GSTV
Home » News » સમુદ્રની વધી રહેલી જળસપાટીના કારણે ભારતના દરિયાકાંઠાના અનેક પ્રદેશો જળમગ્ન થવાની વકી

સમુદ્રની વધી રહેલી જળસપાટીના કારણે ભારતના દરિયાકાંઠાના અનેક પ્રદેશો જળમગ્ન થવાની વકી

News Focus : ગુજરાત સમાચાર

ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રની સપાટી વધી રહી છે એ તો જાણીતી વાત છે પરંતુ વૈજ્ઞાાનિકોએ જે અંદાજ માંડયો હતો એથીયે વધારે ઝડપે દુનિયાભરના સમુદ્રોની સપાટી વધી રહી છે. એવી ધારણા હતી કે આ સદીના મધ્યભાગ સુધીમાં સમુદ્રના વધતા જળસ્તરના કારણે ભારતને પણ અસર થશે અને ભારતના દરિયા કિનારાના કેટલાંક પ્રદેશો જળગરકાવ થઇ જશે. જોકે એવી ધરપત પણ હતી કે સમુદ્રોની વધી રહેલી જળસપાટીની અસર ભારતને એટલી નહીં થાય જેટલી બીજા કેટલાંક દેશોને થશે. પરંતુ આ ધારણા ખોટી પડી છે. નાસાના નવા રિપોર્ટ પ્રમાણે સમુદ્રોની વધી રહેલી સપાટીના પરિણામે ભારતના પણ નીચાણમાં રહેલાં અનેક પ્રદેશો પાણીમાં ડૂબી જવાનું જોખમ ઊભું થયું છે. અગાઉ એવી ધારણા હતી કે સમુદ્રોની વધી રહેલી સપાટીના કારણે ભારતના દરિયાકાંઠે વસતા આશરે ૫૦ લાખ લોકો વિસ્થાપિત થશે. તો બાંગ્લાદેશ અને માલદીવ જેવા પાડોશી દેશોમાં આ જોખમ વધારે હોવાનું અનુમાન હતું અને એના કારણે ત્યાંથી મોટી સંખ્યામાં શરણાર્થીઓ ભારતમાં આવી શકે છે.

પરંતુ નવા અનુમાન પ્રમાણે ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રોની વધી રહેલી જળસપાટીનું ભારત ઉપર પણ મોટું જોખમ રહેલું છે. અમેરિકી અવકાશ સંસ્થા નાસાના શટલ રડાર ટોપોગ્રાફી મિશન દ્વારા થયેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે વર્ષ ૨૦૫૦ સુધી દરિયાની સપાટી એટલી વધી શકે છે કે ભારતના મુંબઇ, નવી મુંબઇ અને કોલકાતા જેવા મહાનગરો કાયમ માટે જળમગ્ન થઇ શકે છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળ જ નહીં પરંતુ ગુજરાતના પણ કેટલાંક દરિયાકાંઠાના પ્રદેશો દરિયાની વધી રહેલી જળસપાટીનો ભોગ બની શકે છે. એવી આશંકા વ્યક્ત થઇ રહી છે કે જો આમ બન્યું તો એકલા ભારતના જ સાડા ત્રણ કરોડ લોકો વિસ્થાપિત થઇ શકે છે.

નવા અભ્યાસમાં ધ્યાનમાં આવ્યું છે કે અગાઉ જે અનુમાન કરવામાં આવ્યાં હતાં એના કરતા વધું ઝડપે સમુદ્રોનું જળસ્તર વધી રહ્યું છે. નવા અનુમાન પ્રમાણે સમુદ્રોની વધી રહેલી સપાટીના કારણે દુનિયાભરમાં ઓછામાં ઓછા ૩૦ કરોડ લોકો અસરગ્રસ્ત બની શકે છે. એકલા બાંગ્લાદેશમાં નવ કરોડ લોકો આનો ભોગ બનવાનો અંદાજ છે. સમુદ્રોની સપાટી કેટલી હદે વધી રહી છે એનો અંદાજ મેળવવો હોય તો વીસમી સદીમાં જળસ્તરમાં ૧૧થી ૧૬ સેન્ટીમીટરનો વધારો થયો હતો જ્યારે ચાલુ સદીમાં આ આંકડો ૫૦ સેન્ટીમીટરે પહોંચી શકે છે. વૈજ્ઞાાનિકોને એવો ડર સતાવી રહ્યો છે કે કાર્બન ઉત્સર્જનનો હાલના દરે વધારો ચાલુ રહ્યો તો આ સદીના અંત સુધીમાં જળસ્તર બે મીટર જેટલું વધી શકે છે.

ધરતીના વધી રહેલા તાપમાનના કારણે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધૂ્રવ પર પથરાયેલો બરફ પીગળી રહ્યો છે. યૂ.એન.ના એક રિપોર્ટ અનુસાર છેલ્લા એક દાયકામાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં પથરાયેલી બરફની ચાદરમાં દર વર્ષે ૪૦૦ અબજ ટનનો ઘટાડો થયો છે. આટલી મોટી માત્રામાં બરફ પીગળવાના કારણે મહાસાગરોની સપાટી દર વર્ષે આશરે ૧.૨ મિલીમીટર વધી છે. આ સમયગાળા દરમિયાન પહાડોમાં રહેલા ગ્લેશિયર પણ વધી રહેલા તાપમાનના કારણે પીગળ્યાં છે અને ગ્લેશિયરોનો પણ વાર્ષિક સરેરાશ ૨૮૦ અબજ ટન બરફ પીગળ્યો છે જેના કારણે સમુદ્રોની સપાટીમાં ૦.૭૭ મિલીમીટરનો વધારો થયો છે.

જાણકારોના મતે છેલ્લી એક સદીમાં દુનિયાભરના સમુદ્રોની સપાટીના કુલ વધારામાં ૩૫ ટકા જેટલો વધારો ગ્લેશિયરોના પીગળવાના કારણે થયો છે. જોકે હવે ગ્લેશિયરોના પીગળવાના કારણે સમુદ્રોની સપાટીમાં થતો વધારો ઓછો થતો જશે કારણ કે દુનિયાભરના ગ્લેશિયરોમાં વધારે બરફ વધ્યો જ નથી. એની સરખામણીમાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્ક્ટિકામાં રહેલો બરફ પીગળતા સમુદ્રોની સપાટી અનેક ફૂટ વધી શકે છે. તો છેલ્લા પચાસ વર્ષમાં આર્કટિક સમુદ્રના બરફનું પડ પણ સાવ પાતળું થઇ ગયું છે એ છેલ્લા ત્રણ દાયકામાં તેના કદમાં લગભગ ૧૦ ટકાનો ઘટાડો થયો છે. વૈજ્ઞાનિકોના મતે તાપમાનમાં આવો અનિયંત્રિત વધારો થતો રહ્યો તો વર્ષ ૨૦૪૦ સુધીમાં આર્કટિકનો બરફ ઉનાળા પૂરતો અદૃશ્ય થઇ જશે.

દુનિયાના સૌથી મોટો ટાપુ ગણાતા ગ્રીનલેન્ડમાં હજારો વર્ષોથી સેંકડો કિલોમીટર સુધી બરફની મોટી ચાદર પથરાયેલી છે. પરંતુ હવે ક્લાયમેટ ચેન્જના કારણે એના પર મોટું જોખમ તોળાઇ રહ્યું છે. ગ્રીનલેન્ડમાં આ વર્ષે રેકોર્ડ ગરમી પડી જેના કારણે બહુ મોટી માત્રામાં બરફ પીગળ્યો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો આવું જ રહ્યું તો આ સદી પૂરી થતા સુધીમાં માત્ર ગ્રીનલેન્ડમાં પીગળતા બરફના કારણે જ સમુદ્રોની સપાટી ત્રણથી ચાર ફૂટ જેટલી વધી જશે. સમુદ્રોની સપાટીમાં થનારો આટલો મોટો વધારો દુનિયાના અનેક ભાગોને ડૂબાડી શકે છે.

હાલ જે ઝડપે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે એ જોતાં એશિયાના ઊંચા પર્વતોમાં રહેલા ગ્લેશિયરોનો ત્રીજા ભાગનો બરફ પીગળી જાય એમ છે. એ પણ જો આપણે ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન ઘટાડીને દુનિયાના તાપમાનનો વધારો ૧.૫ ડિગ્રી સુધી સીમિત કરી શકીએ તો. નહીંતર તો ગ્લેશિયરોના પીગળવાની ઝડપ ઓર વધી જશે. આવનારા દાયકાઓમાં જો ધરતીનું કામકાજ આ રીતે જ ચાલતું રહ્યું અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પેટ્રોલિયમ અને કોલસા જેવા પરંપરાગત બળતણથી જ ચાલતી રહી તો ગ્લેશિયરોનો બે તૃતીયાંશ ભાગ ખતમ થઇ જશે. ગ્લેશિયરો ખતમ થતા પીવાના પાણીની ભયંકર તંગી સર્જાશે જેની અસર કરોડો લોકો પર થશે. આમ પણ મધ્ય અને પશ્ચિમી હિમાલયના ક્ષેત્રોમાં તો છેલ્લા થોડા વર્ષોથી સિંચાઇના પાણીની તંગી વર્તાઇ રહી છે.

પીગળી રહેલા ગ્લેશિયરોની સમસ્યા એશિયા પૂરતી જ સીમિત નથી, યુરોપમાં તો એ ઓર વકરી રહી છે. રિપોર્ટ અનુસાર ઉત્તર એશિયા, મધ્ય યુરોપ અને સ્કેન્ડિનેવિયન દેશોમાં રહેલા ૮૦ ટકા ગ્લેશિયર વર્ષ ૨૧૦૦ સુધીમાં પીગળી જશે. સ્વિત્ઝર્લેન્ડ વિશેના એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જન પર કાબુ ન મેળવવામાં આવ્યો તો આલ્પ્સ પર્વતોમાં રહેલા ૯૦ ટકા ગ્લેશિયર આ સદીના અંત સુધીમાં પીગળી જશે. સામાન્ય લોકોના મનમાં ગ્લેશિયર અંગે ખાસ જ્ઞાાન નથી પરંતુ એટલું સમજવું પૂરતું છે કે પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે ગ્લેશિયર ધરતી માટે અનિવાર્ય છે.

સામાન્ય રીતે એવું બને છે કે ઉનાળામાં ગ્લેશિયરો થોડા પીગળે છે અને શિયાળામાં ફરી પાછા વિસ્તરે છે. પરંતુ પૃથ્વીના વધી રહેલા તાપમાનના કારણે ગ્લેશિયરો પીગળી તો રહ્યાં છે પરંતુ શિયાળામાં તેમના ફરી પાછા વધવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. આ જ સ્થિતિ દક્ષિણ અમેરિકાની એન્ડિઝ પર્વતમાળા અને આફ્રિકાની પણ છે. આફ્રિકાના વિખ્યાત કિલિમાન્જારો પહાડોનો બરફ વર્ષ ૧૯૧૨ બાદ ૮૦ ટકાથી વધારે પીગળી ગયો છે. ટૂંકમાં ચીનથી લઇને ચીલી સુધી અને ઇન્ડોનેશિયાથી લઇને સ્વિત્ઝર્લેન્ડ સુધી બરફના વિશાળ મેદાનો, ગ્લેશિયરો અને સમુદ્રી બરફ લુપ્ત થઇ રહ્યા છે જેનું પરિણામ અત્યંત ભયંકર હોઇ શકે છે.

સીધી ગણતરી માંડીએ તો ધરતીના તાપમાનમાં થઇ રહેલા ભયજનક વધારાને રોકવા માટે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું જે પ્રમાણ હોવું જોઇએ તેનો બે તૃતીયાંશ હિસ્સો આપણે અત્યાર સુધીમાં વાતાવરણમાં ભેળવી ચૂક્યાં છીએ. જો ક્લાયમેટ ચેન્જ પર અંકુશ રાખવો હોય તો ૨૦૨૦ સુધીમાં ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન ચરમસીમાએ હોવું જોઇએ પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા એ પછી પણ આવા ગેસોનું પ્રમાણ વધ્યાં જ કરે એવી પૂરી સંભાવના છે. ૨૦૫૦ સુધીમાં દુનિયાભરમાં વીજળીના ઉત્પાદન માટે સૌર, પવન અને પરમાણુ ઉર્જા જેવા વૈકલ્પિક ઉર્જાસ્ત્રોતો પર નિર્ભર થવાનું લક્ષ્યાંક છે જે હાલના સંજોગો જોતા શક્ય નથી લાગતું.

થોડા વખત પહેલા અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ જારી કરેલી તસવીરોમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે માલદીવ, માર્શલ આઇલેન્ડ, તવાલુ અને નાઉરુ જેવા કેટલાય દેશો સમુદ્રમાં ડૂબી જવાની સંભાવના છે. ગ્લોબલ વૉર્મિંગના કારણે ઉત્તર અને દક્ષિણ ધૂ્રવ પર રહેલો બરફ પીગળી રહ્યો છે જેના કારણે વનસ્પતિ અને જીવજંતુઓની સેંકડો પ્રજાતિઓનું અસ્તિત્ત્વ જોખમમાં છે. અનેક દેશોએ સૂચન કર્યું હતું કે પેટ્રોલિયમ અને કોલસા જેવા પરંપરાગત બળતણોના ઉત્પાદન અને વપરાશનો ક્વોટા નક્કી કરવો જોઇએ કારણ એ આવા બળતણના કારણે જ પૃથ્વીનું તાપમાન વધારતા કાર્બન ડાયોકસાઇડ જેવા વાયુઓનું ઉત્સર્જન થાય છે. ૧૯૭૫ બાદ પૃથ્વીના તાપમાનમાં જે ચિંતાજનક વધારો થયો છે તેની પાછળ ગ્રીનહાઉસ ગેસો જ જવાબદાર હોવાનું દુનિયાના તમામ દેશોએ સ્વીકાર્યું છે.

પીગળતા ગ્લેશિયરોના કારણે દરિયાની સપાટી તો વધે જ છે, સાથે સાથે દરિયાકાંઠાનું ક્ષરણ પણ થાય છે. સમુદ્રોના વધી રહેલા તાપમાનના કારણે સમુદ્રી વાવાઝોડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પીગળતા ગ્લેશિયરોના કારણે મહાસાગરોના પ્રવાહો બદલાય છે જેના કારણે દુનિયાભરનું ઋતુચક્ર પણ બદલાઇ રહ્યું છે. પરિસ્થિતિ ગંભીર બની રહી છે. જો ગ્રીન હાઉસ ગેસોનો ઉપયોગ આજે બંધ કરી દેવામાં આવે તો પણ પરિસ્થિતિ સામાન્ય થતાં બસ્સો વર્ષ લાગી જાય એમ છે. ધરતી બચાવવાનો સમય આવી ગયો છે અને હવે એમાં વિલંબ થયો તો આપણું અસ્તિત્ત્વ નાબૂદ થવામાં વધારે સમય નહીં લાગે.

READ ALSO


Related posts

કેરલ: રાજ્યપાલ આરિફ મોહમ્મદને હટાવવાનો પ્રસ્તાવ, સ્પીકરે નોટિસ માન્ય રાખી

Pravin Makwana

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્, આ જિલ્લાઓમાં અચાનક વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતિત

Bansari

ફક્ત 25 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!