VIDEO: NEWS AFTERNOON / સોનમ વાંગચુકની ભૂખ હડતાળ ખતમ કરવા માટે 3 શરતો, ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડવા એડવાઈઝરી, અમદાવાદના ઘુમામાં દીપડાની એન્ટ્રી
સોનમ વાંગચુકની ભૂખ હડતાળ ખતમ કરવા માટે 3 શરતો
પેપર લીક અને લદ્દાખના મુદ્દે આંદોલન ચલાવી રહેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે અણનમ અનશન સમેટી લેવાની જાહેરાત કરી છે. સફદરજંગ હોસ્પિટલમાં દાખલ વાંગચુકે કેન્દ્ર સરકાર સામે ત્રણ કડક શરતો મૂકી છે. તેમણે જણાવ્યું કે જો સરકાર આમાંથી એક પણ શરત સ્વીકારશે, તો તેઓ ભૂખ હડતાળ પૂરી કરશે.
અમેરિકાના ઈરાન પર ભીષણ હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ હવે અત્યંત ભયાનક મોડ પર પહોંચી ગયો છે. અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સતત 9મી રાત્રે ઈરાન પર તીવ્ર એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજો પર હુમલો કરવાની ઈરાનની સૈન્ય ક્ષમતાઓને નેસ્તનાબૂદ કરવાના હેતુથી અમેરિકાએ આ મોટો મોરચો ખોલ્યો છે.
ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડવા એડવાઈઝરી
ઈરાન અને અમેરિકા વચ્ચે જંગ તેજ થતાં જ ભારત સરકારે મોટું પગલું ભર્યું છે. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરીને ભારતીય નાગરિકોને હાલ ઈરાનનો પ્રવાસ ટાળવા સલાહ આપી છે. આ સાથે જ ત્યાં હાજર ભારતીયોને કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા તાત્કાલિક દેશ છોડી દેવા માટે કડક સૂચના અપાઈ છે.
FIFA ફાઇનલમાં ટ્રમ્પની ભારે ફજેતી
ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેને આર્જેન્ટિનાને હરાવી ટાઇટલ જીત્યું, પણ આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની ભારે ફજેતી થઈ છે. સ્પેનની જીતની ઉજવણીમાં વગર બોલાવ્યે પોડિયમ પર પહોંચેલા ટ્રમ્પને ફિફા પ્રમુખે સાઇડમાં ખસેડી દીધા હતા. મેચ દરમિયાન સ્ટેડિયમમાં પણ ફેન્સ દ્વારા ટ્રમ્પનું જોરદાર હૂટિંગ કરવામાં આવ્યું હતું.
દેશના 17 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
સમગ્ર દેશમાં ચોમાસું પૂરી ઝડપે આગળ વધી રહ્યું છે, જેનાથી ગરમીમાં રાહત મળી છે. જોકે, હવામાન વિભાગે આજે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 6 થી 7 દિવસ સુધી દેશના અનેક ભાગોમાં આવું જ વાતાવરણ રહેશે, જેના કારણે પૂર અને ભૂસ્ખલનનો ખતરો વધી ગયો છે.
અમદાવાદના ઘુમામાં દીપડાની એન્ટ્રી
અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડાની એન્ટ્રીથી સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઘુમાની શરણદીપ સોસાયટીમાં રાત્રિ દરમિયાન દીપડો આંટાફેરા મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. દીપડો દેખાવાના પગલે રહીશોમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની ટીમ દીપડાને પાંજરે પૂરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
અંબાજી ગબ્બર રોપવે 4 દિવસ બંધ
અંબાજી યાત્રાધામ ખાતે આવેલા ગબ્બર રોપવેની સેવા 21 જુલાઈથી 24 જુલાઈ સુધી ચાર દિવસ માટે બંધ રહેશે. રોપવેના નિયમિત મેન્ટેનન્સ અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રે આ નિર્ણય લીધો છે. જોકે, આ દરમિયાન માઈભક્તો પગપાળા સીડીઓ ચઢીને માતાજીના દર્શન અને 51 શક્તિપીઠની પરિક્રમા કરી શકશે.
ગુજરાતના 111 તાલુકામાં મેઘમહેર
ગુજરાતમાં ચોમાસું જામ્યું છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, જેમાં નવસારીના જલાલપોરમાં સૌથી વધુ પોણા 6 ઇંચ અને નવસારી શહેરમાં પોણા 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

