VIDEO: NEWS AFTERNOON / સિંગતેલના ડબ્બાની કિંમત રૂ. 3000ને પાર, ઓસામા બિન લાદેનનો પુત્ર જીવિત છે?
સાઉદી ઓઇલ પાઇપલાઇન બંધ
હુથી વિદ્રોહીઓના સતત હુમલા વચ્ચે સાઉદી અરેબિયાએ સાવચેતીના પગલારૂપે પોતાની મુખ્ય ઈસ્ટ-વેસ્ટ ઓઈલ પાઈપલાઈન અસ્થાયી રીતે બંધ કરી દીધી છે. ઈરાન સમર્થિત હુથીઓ બાબ અલ-મંદેબ સ્ટ્રેટ નજીક પહોંચતા હવે વૈશ્વિક ક્રૂડ સપ્લાય પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.
હમઝા બિન લાદેન જીવિત?
9/11 હુમલાની વરસી વચ્ચે અલ-કાયદાએ ઓસામા બિન લાદેનના પુત્ર હમઝાનો આશરે ૫૦ મિનિટનો વીડિયો જાહેર કરતાં ખળભળાટ મચી ગયો છે. વર્ષ ૨૦૧૯માં હમઝા માર્યો ગયો હોવાના દાવા વચ્ચે આ વીડિયો સામે આવતા વૈશ્વિક ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
હરીશ રાવતનું કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું
ઉત્તરાખંડ કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પક્ષના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમના પૂર્વ સહયોગીના ઠેકાણાઓ પરથી મળેલી મોટી રોકડ અને દાગીનાની તપાસ વચ્ચે રાવતે સોશિયલ મીડિયા પર ખુલાસો કરીને આ મોટો નિર્ણય લીધો છે.
સિંગતેલના ડબ્બાની કિંમત રૂ. 3000ને પાર
ગુજરાતમાં મગફળીનું વિક્રમજનક વાવેતર હોવા છતાં તહેવારો પૂરા થતાં જ સિંગતેલના ભાવમાં મોટો ભડકો થયો છે. રાજકોટ તેલબજારમાં ભાવ રૂ. ૩૦ વધીને રૂ. ૩૦૨૦ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. નવો પાક આવવાની તૈયારી વચ્ચે શોર્ટ સપ્લાયના બહાને ભાવ વધારાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
ચકલાસી પાલિકામાં બળવો
ખેડા જિલ્લાની ચકલાસી નગરપાલિકામાં ફરી રાજકીય ભૂકંપ આવ્યો છે. પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલાની કામગીરીથી નારાજ થઈને ૧૧ ભાજપ અને ૧૧ અપક્ષ મળીને કુલ ૨૨ સભ્યોએ ચીફ ઓફિસરને અવિશ્વાસની દરખાસ્ત સોંપી છે. દોઢ વર્ષમાં બીજી વખત અવિશ્વાસ આવતા ખળભળાટ મચી ગયો છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
રાજ્યમાં આજથી ફરી ચોમાસું જોર પકડશે. હવામાન વિભાગ અનુસાર, એકસાથે ૩ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી ૪ દિવસ ભારે વરસાદની વકી છે. આજે ખાસ કરીને દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.

