હવે અમેરિકા પણ પીશે અમૂલ દૂધ, USની આ ડેરી સાથે અમૂલે કર્યો કરાર

એશિયાની સૌથી મોટી ડેરી કંપની અમૂલે બિઝનેસની દુનિયામાં વધુ એક સફળતા હાંસલ કરી છે. ભારતીય મૂળની આ કંપની હવે અમેરિકામાં દૂધનો બિઝનેસ કરશે. અમૂલ અમેરિકામાં ફ્રેશ દૂધનું ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી રહી છે, જેના માટે ગુજરાતની આ કંપનીએ અમેરિકાના પૂર્વ તટ અને મધ્યપશ્ચિમ બજારોમાં ફ્રેશ દૂધનું વેચાણ કરવા માટે મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન (MMPA) સાથે કરાર કર્યો છે.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે મને એ જણાવતાં આનંદ થાય છે કે અમૂલ અમેરિકામાં ફ્રેશ મિલ્ક પ્રોડક્ટ લોન્ચ કરશે. અમેરિકામાં 108 વર્ષ જૂની ડેરી કો-ઓપરેટિવ સાથે કરાર કર્યો છે. મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન (MMPA) ડીલની જાહેરાત વાર્ષિક બેઠકમાં કરવામાં આવી હતી.
આ પ્રથમ વખત છે જ્યારે અમૂલ દૂધ ભારતની બહાર અમેરિકા જેવા બજારોમાં પ્રવેશ કરશે. મહેતાએ કહ્યું કે તેની કિંમત પણ સારી રહેશે. અમૂલ યુ.એસ.માં અમૂલ બ્રાન્ડ હેઠળ એક ગેલન (3.8 લિટર) અને અડધો ગેલન (1.9 લિટર) પેકમાં ફ્રેશ મિલ્કની ચેન લોન્ચ કરશે. જેમાં 6 ટકા મિલ્ક ફેટ સાથે અમૂલ ગોલ્ડ, 4.5 ટકા મિલ્ક ફેટ સાથે અમૂલ શક્તિ, 3 ટકા મિલ્ક ફેટ સાથે અમૂલ ફ્રેશ અને 2 ટકા મિલ્ક ફેટ સાથે અમૂલ સ્લિમનો સમાવેશ થાય છે.

