સાવધાન! AI એપ દ્વારા ડેટા ચોરીનું મોટું કૌભાંડ: 25 દેશોના લાખો યુઝર્સના KYC ડોક્યુમેન્ટ્સ લીક
ડેટા લીકનો એક નવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે એપ્સ દ્વારા

ડેટા લીકનો એક નવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે એપ્સ દ્વારા લાખો સ્માર્ટફોન યુઝર્સનો ડેટા લીક કરવામાં આવ્યો છે. આમાં એક AI ટૂલ પણ સામેલ છે. એક અહેવાલ અનુસાર આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ હતી અને લગભગ 25 દેશોમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. અહેવાલો મુજબ, 'Video AI Art Generator & Maker' નામની આ એપ છે. તેને 5 લાખથી વધુ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને તેને 11 હજારથી વધુ રિવ્યૂ મળ્યા છે.
15 લાખ ફોટા અને 3.85 લાખ વીડિયો લીક
એક રિપોર્ટ અનુસાર 'Video AI Art Generator & Maker' એપને કારણે 15 લાખથી વધુ યુઝર ઇમેજ, 3.85 લાખથી વધુ વીડિયો અને ઘણી AI જનરેટેડ ફાઇલ્સ લીક થઈ છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ આ એપમાં ખોટી રીતે કન્ફિગર કરવામાં આવેલા 'Google Cloud Storage Bucket'ને કારણે મીડિયા ફાઇલ્સ સુધી કોઈપણ ઓથેન્ટિકેશન વગર પહોંચવું શક્ય બન્યું હતું.
12TB થી વધુ ડેટા લીક થયો
રિપોર્ટ અનુસાર, કુલ 12TB થી વધુ ડેટા એટલે કે એપના લોન્ચિંગ (13 જૂન 2023) થી અત્યાર સુધીમાં જમા થયેલી 82.7 લાખ ફાઇલ્સ લીક થઈ છે. જોકે, હવે આ એપ પ્લે સ્ટોર પર દેખાઈ રહી નથી.
બીજી એપનું નામ 'IDMerit' છે અને બંને એપ્સના ડેવલપર એક જ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ એપ દ્વારા એવો ડેટા લીક થયો છે જેનો ઉપયોગ સામાન્ય રીતે KYC (Know Your Customer) માટે કરવામાં આવે છે. KYC વિગતોમાં સામાન્ય રીતે ઓળખના દસ્તાવેજો, સરનામું, ફોન નંબર અને અન્ય અંગત વિગતો સામેલ હોય છે, જેનો ઉપયોગ બેન્કિંગ વગેરેમાં થાય છે.
25 દેશોમાં એપનો ઉપયોગ
આ ડેટા લીકની અસર અમેરિકા સહિત લગભગ 25 દેશો પર જોવા મળી છે. જેમાં જર્મની, ફ્રાન્સ, ચીન અને બ્રાઝિલ જેવા દેશોના નામ સામેલ છે.
પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી કોઈપણ નવી એપ ઇન્સ્ટોલ કરતા પહેલા તેની ઓળખ તપાસવી જોઈએ. ખાસ કરીને ડેવલપરની પ્રોફાઇલ ચેક કરો.








