GST 2.0ના અમલ બાદ ઓટો ઈન્ડસ્ટ્રીમાં ભારે તેજી, દશેરા પર ગુજરાતમાં 44 હજાર ટુ વ્હિલર અને 10,000 કારની થઈ ડિલિવરી
દેશમાં 22મી સપ્ટેમ્બરથી GSTના નવા દર લાગુ પડતા સૌથી વધુ મોટો ફાયદો ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને થયો હોઈ આ વર્ષે નવરાત્

દેશમાં 22મી સપ્ટેમ્બરથી GSTના નવા દર લાગુ પડતા સૌથી વધુ મોટો ફાયદો ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને થયો હોઈ આ વર્ષે નવરાત્રીથી દશેરના દિવસોમાં કાર-ટુ વ્હિલરના જંગી વેચાણ સાથે આ ઈન્ડસ્ટ્રીમાં સારી એવી તેજી જોવા મળી છે. ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનના ફેડરેશન દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ દશેરા (2 ઓક્ટોબર) ના દિવસે ગુજરાતમાં 44 હજાર ટુ વ્હિલર અને 10 હજાર કારની ડિલિવરી થઈ છે.
અમદાવાદમાં 6 હજાર ટુ વ્હિલર અને 2400 કારની ડિલિવરી થઈ
નવરાત્રીથી દશેરાના 10 દિવસમાં જ ગુજરાતમાં 1 લાખથી 1.10 લાખ જેટલા ટુ વ્હિલર બુક થયા હતા અને તેની ડિલિવરી થઈ છે. જ્યારે આ 10 દિવસમાં 22 હજારથી 24 હજાર કારનું બુકિંગ થયું હતું. ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનના ફેડરેશને જાહેર કરેલી માહિતી મુજબ, GST 2.0ના અમલ બાદ ઓટો ઈન્ડસ્ટ્રીમાં ભારે તેજી જોવા મળી છે. ટુ વ્હિલરની એવરેજ કિંમતમાં 10 હજાર સુધી અને કારની કિંમતમાં એક લાખ સુધીનો મોટો ઘટાડો થયો છે. જેની અસર કાર અને ટુ વ્હિલરના બુકિંગમાં જોવા મળી છે.
કારના બુકિંગમાં SUV કારનું બૂકિંગ સૌથી વધારે છે. દશેરાના શુભ મુહૂર્તમાં ગાડી-બાઈકની ડિલિવરી લેવા માંગતા ગ્રાહકોની મોટી ડિમાન્ડને પગલે દશેરાના એક જ દિવસમાં ગુજરાતમાં 44 હજાર ટુ વ્હિલર અને 10 હજાર કારની ડિલિવરી થઈ છે.
અમદાવાદમાં દશેરાએ 6 હજાર ટુ વ્હિલર અને 2400 કારની ડિલિવરી થઈ છે. જ્યારે નવરાત્રીથી દશેરા સુધીના દસ દિવસમાં ગુજરાતમાં 1 લાખથી 1.10 લાખ સુધી ટુ વ્હિલર બુક થયા છે અને ડિલિવરી થઈ છે. જ્યારે 22 હજારથી 24 હજાર કારનું બુકિંગ થયું છે અને ડિલિવરી થઈ છે. અમદાવાદ જિલ્લામાં ટુ વ્હિલરમાં 14થી 15 હજાર તેમજ કારમાં 5500થી 6 હજારનું બુકિંગ થયુ હતું. વર્ષ 2024ની સરખામણીમાં વર્ષ 2025માં કાર-ટુ વ્હિલરના બુકિંગ-વેચાણમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં 10 દિવસમાં જ 1000 કરોડની કિંમતના ટુ વ્હિલર અને 2300 કરોડ રૂપિયાની કારનું જંગી વેચાણ થયું છે.






