VIDEO: MORNING BULLETIN / અમેરિકામાં નકલી દવા વેચતા બે ભારતીયો ઝડપાયા, દિવાળીએ ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં: સુપ્રીમ કોર્ટ, રાજકોટ કોંગ્રેસમાં ભડકો
UNSCમાં ભારત સામે તાજિકિસ્તાન મેદાને
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 2028-29ના કાર્યકાળ માટે અસ્થાયી બેઠક મેળવવા તાજિકિસ્તાને દાવેદારી નોંધાવી છે. પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા તાજિકિસ્તાનનો સીધો મુકાબલો ભારત સાથે થશે. ભારતને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનું સમર્થન મળતાં ભારતનું પલડું ભારે માનવામાં આવી રહ્યું છે.
વજન ઘટાડવાની નકલી દવા વેચતા બે ભારતીયો ઝડપાયા
અમેરિકામાં વજન ઘટાડવાની પ્રખ્યાત દવા ઓઝેમ્પિકના નકલી ઈન્જેક્શન વેચવા અને દાણચોરી કરવાના આરોપમાં બે ભારતીય નાગરિકો ઝડપાયા છે. આરોપી સ્વપ્નદીપ રોયને ઈટાલીથી અમેરિકા પ્રત્યાર્પિત કરી કોર્ટમાં રજૂ કરાયો છે, જ્યાં તેની અને તેના સાથી સામે છેતરપિંડીના ગંભીર આરોપો હેઠળ સુનાવણી હાથ ધરાઈ છે.
દિવાળીએ ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં: સુપ્રીમ કોર્ટ
દિવાળી પર ફટાકડા મુદ્દે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતાં સ્પષ્ટ કર્યું છે કે દેશભરમાં સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં નહીં આવે. ધાર્મિક લાગણીઓ અને પર્યાવરણ-સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જરૂરી છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે દર્દીઓ અને બાળકોના હિતને ધ્યાને રાખી 24 કલાક ફટાકડા ફોડવાની મંજૂરી આપી શકાય નહીં.
રાજ્યસભા ચૂંટણીમાં ભાજપમાં પડશે મોટું ગાબડું?
ઉત્તર પ્રદેશ રાજ્યસભા ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું છે. સપા સુપ્રીમો અખિલેશ યાદવે મોટો દાવો કરતાં જણાવ્યું છે કે ભાજપના અનેક અસંતુષ્ટ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને તેઓ સપાના ત્રીજા ઉમેદવારને જીતાડવામાં મદદ કરશે. આ નિવેદન બાદ ભાજપના છાવણીમાં ભારે ચહલપહલ મચી ગઈ છે.
રાજકોટ કોંગ્રેસમાં ભડકો
રાજકોટ શિક્ષણ સમિતિમાં નામ જાહેર થતાં જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. પાર્ટીના નિર્ણય સામે નારાજગી દર્શાવી વિરોધ કરનાર કોંગ્રેસ નેતા વિજયસિંહ જાડેજા અને કમલેશ કોઠીવાર સામે શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ શિસ્તભંગના પગલાં લઈ બંનેને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
4 વર્ષ જૂના ટ્રિપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
પત્ની અને સાળાને ફસાવવા ક્રાઇમ બ્રાન્ચને ખોટી બાતમી આપનાર પતિ જ ત્રિપલ મર્ડરનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો છે. મિલકત પચાવી પાડવા અને બીમાર માતાની સેવામાંથી છૂટકારો મેળવવા માટે આરોપી દંપતીએ લકવાગ્રસ્ત માતા, દાદી અને પૌત્રીની હત્યા કરી લાશ છુપાવી દીધી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે.
તો જાણીએ હવે આજના રાશિફળ વિષે.
આજે મેષ, સિંહ અને ધન રાશિના જાતકોને આર્થિક લાભ અને નવી તકો મળશે. વૃષભ, કન્યા અને મકર રાશિએ વાણી પર સંયમ રાખવો અને વિવાદોથી બચવું. મિથુન, તુલા અને કુંભ રાશિ માટે દિવસ ભાગ્યવર્ધક રહેશે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળવું, પારિવારિક સુખ જળવાઈ રહેશે.
ચાલો હવે જાણીએ આજનું પંચાંગ...
આજે ભાદરવા વદ પાંચમ છે. નક્ષત્ર રોહિણી અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. દિવસના શુભ મુહૂર્તમાં અભિજીત મુહૂર્ત બપોરે ૧૧:૪૭ થી ૧૨:૩૫ સુધીનું છે, જ્યારે રાહુકાળ બપોરે ૧:૪૫ થી ૩:૧૫ સુધી રહેશે.
હવે નજર કરીએ આજના ઇતિહાસ પર..
1 ઓક્ટબર ૧૮૫૪ના રોજ ભારતમાં સત્તાવાર રીતે પ્રથમ વખત સમગ્ર ભારતીય ટપાલ ટિકિટ વેચવાની શરૂઆત થઈ હતી. આ ટિકિટો અડધા આના, એક આના, બે આના અને ચાર આનાની કિંમતમાં ઉપલબ્ધ હતી.

