મારુતિ સુઝુકીએ 16 હજાર Baleno અને WagonR કાર બજારમાંથી પાછી બોલાવી, જાણો શું છે કારણ

દેશની અગ્રણી ઓટોમેકર મારુતિ સુઝુકી ઈન્ડિયા (Maruti Suzuki India)એ શુક્રવારે જણાવ્યું હતું કે તે ફ્યુઅલ પંપ મોટરના એક ભાગમાં સંભવિત ખામીને દૂર કરવા માટે બલેનો (Baleno) અને વેગનઆર (WagonR) મોડલની 16,000થી વધુ કાર પાછી ખેંચી છે.
મારુતિ સુઝુકીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપની 30 જુલાઈ, 2019 અને 1 નવેમ્બર, 2019 વચ્ચે ઉત્પાદિત બલેનો મોડેલની 11,851 કાર અને વેગનઆર મોડેલની 4,190 કાર પાછી બોલાવી રહી છે.
નિવેદન અનુસાર, એવી શંકા છે કે આ કારના ફ્યુઅલ પંપ મોટરના એક ભાગમાં સંભવિત ખામી છે, જેના કારણે ભાગ્યે જ એન્જિન અટકી શકે છે અથવા એન્જિન શરૂ કરવામાં સમસ્યા આવી શકે છે.
ઓટોમેકરે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વાહન માલિકોનો સમયસર મારુતિ સુઝુકી અધિકૃત ડીલર વર્કશોપ દ્વારા સંપર્ક કરવામાં આવશે જેથી તે પાર્ટને મફતમાં બદલી શકાય.

