોગ સંપત્તિ વધારવા માટે થઈ શકે છે.
Rich Dad Poor Dad થી મળી વૈશ્વિક ઓળખ
રોબર્ટ કિયોસાકીની સૌથી મોટી ઓળખ તેમની પુસ્તક ‘Rich Dad Poor Dad’ છે. આ પુસ્તક 1997માં પ્રથમ વખત પ્રકાશિત થયું હતું અને ત્યારથી તે નાણાકીય શિક્ષણ ક્ષેત્રની સૌથી જાણીતી પુસ્તકોમાં સામેલ છે.
પુસ્તકમાં કિયોસાકી પોતાના જૈવિક પિતા અને તેમના મિત્રના પિતાની નાણાકીય વિચારસરણીની તુલના કરે છે. તેમના અનુસાર બંને પાસેથી તેમને પૈસા, નોકરી, રોકાણ અને સંપત્તિ અંગે અલગ-અલગ પ્રકારની શીખ મળી હતી.
કિયોસાકી લોકો ખાસ કરીને એવી સંપત્તિમાં રોકાણ કરવાની સલાહ આપે છે, જે નિયમિત આવક (Cash Flow) પેદા કરી શકે. રિયલ એસ્ટેટ તેમના રોકાણના અભિગમમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
આ સમગ્ર મામલો એ વાત પણ દર્શાવે છે કે ‘કરજ’ અને ‘નાણાકીય મુશ્કેલી’ હંમેશાં એક જ વસ્તુ નથી. કોઈ વ્યક્તિ અથવા કંપની પાસે મોટું દેવું હોય, છતાં તેની સામે એટલી જ મોટી અથવા તેનાથી વધારે કિંમતની સંપત્તિ હોય શકે છે. રોબર્ટ કિયોસાકીના 1.2 અબજ ડોલરના કર્જ અંગે કિમ કિયોસાકીની સ્પષ્ટતા પણ આ જ તફાવત તરફ ઈશારો કરે છે.

