અદાણી વિલ્મર: રૂ. 51,000 કરોડની આવક, 30 થી વધુ દેશોમાં બિઝનેસ; જાણો કંપની અચાનક ચર્ચામાં કેમ આવી

અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે અદાણી વિલ્મરમાં તેનું સમગ્ર શેરહોલ્ડિંગ વેચવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ અદાણી વિલ્મરમાં તેનો 44% હિસ્સો વેચવા માટે સોદો ફાઇનલ કર્યો છે. કંપની દ્વારા સોમવારે (30 ડિસેમ્બર) જારી કરાયેલા નિવેદન અનુસાર, આ ડીલ બે તબક્કામાં પૂર્ણ થશે. આ કરારથી અદાણી જૂથને લગભગ $2.2 બિલિયન એટલે કે લગભગ રૂ. 18,817 કરોડ મળશે.
હિસ્સો વેચવાના સમાચાર બાદ મંગળવાર, 31 ડિસેમ્બરે અદાણીના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે અદાણી વિલ્મરનો શેર ખૂલતા બજારે ઇન્ટ્રા ડેમાં બીએસઇ પર રૂ. 23.60 અથવા 7.16% ઘટીને રૂ. 305.90 પર ટ્રેડ કરી રહ્યો હતો. હાલમાં અદાણી ગ્રુપ અને વિલ્મર ઈન્ટરનેશનલ કંપનીમાં 43.94 ટકા હિસ્સો ધરાવે છે.
શું કરે છે અદાણી વિલ્માર?
અદાણી વિલ્માર એફએમસીજી સેક્ટરની દિગ્ગજ કંપની છે. અદાણી વિલ્માર, અદાણી એન્ટરપ્રાઇઝ અને વિલ્માર ઇન્ટરનેશનલ બંને એક જોઈન્ટ વેન્ચર છે અને તેને 1999માં શરૂ કરવામાં આવ્યું હતું. અદાણી વિલ્મર ખાદ્ય તેલ, પેક્ડ ઘઉંનો લોટ, કઠોળ, ચણાનો લોટ અને ખાંડ જેવા રસોડામાં ઉપયોગ માટે પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. ફોર્ચ્યુન, કોહિનૂર અને કિંગ્સ કંપનીના કેટલાક મુખ્ય બ્રાન્ડ નામો છે.
કંપનીના વાર્ષિક અહેવાલ પ્રમાણે ફોર્ચ્યુન બ્રાન્ડનું વાર્ષિક વેચાણ રૂ. 20 હજાાર કરોડથી પણ વધારે છે. જ્યારે કોહીનૂરનું વાર્ષિક વેચાણ રૂ. 350 કરોડ કરતાં પણ વધારે છે. રિપોર્ટ અનુસાર, કંપનીની દેશભરમાં 23 ફેક્ટરીઓ છે જ્યારે 38 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લીઝ પર છે. આ સિવાય એફએમસીજી ફર્મની દેશભરમાં 21 લાખ રિટેલ આઉટલેટ્સ છે. કંપની આવકની દ્રષ્ટિએ દેશની 10 સૌથી મોટી ફૂડ એફએમસીજી કંપનીઓમાં સામેલ છે.
આ પણ વાંચો : આ IPOની શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રીઃ રૂ.1491 પર લિસ્ટ થયો અને રોકાણકારોને મળ્યો 90 ટકા નફો
અદાણી વિલ્મારનું બિઝનેસ મોડલ
અદાણી વિલ્માર બજાર, ખેડૂત અને આયાત મારફતે કાચો માલ મેળવે છે. કંપનીના મુખ્ય બજારો શહેરી અને ગ્રામીણ કન્ઝ્યુમર છે. આ ઉપરાંત તે ઇ-કોમર્સના પ્લેટફોર્મ મારફતે પણ માલ વેચે છે. આ સિવાય કંપની પોતાનો સામાન સીધો રેસ્ટોરન્ટ્સ, રિટેલ સ્ટોર્સ અને ઉદ્યોગોને પણ વેચે છે. કંપની પોતે ઉત્પાદનથી લઈને વેરહાઉસિંગ અને વેચાણ અને વિતરણ સુધીની દરેક વસ્તુનું સંચાલન કરે છે, જે તેને તેના ઉત્પાદનોની કિંમતો ઓછી રાખવામાં મદદ કરે છે.
અદાણી વિલ્મારનો પ્રોડક્ટ પોર્ટફોલિયો
અદાણી વિલ્મર રસોડામાં ઉપયોગમાં લેવાતી પાંચ આવશ્યક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે અને ત્રણ અલગ-અલગ સેગમેન્ટમાંથી સામાન વેચે છે. તેમાં ખાદ્ય તેલ, ઘઉંનો લોટ, ચોખા, કઠોળ અને ચણાનો લોટ અને ખાંડનો સમાવેશ થાય છે. ખાદ્ય તેલમાં, કંપની સોયાબીન તેલથી લઈને સૂર્યમુખી તેલ સુધીના તમામ મુખ્ય ખાદ્ય તેલ ઓફર કરે છે.
આ સિવાય કંપની ઘઉંનો લોટ, ચોખા, ખાંડ, કઠોળ અને ચણાનો લોટ પણ વેચે છે. કંપનીની ગ્રાહક યાદીમાં માત્ર સ્થાનિક ગ્રાહકો જ નહીં પરંતુ હોટેલ્સ/રેસ્ટોરન્ટ્સ, ઉદ્યોગો અને નિકાસનો પણ સમાવેશ થાય છે.
અદાણી ગ્રુપ શા માટે અદાણી વિલ્મરમાંથી બહાર નીકળી રહ્યું છે?
અદાણી એન્ટરપ્રાઇઝે પોતાના એનર્જી અને યુટિલિટી, પરિવહન અને લોજિસ્ટિક અને અન્ય પ્રાથમિક ઉદ્યોગના પાયાના બુનિયાદી ઢાંચાના પ્લેટફોર્મોમાં રોકાણને ગતિ આપવા અદાણી વિલ્મારમાંથી પોતાની હિસ્સેદારી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના બોર્ડે આ કરારને ધ્યાનમાં રાખીને અદાણી કોમોડિટીઝના બોર્ડ ઓફ અદાણી વિલ્મરમાંથી અદાણી કોમોડિટીઝના નોમિની ડિરેક્ટરોના રાજીનામાની માંગ કરતો ઠરાવ પસાર કર્યો છે. બંને પક્ષો અદાણી વિલ્મરનું નામ બદલવા માટે પણ સંમત થયા છે.
અદાણી વિલ્માર શેર હોોલ્ડિંગની પેટર્ન
બીએસઇની વેબસાઈટ પર ઉપલબ્ધ પ્રમોટર શેરહોલ્ડિંગ માહિતી અનુસાર, અદાણી કોમોડિટીઝ એલએલપી અને લેન્સ પીટીઇ લિમિટેડ અદાણી વિલ્મરમાં 43.94% હિસ્સો ધરાવે છે. બંને કંપનીઓ અદાણી વિલ્મરમાં મળીને 87.87 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે પબ્લિક શેરહોલ્ડિંગ 12.13 ટકા છે.
અદાણી વિલ્મારની શેર હિસ્ટ્રી
આ સમાચારો આવ્યા બાદ અદાણી વિલમારના શેરમાં મોટા પાયે ઉથલપાથલ જોવા મળી છે. બીએસઇ પર મંગળવારના રોજ ઇન્ટ્રાડે ટ્રેડમાં અદાણી વિલ્મરના શેરમાં 8% જેટલો ઘટાડો થયો હતો. છેલ્લા મહિનામાં સ્ટોક 1.99% ઘટ્યો છે જ્યારે પાછલા વર્ષમાં સ્ટોક 13.38% ઘટ્યો છે. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 408.70 અને નીચી રૂ. 279.20 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 39,926.13 કરોડ છે.
અદાણી વિલ્મરના 2025ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના નણાકીય પરિણામો કેવા હતા?
નાણાકીય વર્ષ 2025ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અદાણી વિલ્મરે રૂ. 311.02 કરોડનો નફો નોંધાવ્યો હતો. જ્યારે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીને રૂ. 130.73 કરોડનું નુકસાન થયું હતું. કંપનીની આવક વાર્ષિક ધોરણે 17.87% વધીને 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 14,460.45 કરોડ થઈ છે.
કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2024માં અદાણી વિલ્મરનું કુલ ટર્નઓવર રૂ. 51,262 કરોડ હતું. ખાદ્યતેલ સેગમેન્ટમાં તેનો સૌથી વધુ બજાર હિસ્સો હતો. કંપનીની ફ્લેગશિપ બ્રાન્ડ ફોર્ચ્યુનનું વાર્ષિક વેચાણ રૂ. 20,000 કરોડથી વધુ છે.

