WhatsAppનું મોટું અપડેટ: હવે સ્ટેટસમાં દેખાશે જાહેરાતો, ભારતમાં વેબ યુઝર્સ માટે નિયમો બદલાશે

વોટ્સએપ આપણી રોજબરોજની જિંદગીનો મહત્વનો હિસ્સો છે. પરંતુ હવે તેમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. મેટાની માલિકી ધરાવતી આ એપએ વિશ્વભરમાં 'સ્ટેટસ એડ્સ' (જાહેરાતો) અને 'પ્રમોટેડ ચેનલ્સ' લોન્ચ કરવાની જાહેરાત કરી છે. સાથે જ, ભારતમાં વોટ્સએપ વેબનો ઉપયોગ કરનારાઓ માટે પણ 1 માર્ચથી એક મોટો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. ચાલો સમજીએ કે આ નવા અપડેટ્સની તમારા પર શું અસર પડશે.
શું છે સ્ટેટસ એડ્સ?
હવે તમને એપમાં માત્ર મિત્રોના સ્ટેટસ જ નહીં પરંતુ કેટલીક જાહેરાતો પણ જોવા મળશે. આ જાહેરાતો તમને એપના 'અપડેટ્સ' ટેબમાં દેખાશે, જ્યાં તમે બીજાના સ્ટેટસ અને ચેનલ્સ જુઓ છો. આ જાહેરાતો પર સ્પષ્ટપણે માર્ક (ચિહ્ન) લગાવેલું હશે જેથી તમે જાણી શકો કે તે એક જાહેરાત છે. સામાન્ય સ્ટેટસની જેમ જ, તમે આ જાહેરાતોને પણ સ્વાઇપ કરીને સરળતાથી હટાવી શકશો. જો કોઈ બ્રાન્ડની જાહેરાત તમને વારંવાર પરેશાન કરતી હોય તો તમે તેને બ્લોક અથવા હાઈડ પણ કરી શકો છો. કંપનીનું કહેવું છે કે તેનો હેતુ યુઝર્સને નવી બ્રાન્ડ્સ અને કન્ટેન્ટ શોધવામાં મદદ કરવાનો છે.
શું આનાથી આપણી પ્રાઈવસી પર કોઈ અસર પડશે?
જ્યારે વાત જાહેરાતોની આવે છે ત્યારે સૌથી મોટો સવાલ પ્રાઈવસીનો હોય છે. વોટ્સએપે આ બાબતે યુઝર્સને પૂરી ખાતરી આપી છે. તમારી પર્સનલ ચેટ્સ, ઓડિયો/વીડિયો કોલ્સ અને તમારા પોતાના સ્ટેટસ પહેલાની જેમ જ 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ' રહેશે. એટલે કે વોટ્સએપ કે મેટા તેને વાંચી કે સાંભળી શકશે નહીં. તમને જાહેરાત બતાવવા માટે તમારા પર્સનલ મેસેજનો ઉપયોગ કરવામાં આવશે નહીં. કેટલાક દેશોમાં યુઝર્સને પૈસા આપીને 'એડ-ફ્રી' (જાહેરાત વગરનું) વર્ઝન વાપરવાનો વિકલ્પ પણ મળી શકે છે.
ગ્રુપ્સ માટે આવ્યું નવું 'ગ્રુપ ચેટ હિસ્ટ્રી' ફીચર
જાહેરાતો સિવાય વોટ્સએપે એક ખૂબ જ કામનું ફીચર ઉમેર્યું છે. ઘણીવાર જ્યારે આપણે કોઈ નવા ગ્રુપમાં જોડાઈએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે પહેલા શું વાત ચાલી રહી હતી. આ નવા ફીચરથી ગ્રુપ એડમિન અથવા સભ્યો નવા જોડાનાર વ્યક્તિ સાથે પાછલા 25 થી 100 મેસેજ શેર કરી શકે છે. આનાથી નવા મેમ્બરને વાતચીત સમજવામાં ઘણી સરળતા રહેશે.
ભારતમાં વોટ્સએપ વેબ યુઝર્સ માટે નવો નિયમ
જો તમે ઓફિસ કે લેપટોપ પર વોટ્સએપ વેબનો ઉપયોગ કરો છો તો ધ્યાન આપજો. ભારત સરકારના નવા સુરક્ષા નિયમો હેઠળ એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 માર્ચથી વોટ્સએપ વેબ યુઝર્સને દર 6 કલાક પછી ઓટોમેટિક લોગઆઉટ કરી દેવામાં આવશે. એટલે કે દર 6 કલાક પછી તમારે ફરીથી તમારા ફોનથી સ્કેન કરીને લોગ-ઈન કરવું પડશે. આ નિયમ સિમ-આધારિત એકાઉન્ટ વેરિફિકેશનની સુરક્ષાને મજબૂત કરવા માટે લાવવામાં આવ્યો છે. સરકારે કંપનીને 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં કોઈ વધારાની મહેતલ આપવામાં આવી નથી.

