BIG NEWS: NEETની પરીક્ષા ન થાય ત્યાં સુધી ટેલિગ્રામ પર ભારતમાં અસ્થાયી રોક

પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓ રોકવા કેન્દ્ર સરકારે કડક પગલું ભરીને દેશભરમાં ટેલિગ્રામ (Telegram) એપ પર 22 જૂન, 2026 સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે. આગામી 21 જૂન, 2026ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષાને સુરક્ષિત રાખવા અને નકલખોરીનું નેટવર્ક તોડવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ભલામણ કરી હતી. આ ભલામણના આધારે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે આ મોટો નિર્ણય લીધો છે, જેને NTA દ્વારા પણ આવકારવામાં આવ્યો છે.
મેસેજ એડિટિંગ ફીચર પર પણ પ્રતિબંધ
ટેલિગ્રામને ભારતમાં તેના પ્લેટફોર્મ પર અગાઉથી પોસ્ટ કરાયેલા મેસેજને એડિટ કરવાનું ફીચર બ્લોક કરવાનો આદેશ અપાયો છે. જે 30 જૂન, 2026 સુધી લાગુ રહેશે. અત્યાર સુધી ચીટિંગ રેકેટ્સ અને અસામાજિક તત્વો પરીક્ષા પૂરી થયા પછી નકલી 'પેપર લીક'ના પુરાવા ઊભા કરવા માટે આ ફીચરનો ઉપયોગ કરતા હતા.
ટેલિગ્રામ પર ચેનલ એડમિનિસ્ટ્રેટર જૂના અને સામાન્ય મેસેજને એડિટ કરીને તેની સાથે અસલી પ્રશ્નપત્રની PDF ફાઈલ જોડી દેતા હતા. આ પ્રક્રિયામાં મેસેજનો ઓરિજિનલ ટાઈમ સ્ટેમ્પ બદલાતો નથી. પરીક્ષા પૂરી થયા પછી આ એડિટ કરેલી ચેટને સોશિયલ મીડિયા પર વાઇરલ કરીને એવો ખોટો દાવો કરાતો હતો કે, 'જુઓ, પરીક્ષા પહેલાં જ પેપર આ ચેનલ પર આવી ગયું હતું'. સરકારના આ નવા આદેશથી આ પ્રકારના જુઠ્ઠાણાં ફેલાવવાનો રસ્તો કાયમ માટે બંધ થઈ જશે.
ટેલિગ્રામ પર હંગામી પ્રતિબંધ
NTAના જણાવ્યા અનુસાર, પેપર લીક કરનારા શંકાસ્પદ ચેનલો પર એક પછી એક સખત કાર્યવાહી કરવા છતાં પણ જ્યારે ખતરો પૂરેપૂરો ટળ્યો નહીં, ત્યારે છેવટે આખા પ્લેટફોર્મ પર જ અસ્થાયી પ્રતિબંધ મૂકવો પડ્યો છે. ટેલિગ્રામ પર 'પેપર લીક' અને 'રી-એક્ઝામ 2026' જેવા ભ્રામક નામો ધરાવતી ચેનલો બનાવીને ઉમેદવારો પાસેથી નકલી પેપરના નામે હજારો અને લાખો રૂપિયા પડાવવામાં આવી રહ્યા હતા.
પરીક્ષાની નિષ્પક્ષતા માટે નિર્ણય
NTAના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધથી એપ્લિકેશનનો સાચો ઉપયોગ કરનારા સામાન્ય લોકોને થોડી મુશ્કેલી પડશે, પરંતુ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે આ નિર્ણય માત્ર પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી જ લેવાયો છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે 21 જૂન. 2026ના રોજ લેવાનારી NEETની પુનઃપરીક્ષા તેના નક્કી કરેલા સમયે જ યોજાશે, તેથી વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહીને માત્ર NTAની સત્તાવાર વેબસાઇટ પર આપેલી માહિતી પર જ ભરોસો રાખવો.

