ભારે વોલેટાલિટીના અંતે શેરબજાર સપાટ બંધ રહ્યુંઃ આઇટી શેરોએ બજારને નુકસાનમાં જતા બચાવ્યું

વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોના પગલે સોમવારે ભારતીય શેરબજારોમાં પણ મિશ્ર માહોલ રહ્યો હતો અને નજીવા સુધારા સાથે બજારો બંધ રહ્યા હતાં. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ફાઇનાન્શિયલ શેરોમાં ઉછાળાએ બજારને મોટા ઘટાડાથી બચાવ્યું. કંપનીઓના નબળા બીજા ક્વાર્ટરના પરિણામો અને વિદેશી રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા સતત વેચાણને કારણે રોકાણકારોમાં હજુ પણ ચિંતા છે.
શેરબજારના ટ્રેડર્સનું કહેવું છે કે, બજારમાં મોટા પાયે વોલેટાલિટીના કારણે રોકાણકારો માટે મુશ્કેલ સ્થિતિ આવી ગઈ છે. તો બીજી તરફ વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલી બજારમાં ચિંતાનું કારણ બની ગઇ છે.
બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ આજે 79,298.46 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે રૂ.80 હજારને પાર કરી ગયો હતો. જોકે, અંતે સેન્સેક્સ 0.01 ટકા અથવા 9.84 પોઇન્ટના નજીવા વધારા સાથે 79,496.16 પર બંધ થયો હતો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇનો નિફ્ટી-50 પણ 0.03 ટકા અથવા 6.90 પોઈન્ટના ઘટાડા સાથે 24,141.30ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીની 30 કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા છે.
ચોપ ગેનર્સ
સેન્સેક્સની 30 કંપનીઓમાં પાવર ગ્રીડના શેર સૌથી વધુ 4.33 ટકાના વધારા સાથે બંધ થયા છે. આ ઉપરાંત ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ, ટાઇટન અને એચડીએફસી સહિત એક્સિસ બેંકના શેરમાં મોટો ઉછાળો રહ્યો હતો.
બીજી તરફ એશિયન પેઈન્ટ્સ 8%થી વધુ ઘટીને બંધ થયા છે. ઉપરાંત, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, એનટીપીસી, અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વ, એલએન્ડટી, સન ફાર્મા, રિલાયન્સ, હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
આઇટી, નાણાકીય અને બેંકિંગ સિવાય દરેક શેરમાં ઘટાડો
નિફ્ટી આઇટી, ફાઇનાન્સિયલ અને બેન્કિંગ (બેંક નિફ્ટી, પ્રાઇવેટ બેન્ક અને પીએસયુ બેન્ક) સિવાયના તમામ સેક્ટર ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. નિફ્ટી હેલ્થકેર, મેટલ અને મીડિયા ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઘટીને બંધ થયા છે.
વિપ્રોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે
તમને જણાવી દઈએ કે નિફ્ટી 50 પેકથી અગ્રણી આઈટી કંપની વિપ્રોએ તેની 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટી 583.20 રૂપિયા બનાવી છે. વિપ્રોના શેર આજે તેના પાછલા બંધ કરતાં 0.80% વધીને 573.50 પર બંધ થયા છે.
એશિયન પેઇન્ટ્સના શેરમાં 8%થી વધુનો ઘટાડો
એશિયન પેઇન્ટ્સનો શેર આજે આઠ ટકાથી વણ વધારે ઘટી ગયો હતો. કંપનીના શેરમાં આ ઘટાડો બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા બાદ આવ્યો છે. એશિયન પેઇન્ટ્સે શનિવારે જણાવ્યું હતું કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનો નફો 43.71 ટકા ઘટીને રૂ. 693.66 કરોડ થયો છે. સ્થાનિક બજારમાં નરમ માંગ, ફુગાવો અને ડેકોરેટિવ અને કોટિંગ બિઝનેસમાં ઘટાડાથી કંપનીનો નફો ઘટ્યો છે.

