બેંક સાથે 1,400 કરોડની છેતરપિંડી, ક્વાલિટી ડેરી કંપનીના 12 સ્થાનો પર ઈડીની રેડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 27 નવેમ્બરના રોજ દિલ્હી એનસીઆરમાં 12 સ્થળોએ ડેરી પ્રોડક્ટ્સ ઉત્પાદક ક્વોલિટી લિમિટેડના ભૂતપૂર્વ પ્રમોટર્સ અને ડિરેક્ટરો પર દરોડા પાડ્યા હતા. પીટીઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો. આ દરોડા રુપિયા 1,400 કરોડની બેંક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ તપાસનો એક ભાગ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ લગભગ એક ડઝન સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમજ કંપનીના ભૂતપૂર્વ પ્રમોટર્સ, ડિરેક્ટર્સ અને અન્ય મુખ્ય વ્યક્તિઓના સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે.
કેસ બેકગ્રાઉન્ડ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સપ્ટેમ્બર 2020માં ક્વાલિટી લિમિટેડ અને તેના તત્કાલીન ડિરેક્ટરો વિરુદ્ધ 10 બેંકો સાથે રુપિયા 1,400 કરોડથી વધુની છેતરપિંડી કરવા બદલ દાખલ કરવામાં આવેલી FIR સાથે સંબંધિત છે.
બેંક ઓફ ઈન્ડિયા (BOI) ની આગેવાની હેઠળના 10 બેંક સાથે કથિત રીતે નાણાકીય નિવેદનો અને લોન ફંડના ડાયવર્ઝન દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી.
ક્વાલિટીએ આઇસક્રીમ ઉત્પાદન કંપની તરીકે શરૂઆત કરી અને દૂધ આધારિત ચીજવસ્તુઓના ઉત્પાદનોમાં વૈવિધ્યીકરણ કર્યું. તેના ભૂતપૂર્વ ડિરેક્ટરોમાં સંજય ઢીંગરા, સિદ્ધાંત ગુપ્તા, અરુણ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે.

