MORNING BULLETIN / ભારતની 4 કંપનીઓ પર અમેરિકી પ્રતિબંધ, દેશમાં ભારે વરસાદનું એલર્ટ

ભારતની 4 કંપનીઓ પર અમેરિકી પ્રતિબંધ
ઈરાન સાથેના તણાવ વચ્ચે ટ્રમ્પ પ્રશાસને 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. ઈરાન પાસેથી પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરવાના મામલે ભારતમાં આવેલી 4 કંપનીઓ પર અમેરિકાએ પ્રતિબંધો લાદીને ઈરાનના આવકના સ્ત્રોત રોકવા કડક પગલાં લીધાં છે.
રામ રહીમને ફરી મળ્યા ફરલો
યૌન શોષણ કેસમાં 20 વર્ષની સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને ફરી એકવાર 21 દિવસના ફરલો મંજૂર કરાયા છે. 5 વર્ષમાં 17મી વખત ફરલો મેળવનાર રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવી સિરસા આશ્રમ જશે.
દેશમાં ભારે વરસાદનું એલર્ટ
ઝારખંડ પાસે સર્જાયેલા લો-પ્રેશરને કારણે દેશભરમાં વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગ અનુસાર 26થી 31 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના રાજ્યોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદ તૂટી પડશે, જ્યારે દક્ષિણ ભારતમાં વરસાદનું જોર ઓછું રહેશે.
પાલનપુરથી શાર્પશૂટર ઝડપાયો
પંજાબના બટાલા ફાયરિંગ કેસમાં વોન્ટેડ અને જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના કુખ્યાત શાર્પશૂટર સુખપિન્દર ઉર્ફે સુખીને ગુજરાત ATSએ પાલનપુરની હોટલમાંથી દબોચી લીધો છે. હત્યાના પ્રયાસ અને ડ્રગ્સ સહિતના 7થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની કસ્ટડી પંજાબ પોલીસને સોંપાશે.
માળિયા હાટીનાની ઈટાળી પંચાયત બરખાસ્ત
જૂનાગઢના માળિયા હાટીનાની ઈટાળી ગ્રામ પંચાયતનું વર્ષ 2026-27નું બજેટ 4 બેઠકો છતાં પાસ ન થતાં વિકાસ કમિશનરે કલમ-253 હેઠળ પંચાયતને બરખાસ્ત કરી છે. વિકાસ કાર્યો અટકી પડતાં અને વૈધાનિક ફરજોમાં નિષ્ફળ રહેતાં હવે પંચાયતમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવશે.
બોગસ બાળકોના નામે લાખોની ગ્રાન્ટ હડપવાનું કૌભાંડ
મેંદરડાના સુરજગઢ સ્થિત ભગવતી આદિજાતિ આશ્રમશાળામાં બોગસ દસ્તાવેજો અને 'ભૂતિયા બાળકો'ની ખોટી હાજરી દર્શાવી લાખોની સરકારી ગ્રાન્ટ ચાંઉ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. વેરિફિકેશનમાં શૂન્ય પરિણામ છતાં ગ્રાન્ટ પાસ થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે, જ્યારે શિક્ષણ વિભાગે ટીમ બનાવી કડક તપાસ અને કાર્યવાહીની ખાતરી આપી છે.
વધારાની ફી ઉઘરાવતી સ્કૂલ સામે કાર્યવાહી
નડિયાદની સંત અન્ના સ્કૂલમાં આઈકાર્ડ અને ડાયરીના નામે ઉઘરાવાયેલી ગેરકાયદે ફી મામલે DEO કચેરીએ લાલ આંખ કરી છે. તપાસમાં ગેરરીતિ પકડાતાં શાળાને તમામ ફી પરત કરવાનો આદેશ આપી વાર્ષિક ગ્રાન્ટમાં 25 ટકાનો સીધો કાપ મૂક્યો છે, જેથી અન્ય સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
તો જાણીએ હવે આજના રાશિફળ વિષે
આવતીકાલે મેષ, મિથુન, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને કુંભ રાશિના જાતકો માટે પ્રગતિ, આર્થિક લાભ અને સફળતાના યોગ છે; જ્યારે વૃષભ, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ ખર્ચ, વાદવિવાદ, સ્વાસ્થ્ય અને નિર્ણયો બાબતે વિશેષ સાવધાની રાખવી હિતાવહ રહેશે.
ચાલો હવે જાણીએ આજનું પંચાંગ...
આજે શ્રાવણ સુદ તેરસ (સવારે 08:00 વાગ્યા પછી ચૌદશ) છે. નક્ષત્ર શ્રવણ અને ચંદ્ર મકર રાશિમાં રહેશે. દિવસના શુભ મુહૂર્તમાં અમૃત કાળ બપોરે 01:33 થી 03:17 સુધીનો છે, જ્યારે રાહુકાળ બપોરે 12:42 થી 02:17 સુધી રહેશે.
હવે નજર કરીએ આજના ઇતિહાસ પર..
24 ઓગસ્ટ 2006ના રોજ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા પ્લુટોને ગ્રહના વર્ગમાંથી હટાવી 'વામન ગ્રહ' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો.
અને હવે, એક સુંદર વિચાર સાથે દિવસની સકારાત્મક શરૂઆત કરીએ..
નમ્રતા એ સૌથી મોટો સંસ્કાર છે.

