VIDEO: LICનો OFS આવ્યો, રોકાણકારો માટે કમાણીની તક
દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LICને લઈને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા LICમાં પોતાની 6.5 ટકા સુધીની ભાગીદારી વેચવાની તૈયારીમાં છે, જેનાથી અંદાજે 31 હજાર કરોડ રૂપિયા મળી શકે છે. હાલમાં LICમાં સરકારનો હિસ્સો 96.5 ટકા છે, જ્યારે પબ્લિક શેરહોલ્ડિંગ માત્ર 3.5 ટકા છે. SEBIના નિયમ મુજબ પબ્લિક હિસ્સો વધારવા માટે સરકારે સમયમર્યાદા પહેલાં આ પગલું ભર્યું છે. સરકાર પ્રથમ તબક્કામાં 2.5 ટકા ઈક્વિટી વેચશે અને વધુ માંગ રહે તો વધારાના 4 ટકા શેર વેચી શકે છે. LICના શેરમાં રોકાણ કરનારા માટે આ OFS સસ્તા ભાવે શેર ખરીદવાની તક બની શકે છે, કારણ કે ફ્લોર પ્રાઈસ 382 રૂપિયા નક્કી કરવામાં આવી છે. રિટેલ રોકાણકારો અને LIC કર્મચારીઓ માટે 5 ઓગસ્ટે ઓફર ખુલશે અને તેમને પ્રતિ શેર 15 રૂપિયાની વધારાની છૂટ પણ મળશે.

