VIDEO: NEWS AFTERNOON / ક્રૂડ ઓઇલ $80થી નીચે ગબડ્યું, જંતર-મંતર પર આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, RBIએ રેપો રેટ 5.25% પર સ્થિર રાખ્યો
ક્રૂડ ઓઇલ $80થી નીચે ગબડ્યું
વૈશ્વિક અર્થતંત્ર માટે મોટા રાહતના સમાચાર! મધ્ય પૂર્વમાં કૂટનીતિક હલચલ તેજ થતાં અને યુએસ-ઈરાન વચ્ચે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' શરૂ થવાની અટકળો વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ૪.૫ ટકા ગબડીને ૭૯.૯૬ ડોલર પર આવી ગયું છે. લાંબા સમય પછી ક્રૂડના ભાવ ૮૦ ડોલરથી નીચે આવતા આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની શક્યતા વધી ગઈ છે.
જંતર-મંતર પર આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના ઈશારે જંતર-મંતર પર આતંકી વારદાત અંજામ આપવાના કાવતરાનો પંજાબ પોલીસે પર્દાફાશ કર્યો છે. અમૃતસર પોલીસે ૨ અલગ-અલગ ગેંગના ૪ સગીરો સહિત ૯ લોકોની ધરપકડ કરી તેમની પાસેથી પેટ્રોલ બોમ્બ, પિસ્તોલ અને કારતૂસ સહિતનો જથ્થો જપ્ત કર્યો છે.
ટ્રમ્પના ગોલ્ફ ક્લબ પાસે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કેલિફોર્નિયા પ્રવાસ પહેલાં લોસ એન્જિલસ સ્થિત તેમના 'ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબ' બહારથી એક શંકાસ્પદ વ્યક્તિની હથિયાર સાથે ધરપકડ કરાઈ છે. લોસ એન્જિલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટે ધરપકડ કરાયેલા ૩૮ વર્ષીય શંકાસ્પદ આરોપીની ઓળખ જીનિન જોન ટેલે તરીકે કરી છે.
RBIએ રેપો રેટ 5.25% પર સ્થિર રાખ્યો
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેપો રેટ ૫.૨૫% પર સ્થિર રહેશે. વ્યાજદરમાં કોઈ ફેરફાર ન થવાથી હોમ લોન કે કાર લોન લેનારાઓ પર EMIનો વધારાનો બોજ નહીં પડે.
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ
CNGના અસહ્ય ભાવવધારા સામે અમદાવાદમાં રિક્ષાચાલકોની ૨ દિવસીય હડતાળ શરૂ થઈ છે, જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. એક તરફ હજારો રિક્ષાઓ થંભી જતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ એસ.જી. હાઇવે અને પ્રહલાદનગર જેવા વિસ્તારોમાં શટલ રિક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેતા લોકોને થોડી રાહત મળી છે.
ગેરકાયદે શેરબજારના નેટવર્ક પર દરોડા
સુરેન્દ્રનગરના રતનપરમાં પોલીસકર્મી સંજયસિંહ રાઠોડના ઘરમાં જ છેલ્લા ૧૦ વર્ષથી ચાલતા ગેરકાયદે શેરબજારના નેટવર્ક પર રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાયની ટીમે દરોડો પાડ્યો છે. ૨૩ ઈસમો દ્વારા શેરના ભાવ પર રમાડાતા જુગારમાંથી ૧૦ લેપટોપ, ૨૯ મોબાઈલ અને રૂ. ૩.૦૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે હવે સ્થાનિક પોલીસ સામે પણ મોટી કાર્યવાહીના એંધાણ છે.
સૌરાષ્ટ્રમાં હાઇકોર્ટ બેંચની માંગ તેજ
સૌરાષ્ટ્રમાં હાઇકોર્ટની બેંચ સ્થાપવાની વર્ષો જૂની માંગણીને વધુ વેગ મળ્યો છે. રાજકોટ બાર એસોસિએશનની રજૂઆતો બાદ સાંસદ પરસોતમ રૂપાલા અને ધારાસભ્ય રમેશ ટીલાળાએ આ માંગને સમર્થન આપ્યું છે. સાંસદ રૂપાલાએ કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાળને પત્ર લખીને પણ સૌરાષ્ટ્રને હાઇકોર્ટ બેંચ ફાળવવાની રજૂઆત કરી છે.

