કેન્દ્ર સરકારના આદેશથી Whatsapp તેની એપ્લિકેશનમાં ફેરફાર કર્યા શરૂ, હવે આ નવો નિયમ મુકાશે અમલમાં
દેશમાં અત્યાર સુધી સીમ

દેશમાં અત્યાર સુધી સીમકાર્ડ વિના પણ વોટ્સએપ ચલાવી શકાતું હતું. એટલે કે મોબાઈલમાં સીમકાર્ડના હોય તો પણ અને કમ્પ્યુટરમાં પણ વોટ્સએપ ચલાવી શકાતું હતું. પરંતુ સાયબર ફ્રોડ રોકવા માટે કેન્દ્ર સરકારે મોટાભાગના ઓટીટી એપ્સ માટે 'સીમ બાઈન્ડિંગ'નો નિયમ ફરજિયાત કરવાના પગલે વોટ્સએપ પ્લેટફોર્મે પણ તેની સુવિધાઓમાં આ સર્વિસનો સમાવેશ કર્યો છે, જેને પગલે હવે સીમ કાર્ડ વિના વોટ્સએપ ચલાવી નહીં શકાય. વધુમાં કમ્પ્યુટર પર વોટ્સએપ લિંક્ડ કરેલું હશે તો તે ૬ કલાકથી વધારે ચાલશે નહીં.
માર્ચ 2026થી નિયમ અમલમાં મુકાશે
દેશમાં સતત વધી રહેલા સાયબર ફ્રોડના કારણે કેન્દ્ર સરકારે હવે વોટ્સએપ, સિગ્નલ, ટેલિગ્રામ જેવી એપ્લિકેશન્સની કામ કરવાની પદ્ધતિ બદલી નાંખી છે. ટેલિકોમ વિભાગે નવેમ્બર ૨૦૨૫માં વોટ્સએપ સહિતની બધી જ એપ્લિકેશન્સે સીમ બાઈન્ડિંગનો નિયમ અમલમાં મૂકવા નિર્દેશ આપ્યા હતા. આ નિયમના અમલ માટે આ એપ્લિકેશન્સને ૯૦ દિવસનો સમય અપાયો હતો, જે ફેબ્રુઆરીઆરી ૨૦૨૬માં પૂરો થાય છે. એટલે કે માર્ચ ૨૦૨૬થી વોટ્સએપ, સિગ્નલ અને ટેલિગ્રામ જેવી બધી જ એપ્લિકેશન્સ માટે આ નિયમનો અમલ કરવો ફરજિયાત છે.
વોટ્સએપે આ નિયમના અમલ માટે તેની એપ્લિકેશન્સમાં જરૂરી ફેરફાર શરૂ કરી દીધા છે. આ નિયમ હેઠળ હવે યુઝર્સ સીમકાર્ડ વિના વોટ્સએપ સહિતની એપ્લિકેશન્સનો ઉપયોગ નહીં કરી શકે. આ કારણે વોટ્સએપ વેબ જેવી સેવાઓ કે જેના મારફત આ એપ્લિકેશન્સનો કમ્પ્યુટરમાં પણ ઉપયોગ કરી શકાય છે તેના વપરાશમાં યુઝર્સને થોડી મુશ્કેલીઓ ઊભી થશે.
કમ્પ્યુટરમાંથી વોટ્સઅપ 6 કલાકમાં ઓટોમેટિક લોગઆઉટ થશે
નવા નિયમના પગલે કમ્પ્યુટરમાંથી વોટ્સએપ વેબ પ્રત્યેક 6 કલાકમાં ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે. આ ઉપરાંત નવા નિયમના કારણે વારંવાર સ્માર્ટફોન બદલતા લોકો, માત્ર વાઈ-ફાઈથી ટેબલેટના ઉપયોગ અથવા અનેક ડિવાઈસ પર વોટ્સએપ જેવી મેસેજિંગ એપ ચલાવતા લોકોને મુશ્કેલી પડશે.
વોટ્સએપ સહિતની મેસેજિંગ એપ્લિકેશન્સે જે ડિવાઈસમાં સીમ કાર્ડ રજિસ્ટર કરાયું હોય તે સતત એક્ટિવ છે તેની ખરાઈ કરતા રહેવું પડશે. સીમ કાર્ડને જેવું ફોનમાંથી કાઢવામાં આવશે, બીજા ફોનમાં નાંખવામાં આવશે અથવા ડીએક્ટિવેટ કરાશે એટલે વોટ્સએપ જેવી મેસેજિંગ એપ્લિકેશન્સ તુરંત કામ કરતી બંધ થઈ જશે.
વોટ્સઅપ સહિત ઘણા એપ્લિકેશન્સ માટે પણ નિયમ કરાયો ફરજિયાત
વોટ્સએપે ટેલિકોમ વિભાગના આદેશ પર સીમ બાઈન્ડિંગ ફિચર પર કામ શરૂ કર્યું છે. હવે વોટ્સએપના બીટા વર્ઝન ૨.૨૬.૮.૬ પર તેની સાથે સંકળાયેલું એક પોપ-અપ જોવા મળ્યું છે. એવામાં માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આ ફીચર બધા જ ભારતીય યુઝર્સ માટે રજૂ કરાશે. વોટ્સએપની જેમ જ સિગ્નલ, ટેલિગ્રામ, અરાટ્ટાઈ, સ્નેપચેટ, શેરચેટ, જિયોચેટ, જોશ જેવી બધી જ એપ્લિકેશન્સ માટે આ નિયમનો અમલ ફરજિયાત કરાયો છે. દેશમાં વધી રહેલા સાયબર ગુના વચ્ચે લોકોની સુરક્ષા અને સાયબર ફ્રોડ ઘટાડવા માટે સરકારે આ કાર્યવાહી હાથ ધરી છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો ફોનમાં સીમ કાર્ડ નાંખ્યા વિના જ અન્ય નંબરના વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. એવામાં સરકાર માટે સાયબર ગુનેગારોને પકડવાનું કામ મુશ્કેલ થઈ ગયું હતું. આ સમસ્યાના ઉકેલ માટે સરકારે સીમ બાઈન્ડિંગ નિયમ અમલમાં મૂક્યો.








