Evening bulletin: Gujaratના મહત્વના સમાચાર / અમદાવાદમાં ઇબોલા વાઇરસનું એલર્ટ, તથ્ય પટેલને મળ્યા જામીન
1. કચ્છના દરિયાકાંઠેથી ₹1000 કરોડનું કોકેઇન ઝડપાયું
ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને SOGએ કચ્છના દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક શંકાસ્પદ જહાજમાંથી ૧૧૫ કિલો કોકેઇન ઝડપી પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ૧૦૦૦ કરોડની કિંમત ધરાવતો આ ડ્રગ્સનો જથ્થો દિલ્હી મોકલવાનો હતો.
2. અમદાવાદમાં ઇબોલા વાઇરસને પગલે હેલ્થ વિભાગ એલર્ટ
આફ્રિકન દેશોમાં ઇબોલા વાઇરસના વધતા પ્રકોપને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. તકેદારીના ભાગરૂપે આફ્રિકાથી અમદાવાદ આવેલા ૧૧ જેટલા મુસાફરોને હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
3. વલસાડમાં ઘરકંકાસમાં માતાએ ૩ બાળકોની હત્યા કરી
વલસાડના ઉમરગામ તાલુકામાં પતિ-પત્નીના ઝઘડામાં એક માતાએ પોતાના જ ત્રણ માસૂમ બાળકોની હત્યા કરી પોતે ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા છે. મૃતક બાળકોમાં બે જોડિયા શિશુઓ પણ સામેલ છે. હાલ ભીલાડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
4. એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ ફ્લાઇટ્સમાં કર્યો કાપ
હવાઈ મુસાફરો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. દેશની બે મોટી એરલાઇન્સ એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ ૧ જૂન ૨૦૨૬થી આગામી ૯૦ દિવસ સુધી અમદાવાદ સહિતના ઘણા સ્થાનિક રૂટ્સ પર પોતાની ફ્લાઇટ્સ ઘટાડવાનો મોટો નિર્ણય કર્યો છે.
5. સુરતના રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટમાં લાગી આગ
સુરતના રીંગરોડ પર આવેલી અભિષેક ટેક્સટાઇલ માર્કેટના પહેલા માળે એક સાડીની દુકાનમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે તાત્કાલિક પહોંચીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી મોટી હોનારત ટાળી લીધી હતી.
6. તથ્ય પટેલને મળ્યા જામીન
અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે. જુલાઈ ૨૦૨૩માં ૯ લોકોના જીવ લેનાર અકસ્માત સર્જ્યા બાદ, આશરે પોણા ત્રણ વર્ષનો જેલવાસ ભોગવીને તથ્ય પટેલ હવે જેલમાંથી બહાર આવશે.

