VIDEO: MORNING BULLETIN / ટ્રમ્પની સુપ્રીમ કોર્ટમાં અરજી, લાલ કિલ્લા પર આઝાદી પર્વની ઉત્સાહભેર ઉજવણી, વેગડવાવ ગામના ખેડૂતોએ કર્યો વિરોધ
ટ્રમ્પની સુપ્રીમ કોર્ટમાં અરજી
ટ્રમ્પ વહીવટીતંત્રે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વ્હાઈટ હાઉસના $400 મિલિયનના બોલરૂમનું બાંધકામ ચાલુ રાખવાની મંજૂરી આપવા વિનંતી કરી છે. ન્યાય વિભાગે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતાં નીચલી અદાલતના મનાઈ હુકમ પર સ્ટેની માંગ કરી છે.
લાલ કિલ્લા પર આઝાદી પર્વની ઉત્સાહભેર ઉજવણી
દેશના 80મા સ્વતંત્રતા પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવી દેશને સંબોધન કર્યું હતુ, આ પ્રસંગે 21 તોપોની સલામી અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ વખતે સમારોહમાં ‘યુવા શક્તિ’ અને 2047 સુધી વિકસિત ભારતના નિર્માણમાં યુવાઓના યોગદાન પર ખાસ ભાર મુકાયો, જેમાં આશરે 5,000 વિશેષ અતિથિઓ ઉપસ્થિત રહ્યા.
તિરંગાના રંગે રંગાયું દુબઈનું બુર્જ ખલીફા
દુબઈની વિશ્વપ્રસિદ્ધ બુર્જ ખલીફા ઈમારતને ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરંગાના રંગોથી રોશન કરવામાં આવી હતી. આ ભવ્ય નજારો નિહાળવા મોટી સંખ્યામાં ભારતીયો અને પ્રવાસીઓ ઉમટ્યા હતા, જ્યારે ‘ભારત માતા કી જય’ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
અમરેલીમાં થઈ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી
સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે અમરેલીના ચીતલ રોડ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉત્સાહભેર કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા શાનદાર પરેડ અને મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા..
વેગડવાવ ગામના ખેડૂતોએ કર્યો વિરોધ
કલેક્ટરના નિવેદન બાદ વેગડવાવના ખેડૂતોએ એમઆરસીના વળતરનો નિર્ણય ફગાવી પોતાની માગ પર મક્કમ રહેવાનો નિર્ણય કર્યો. જેતપર સત્યાગ્રહ છાવણીના ખેડૂતોની બેઠકમાં ખેડૂતોએ વળતર મુદ્દે અસહમતિ દર્શાવી એકસૂરમાં વિરોધ નોંધાવ્યો.
અમરેલીમાં ટ્રેકર પર સિંહણે કર્યો અચાનક હુમલો
અમરેલીના ચાંદગઢ સિમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સિંહણે ટ્રેકર ગોસાભાઈ હુપ પર અચાનક હુમલો કરતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘાયલ ટ્રેકરને અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, જ્યારે વન વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી છે.
કાંકરિયામાં દોઢ મહિનામાં આવશે નવી ટ્રેન
અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટની મુલાકાતે આવતા સહેલાણીઓ માટે આગામી દોઢ મહિનામાં વધુ બે આકર્ષક અને સંપૂર્ણ સ્વદેશી ટોય ટ્રેન શરૂ કરવામાં આવશે. હાલ કાર્યરત અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ એક્સપ્રેસ જૂની થતાં, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂપિયા ૩.૫૪ કરોડના જંગી ખર્ચે આ નવી અત્યાધુનિક ટ્રેનો ખરીદવામાં આવી રહી છે.
આજનું રાશિફળ
મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોએ આજના દિવસે કાર્યક્ષેત્રે નવી જવાબદારીઓ સ્વીકારવા માટે તૈયાર રહેવું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોએ પરિવાર સાથે સારો સમય વિતાવવો. તુલા, વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકોને વ્યાપારમાં નવા સંપર્કોથી વિશેષ લાભ થશે. મકર, કુંભ અને મીન રાશિના જાતકોને લાંબા સમયથી ચાલતા પારિવારિક વિવાદોમાંથી રાહત મળશે.
આજનું પંચાંગ
આજે શ્રાવણ સુદ ચોથ છે. આજના દિવસે હસ્ત નક્ષત્ર અને સાધ્ય યોગનો સંયોગ બની રહ્યો છે. શ્રાવણ માસ અને ગણેશ ચતુર્થીની તિથિ હોવાથી ભગવાન ગણેશની ઉપાસના, પૂજા-અર્ચના, મંત્રજાપ અને આધ્યાત્મિક સાધના માટે આજનો દિવસ વિશેષ મહત્વનો માનવામાં આવે છે.
આજનો ઇતિહાસ
16 ઓગસ્ટ, 2018ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન અને જાણીતા કવિ-રાજનેતા અટલ બિહારી વાજપેયીનું નવી દિલ્હીમાં 93 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ ત્રણ વખત ભારતના વડાપ્રધાન રહ્યા હતા અને ભારતીય રાજકારણમાં તેમના યોગદાન માટે જાણીતા હતા.
સુંદર વિચાર સાથે કરો દિવસની સકારાત્મક શરૂઆત
"તમારી મહેનતનો અવાજ એટલો મોટો બનાવો કે તમારી સફળતા દુનિયાને સંભળાય."

