VIDEO: MORNING BULLETIN / દેશને મળ્યા નવા શિક્ષણમંત્રી, કોકરોચ જનતા પાર્ટીની માંગણી પૂર્ણ થતાં આંદોલન સમેટાયું
ઈરાન સામે કુવૈત અને બેહરીન મેદાને
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ વકર્યું છે. ઈરાનના સતત હુમલાઓના જવાબમાં બેહરીન અને કુવૈતે પ્રથમ વખત સીધા સૈન્ય હુમલા શરૂ કર્યા છે. 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ' મુજબ, બંને દેશોએ સાઉદી અરેબિયાના સમર્થનથી ઈરાનના મિસાઈલ સ્ટોરેજ અને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાને તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. NEET-UG પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ અને જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે તેમણે આ નિર્ણય લીધો છે.
કોકરોચ જનતા પાર્ટીનો આંદોલન સમાપ્ત
નીટ પેપર લીક મામલે જંતર મંતર પર 1 મહિનાથી આંદોલન કરી રહેલી કોકરોચ જનતા પાર્ટીએ 25 જુલાઈના રોજ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથેની બેઠક બાદ CJPના સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ જણાવ્યું હતુ કે સરકારે તેમની ત્રણેય માંગણીઓ સ્વીકારી લીધી છે.
ઓલણ નદીના પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ઓલણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. પૂરના પાણી ઓસર્યા બાદ ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પંચોલથી પલાસિયાને જોડતા માર્ગ પર આવેલો લો-લેવલ પુલ સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. આવામાં સ્થાનિક લોકોને અન્ય ગામો તરફ જવા માટે લાંબો ધક્કો ખાવો પડી રહ્યો છે.
વાહેદપુરામાં તળાવ ઓવરફ્લો થયું, મોટી દુર્ધટના ટળી
પાટણના વાહેદપુરામાં તળાવ ઓવરફ્લો થતા નિચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા. જેને લઈ 80 જેટલા લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરાયું હતુ. વહીવટી તંત્રની સમયસર કામગીરીથી ગામમાં મોટી જાનહાની ટળી હતી. રેસ્ક્યુ કરાયેલ લોકોને નવીન વાહેદપુરા પ્રાથમિક શાળામાં સુરક્ષિત આશ્રય અપાયો હતો.
વરસાદ બાદ યુદ્ધના ધોરણે સ્વચ્છતા અભિયાન શરૂ
અમદાવાદમાં વરસાદના વિરામ બાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના 8 હજારથી વધુ કર્મચારીઓ રોડ-રસ્તાઓ પરથી કાદવ-કિચડ દૂર કરવા, કેચપીટની સફાઈ અને ડોર-ટુ-ડોર કચરા ઉપાડની કામગીરીમાં જોડાયા છે, જ્યારે 1,500થી વધુ વાહનો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દવાનો છંટકાવ પણ શરૂ છે.
પાટીલે લીધી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત
નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત પરિવારો માટે ઘરવખરીના નુકસાન બદલ રૂ.6,800, પશુધનના નુકસાન માટે ગાય-ભેંસ દીઠ રૂ.37,500 અને બકરી દીઠ રૂ.22,000ની સહાયની જાહેરાત થઈ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્ત પરિવારોની સમસ્યાઓ સાંભળી અને અનાજની કિટોનું વિતરણ કર્યું હતુ. તેમણે નવસારી અને વલસાડ માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

