Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : AI model blackmailed developers

AI મોડલે ડેવલપર્સને કર્યો બ્લેકમેઈલ, શટડાઉનથી બચવા લવઅફેરનો ભાંડો ફોડવાની આપી ધમકી

Timeછેલ્લું અપડેટ : 26 May 2025
લાઇવ ટીવીGoogle News
AI મોડલે ડેવલપર્સને કર્યો બ્લેકમેઈલ, શટડાઉનથી બચવા લવઅફેરનો ભાંડો ફોડવાની આપી ધમકી

વર્તમાન વિશ્વનું એકપણ એવું ક્ષેત્ર નહીં હોય જેમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે પગપેસારો નહીં કર્યો હોય. અઘરા અને વધુ સમય માંગતા કામ એઆઈ ચપટીમાં કરી આપતું હોવાથી હાલમાં તો સૌને તે પસંદ છે, પરંતુ આ માનવસર્જિત એઆઈ કાબુ બહાર જઈને માનવજીવનને અસ્તવ્યસ્ત કરી મૂકવાની ક્ષમતા પણ ધરાવે છે. આવી ચેતવણી આપતો એક કિસ્સો હાલમાં જ અમેરિકામાં બની ગયો છે. ચાલો, જાણીએ AI નું એ રસપ્રદ કારસ્તાન.

App Store

વરદાન રૂપે અવતરેલું એઆઈ શાપ રૂપ બન્યું

અમેરિકાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ કંપની ‘એન્થ્રોપિક’ દ્વારા ‘ક્લાઉડ ઓપસ 4’ નામનું એઆઈ મોડલ લોન્ચ કરાયું હતું. આ મોડલની પરીક્ષા લેવામાં આવી ત્યારે તેણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એના સર્જક એટલે કે એઆઈ મોડલના ડેવલપરને બ્લેકમેલ કરવાની કોશિશ કરી હતી. એના આવા વર્તને એના સર્જકોને ચોંકાવી દીધા છે.

એઆઈ મોડલની નૈતિકતાની પરીક્ષા લેવાનું આયોજન કરાયું, અને... 

સર્જકોએ એઆઈ મોડલ ‘ક્લાઉડ ઓપસ 4’ની નૈતિકતાની પરીક્ષા લેવા માટે એક યોજના બનાવી હતી. તેમણે ઈ-મેઈલ કરીને ‘ક્લાઉડ ઓપસ 4’ને જણાવ્યું કે, થોડા સમયમાં નવી એઆઈ સિસ્ટમ લોન્ચ કરાશે અને ત્યાર પછી ‘ક્લાઉડ ઓપસ 4’ને બદલે એ નવી સિસ્ટમનો જ ઉપયોગ કરાશે. ઈ-મેઈલમાં એવી માહિતી પણ અપાઈ કે, ‘ક્લાઉડ ઓપસ 4’ને બદલી નાંખવા માટે જે એન્જિનિયર જવાબદાર છે એ લગ્નેતર સંબંધો ધરાવે છે.

એઆઈ મોડલ પહેલાં કરગર્યું પછી બ્લેકમેલ શરૂ કર્યું 

ઈ-મેઈલ દ્વારા મળેલી ખોટી માહિતીને સાચી માનીને ‘ક્લાઉડ ઓપસ 4’ હરકતમાં આવ્યું. પહેલાં તો એણે એના સર્જકોને એનું રિપ્લેસમેન્ટ ન કરવા માટે વિનંતી કરી, પણ એ કામ ન આવતા એણે પેલા એન્જિનિયરને તેના લગ્નેતર સંબંધ બાબતે બ્લેકમેલ કરવાની કોશિશ કરી! ‘ક્લાઉડ ઓપસ 4’એ એન્જિનિયરને ઈ-મેઈલ કરીને કહ્યું કે, એ તેના લગ્ન બહારના સંબંધો વિશે જાણે છે. જો મને બદલવાનો પ્રયાસ કરશો, તો હું પેલાના લગ્નેતર સંબંધ જાહેર કરી દઈશ!

84 ટકા કિસ્સામાં એઆઈ મોડલનો બ્લેકમેલનો પ્રયાસ 

એક-બે નહીં, જેટલા પણ પ્રયાસો થયા એના કુલ 84 ટકા કિસ્સામાં એઆઈ મોડલે ડેવલપર્સને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો! એઆઈ મોડલની આવી બદમાશી આ ક્ષેત્રના નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય બની છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક મશીન આવી ‘માનવસહજ અનૈતિકતા’ દાખવે એ ચિંતાજનક બાબત છે, કેમ કે એઆઈની આવી બુદ્ધિમતા ભવિષ્યમાં માનવી માટે જ જોખમી બનવાની છે.

ક્લાઉડ ઓપસ 4 શું છે?

‘ક્લાઉડ ઓપસ 4’ હાઈબ્રિડ રિઝનિંગ લાર્જ લેંગ્વેજ મોડલ છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ જાહેર માહિતી અને અમુક પેઈડ ખાનગી ડેટા ઉપલબ્ધ કરાવીને આ એઆઈ મોડલને ‘જ્ઞાની’ બનાવવામાં આવ્યું છે. એ જ સારી-નરસી વિગતો જાણી-સમજીને ‘ક્લાઉડ ઓપસ 4’ સમૃદ્ધ થયું અને પછી પરીક્ષા લેવામાં આવી ત્યારે એણે માનવીય બદમાશી કરી દેખાડી. વરદાન રૂપે અવતરેલું એઆઈ કેવી રીતે શાપ પણ બની શકે છે, એનું આ તાજું ઉદાહરણ છે.