શેરમાર્કેટ ક્રેશ: સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો જંગી કડાકો, રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા

30 સપ્ટેમ્બર, મહિનાના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે, સોમવાકે શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો છે. જેના પગલે રોકાણકારોનો કરોડો રૂપિયા ડૂબી ગયા છે. સોમવારે માર્કેટ બંધ થવા સુધીમાં સેન્સેક્સ 1,272 પોઈન્ટ ગગડીને 84,299ના સ્તરે બંધ થયો છે. જ્યારે નિફ્ટી 368 પોઈન્ટ ઘટીને 25,810ના સ્તરે બંધ થયો છે.
વિશ્લેષકો માને છે કે શેરબજારમાં ઘટાડાનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારોમાં ભારે વેચવાલી હતી. આજે શેરબજારમાં એફઆઇઆઇએ જંગી નફો બુક કર્યો હતો. આ સિવાય આજે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ નીતિગત વ્યાજ દરો પર ભાષણ આપશે. બજારના રોકાણકારોની નજર આજે મોડી રાત્રે તેમના ભાષણ પર છે.
આ શેરમાં જોવા મળી તેજી
નિફ્ટીના 50 શેરોમાંથી આજે માત્ર નવ શેરો જ તેજી સાથે બંધ થયા હતાં. જેએસડબલ્યુ સ્ટીલનો શેર આજે 2.93% ની વૃદ્ધિ જોવા મળી હતી. આ સિવાય એનટીપીસી, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, બીપીસીએલ, એશિયન પેઈન્ટ્સ અને ઓએનજીસીના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા.
રોકાણકારોને 3.68 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
શેરબજારમાં આજે રોકાણકારોને 3.68 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 474.25 લાખ કરોડ પર બંધ થયું છે જે અગાઉના સત્રમાં રૂ. 477.93 લાખ કરોડ પર બંધ થયું હતું.

