આવતીકાલથી બદલાઈ રહ્યા છે આ નિયમો, પડશે તમારા ખિસ્સા પર અસર

નાણાકીય વર્ષ 2023-24નો આજે છેલ્લો દિવસ છે અને આવતીકાલથી નવું નાણાકીય વર્ષ શરૂ થશે. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ પૈસા સાથે જોડાયેલા ઘણા નિયમો છે જે બદલાઈ જશે. તો ચાલો જાણીએ એ કયા નિયમો છે જે આવતીકાલથી બદલાવા જઈ રહ્યા છે.
પીએફ એકાઉન્ટ
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)માં આવતીકાલથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જો કોઈ કર્મચારી નવા નાણાકીય વર્ષમાં નોકરી બદલે છે, તો તેનું પીએફ એકાઉન્ટ હવે નવા એમ્પ્લોયરને આપમેળે ટ્રાન્સફર થઈ જશે. અગાઉ તે ફક્ત સબ્સ્ક્રાઇબર્સની વિનંતી પર ટ્રાન્સફર કરવામાં આવતું હતું.
ઈન્કમ ટેક્સ
નવા નાણાકીય વર્ષથી ન્યૂ ટેક્સ રિઝીમ ડિફોલ્ટ ટેક્સ રિઝીમ બની જશે. જો કોઈ વ્યક્તિ કોઈ પણ ટેક્સ સિસ્ટમ પસંદ કરતી નથી, તો તેનો ITR નવી ટેક્સ સિસ્ટમ હેઠળ જ ફાઇલ કરવામાં આવશે.
ફાસ્ટેગ
KYC વગરના ફાસ્ટેગ આવતીકાલથી નિષ્ક્રિય થઈ જશે. 1 એપ્રિલ પહેલા ફાસ્ટેગમાં KYC અપડેટ કરવું ફરજિયાત બની ગયું છે.
એનપીએસ
આવતીકાલથી NPS એકાઉન્ટમાં લોગિન કરવાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. PFRDA એ NPS ખાતામાં આધાર ઓથેન્ટિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. આવી સ્થિતિમાં, NPS એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે, ID પાસવર્ડની સાથે, તમારે આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP પણ દાખલ કરવો પડશે.
એસબીઆઈ
SBIએ તેના ડેબિટ કાર્ડની વાર્ષિક મેન્ટેનન્સ ફી વધારવાનો નિર્ણય કર્યો છે. નવા નિયમો આવતીકાલથી લાગુ થશે. આ સિવાય SBI ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચુકવણી પર ઉપલબ્ધ રિવોર્ડ પોઈન્ટ પણ બંધ કરવામાં આવી રહ્યા છે.
ICICI
આવતીકાલથી ICICI બેંક એવા ગ્રાહકોને કોમ્પ્લિમેન્ટરી એરપોર્ટ લાઉન્જ એક્સેસ પ્રદાન કરશે જેઓ તેમના ક્રેડિટ કાર્ડ પર એક ક્વાર્ટરમાં રૂ. 35,000 સુધીનો ખર્ચ કરે છે. જ્યારે યસ બેંક એક ક્વાર્ટરમાં રૂ. 10,000 ખર્ચવા પર ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ એક્સેસ આપશે.
વીમા
આવતીકાલથી વીમા ક્ષેત્રમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે પોલિસી સરેન્ડર પરની સરેન્ડર વેલ્યૂ તમે કેટલા વર્ષોમાં પોલિસી સરેન્ડર કરી છે તેના પર નિર્ભર રહેશે. નવા નિયમો 1 એપ્રિલથી લાગુ થશે.
દવાઓના ભાવમાં વધારો
આવતીકાલથી તમારે ઘણી દવાઓ માટે વધુ પૈસા ખર્ચવા પડશે. ડ્રગ પ્રાઇઝ રેગ્યુલેટરે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) હેઠળ પેઇન કિલર, એન્ટિબાયોટિક્સ અને એન્ટિ-ઇન્ફેક્શન દવાઓ જેવી કેટલીક આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવી કિંમતો 1 એપ્રિલથી અમલમાં આવશે.

