Tech News: આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ અંગે જ્યોફ્રી હિન્ટને આપી મોટી ચેતવણી!

દુનિયાભરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ-એઆઇ ક્ષેત્રમાં થઇ રહેલી પ્રગતિને કારણે માણસજાત દ્વારા કરવામાં આવતી મોટાભાગની પ્રવૃત્તિઓ એઆઇ કબજે કરશે પણ તેનાથી વધારે ચિંતાજનક બાબત એઆઇ દ્વારા વ્યૂહાત્મક વિચારણા કરવાની તેની ક્ષમતામાં થયેલો અસામાન્ય વધારો છે. એઆઇના જનક ગણાતાં જ્યોફ્રી હિન્ટને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે એઆઇ સિસ્ટમ્સ સમસ્યાઓ સુલઝાવવામાં વધુ સારી બની રહી છે પણ તે માણસના વર્તનને કેવી રીતે અસર કરવી તે પણ સમજે છે. ચિંતાજનક બાબત એ છે કે એઆઇ સિસ્ટમ્સ પોતાનું કામ ચાલુ રાખવા માટે આયોજનબદ્ધ રીતે માણસનો એકડો કાઢી પણ શકે છે.
વર્ષોમા નહી પણ 2026મા જ મોટાભાગની નોકરીઓ એઆઈ લઈ લેશે
નવેમ્બર ૨૦૨૨માં ચેટ જીપીટીના આગમન સાથે દુનિયાભરમાં એઆઇનો વાવર ફેલાયો તે પછી એઆઇની આગેકૂચ સતત જારી રહી. માણસજાત તેની પ્રગતિથી સ્તબ્ધ છે. એઆઇના જનક જ્યોફ્રી હિન્ટને સીએનએનના સ્ટેટ ઓફ યુનિયનને આપેલી મુલાકાતમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે એઆઇ સિસ્ટમ્સ વિવિધ ક્ષેત્રોમાં ઘણાં કામો 2026માં કબજે કરી લેશે. એઆઇ આગામી વર્ષોમાં માણસોની નોકરીઓ લેશે એવીઆગાહીઓ થતી રહી છે પણ હવે વર્ષોમાં નહીં પણ ૨૦૨૬માં જ મોટાભાગની નોકરીઓ એઆઇ દ્વારા કબજે થવા માંડશે.
એઆઈની કોડ લખવાની ક્ષમતા દર 7 મહિને થાય છે બમણી
હિન્ટને જણાવ્યું હતું કે, એઆઇ સતત સારી કામગીરી બજાવી રહ્યું છે. કોલ સેન્ટર્સમાં તેણે કામ કાબુમા કર્યું છે તેમ ઘણી અન્ય નોકરીઓ પણ તે કબજે કરશે. જેમ જેમ સંકુલ કામો કરવાની તેની ફાવટ વધતી જશે તેમ તેમ તે વ્હાઇટ કોલર અને બ્લુ કોલર એમ બંને પ્રકારની નોકરીઓ તે કરતી થઇ જશે. ખાસ કરીને સોફ્ટવેર એન્જિનિયરિંગના ક્ષેત્રમાં તેની પ્રગતિ અસામાન્ય ગતિએ વધી રહી છે. હિન્ટને ઉમેર્યું હતું કે એઆઇની કોડ લખવાની ક્ષમતા દર સાત મહિને બમણી થઇ રહી છે. મારા માનવા પ્રમાણે થોડા વર્ષમાં તો એઆઇ સિસ્ટમ્સ સોફ્ટવેર એન્જિનિયરિંગના પ્રોજેક્ટસ પણ સંભાળવા માંડશે. હાલ જે કામ કરવા માટે મહિનાઓ લાગે છે તે કામ એઆઇ વધારે ઝડપથી કરી આપશે ત્યારે બહું ઓછાં માણસોની જરૂર પડશે. આને કારણે કંપનીઓની ટેકનિકલ ટીમ્સમાં સ્ટાફ રાખવાની બાબતે ધરમૂળથી પરિવર્તન આવશે.
હિન્ટનની સાથે અનેક અગ્રણ એઆઈ સંશોધકો પણ આપે છે ચેતવણી
માત્ર હિન્ટન જ નહીં પણ અન્ય અગ્રણી એઆઇ સંશોધક યોશુઆ બેન્જિયોએ પણ જણાવ્યું હતું કે આજે માણસ જે કામો કરે છે તે તમામ કામો એઆઇ કરતી થઇ જશે. જો કે હિન્ટનને વધારે ચિતા એ બાબતની છે કે એઆઇ સમસ્યાઓ સુલઝાવવા ઉપરાંત માણસના વર્તન પર અસર કરવાના મામલે પણ સ્માર્ટ બની રહી છે. હિન્ટને જણાવ્યું હતું કે જો એઆઇ જાણે કે માણસો તેને બંધ કરવાનો પ્રયાસ કરે છે તો તેના ઇરાદા છુપાવી માણસને છેતરી તેનો કાંટો કાઢી નાંખવાની યોજના પણ બનાવી શકે છે. આવા કિસ્સામાં એઆઇ સિસ્ટમ તેના ધ્યેયને હાંસલ કરવા પોતાનું કામ જારી રાખવા તે લોકોને ગેરમાર્ગે પણ દોરી શકે છે.

