વ્યાજદરમાં ઘટાડાની અસર અને આ ત્રણ કારણોથી શુક્રવારે તૂટ્યું શેરબજાર

વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે શુક્રવારે (7 ફેબ્રુઆરી) સ્થાનિક શેરબજારો સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે બંધ થયા હતા. પાંચ વર્ષ પછી વ્યાજદરમાં થયેલા ઘટાડાથી બજારના સેન્ટિમેન્ટ પર બહુ અસર થઈ નથી.
સેન્સેક્સ 77,860 પર, નિફટી 23,560 પર બંધ થયો
શુક્રવારે બીએસઇનો 30 શેરોવાળો સેન્સેક્સ મામૂલી વધારા સાથે 78,119 પોઈન્ટ પર ખુલ્યો હતો. જો કે, થોડા સમય પછી તેમાં ઘટાડો થયો. ટ્રેડિંગ દરમિયાન તે 77,475 પર લપસી ગયો હતો. અંતે, સેન્સેક્સ 197.97 પોઈન્ટ અથવા 0.25%ના ઘટાડા સાથે 77,860 પર બંધ થયો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી50 પણ ઘટાડા સાથે રહ્યો. તે 43.40 પોઈન્ટ અથવા 0.18 ટકાના ઘટાડા સાથે 23,560 પર બંધ રહ્યો હતો.
તમને જણાવી દઈએ કે કોરોના મહામારી પછી પહેલીવાર આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો છે. વ્યાજદરમાં ઘટાડા બાદ ફાઇનાન્શિયલ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે, જેણે બજારને લાલ નિશાનમાં બંધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આજના ટોપ લૂઝર્સ
સેન્સેક્સની કંપનીઓમાં આઇટીસીન શેર સૌથી વધારે નુકસાનમાં રહ્યો. ત્રીજા ક્વાર્ટરના પરિણામો અપેક્ષા કરતા ઓછા આવ્યા બાદ કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. એસબીઆઈ, અદાણી પોર્ટ્સ, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી બેંક, ઈન્ફોસીસ અને એલએન્ડટી ઘટીને બંધ રહ્યા હતાં.
આજના ટોપ ગેઇનર્સ
બીજી તરફ, બજારમાં ઘટાડો હોવા છતાં, ટાટા સ્ટીલ 4% થી વધુ વધીને બંધ થયો. મજબૂત ત્રિમાસિક પરિણામો પર ભારતી એરટેલ પણ 4% સુધી ચઢી ગઈ છે. આ સિવાય ઝોમેટો, મહિન્દ્રા, અલ્ટ્રા સિમેન્ટ, ટેક મહિન્દ્રા, એનટીપીસીના શેરમાં મોટો ઉછાળો રહ્યો હતો.
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, ટાટા સ્ટીલે નિફ્ટી 50 ઇન્ડેક્સમાં સમાવિષ્ટ શેરોમાં સૌથી વધુ વધારો કર્યો છે. તે 4.36%ના ઉછાળા સાથે રૂ. 138.31 પર બંધ થયો, જ્યારે એરટેલનો શેર 3.52%ના વધારા સાથે રૂ. 1,677 પર બંધ થયો. આ પછી જેએસડબલ્યુ સ્ટીલ 3.42% ઉછળીને રૂ. 980.75 પર બંધ થયો, જ્યારે ટ્રેન્ટનો શેર 3.36 ટકાના ઉછાળા સાથે રૂ. 5,454 પર બંધ થયો. આ સિવાય હિન્દાલ્કો 2.01% ના વધારા સાથે 607.40 ના સ્તર પર બંધ થયા છે.
મેટલમાં ઉછાળો, પીએસયુ બેન્કમાં ભારે ઘટાડો
સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે નિફ્ટી મેટલ અને નિફ્ટી ઓટોમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2.66% ના જંગી વધારા સાથે 8,586 ના સર્વોચ્ચ સ્તર પર બંધ થયો. નિફ્ટી ઓટો 0.69% ના વધારા સાથે 23,460 ના સ્તર પર સેટલ થયા છે જ્યારે, નિફ્ટી આઇટી 0.23% ના ઘટાડા સાથે 42,922 ના સ્તર પર બંધ થયો છે.
બેન્ક નિફ્ટી 0.44% ઘટીને 50,159 ના સ્તર પર બંધ થયો. આ સિવાય સતત ત્રીજા દિવસે નિફ્ટી એફએમસીજી 1.30% ના ઘટાડા સાથે 55,113 ના સ્તર પર અને નિફ્ટી પીએસયુ બેંક મહત્તમ 1.38% ના ઘટાડા સાથે 6,197 ના સ્તર પર બંધ રહ્યો હતો.
શેરબજારમાં આજે કેમ થયો ઘટાડો?
- વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત નાણાં ઉપાડી રહ્યાં છે. આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે. જેના કારણે બજારના સેન્ટિમેન્ટને અસર થઈ હતી. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ ગુરુવારે રૂ. 3,549.95 કરોડની ઇક્વિટી વેચી હતી.
- આરબીઆઈનો રેટ કટ બજાર માટે કોઈ મોટું આશ્ચર્યજનક નથી. ઉપરાંત, વિદેશી રોકાણકારોની વેચવાલી વચ્ચે રોકાણકારો પ્રોફિટ બુકિંગ તરફ વળ્યા હતા.
- આઇસીઆઇસીઆઆઇ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇટી લિમિટેડ જેવી કંપનીઓમાં શેરમાં ઘટાડાથી શુક્રવારે બજાર પછડાયુ
વૈશ્વિક બજારોમાંથી શું સંકેત મળે છે?
એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો સિયોલ અને જાપાનનો ટોકિયો ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝીટ અને હોંગકોંગનો હેંગસેંગ પોઝીટીવ ટ્રેન્ડમાં બંધ રહ્યો હતો. આ સિવાય મોટા ભાગના યુરોપિયન બજારોમાં ઘટાડો રહ્યો હતો. યુએસ શેરબજારો ગુરુવારે બંધ થયા હતા.
હોમ, ઓટો લોન અને અન્ય લોનના ઘટી શકે છે વ્યાજ દર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) એ શુક્રવારે (7 ફેબ્રુઆરી) રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. હવે રેપો રેટ 6.5% થી ઘટીને 6.25% થઈ ગયો છે. આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. મુખ્ય બેન્ચમાર્ક રેટ કટ બાદ હોમ, ઓટો અને અન્ય લોનના વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા છે.
ડોલર સામે રૂપિયો મજબૂત થયો
ભારતીય રિઝર્વ બેંકે અપેક્ષાઓ અનુસાર રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા બાદ શુક્રવારે રૂપિયો યુએસ ડોલર સામે તેના સર્વકાલીન નીચલા સ્તરથી 15 પૈસા વધીને 87.44 (કામચલાઉ) થયો હતો.

