GSTV

પેટ્રોલિયમનો ભાવવધારો દેશની અર્થવ્યવસ્થાને દઝાડશે

પેટ્રોલ

ન્યૂઝ ફોક્સ : ગુજરાત સમાચાર

સાઉદી અરેબિયાની ઓઇલ કંપની પર થયેલા ડ્રોન હુમલાની અસર ભારત સહિત દુનિયાભરના દેશો પર પડવાની શરૂઆત થઇ ગઇ છે. અરામકો દ્વારા સંચાલિત દુનિયાની સૌથી મોટી ઓઇલ ફેસિલિટી પર થયેલા હુમલા બાદ તેના ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટીને અડધું થઇ ગયું છે જેના કારણે દુનિયાને પૂરતી માત્રામાં પેટ્રોલિયમની નિકાસ થઇ શકે એ સામે સવાલ ખડા થઇ ગયા છે. હુમલાના કારણે પેટ્રોલિયમના ભાવમાં છેલ્લા ત્રણ દાયકાનો સૌથી મોટો ઉછાળો નોંધાયો. ભારત પોતાની કુલ પેટ્રોલિયમ જરૂરિયાતનો ૮૩ ટકા હિસ્સો આયાત કરે છે એટલા માટે પેટ્રોલિયમમાં થતો ભાવવધારાની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા પર પડે એ નક્કી છે.

અરામકો પર થયેલા હુમલા બાદ પેટ્રોલિયમના ભાવ એક ઝાટકે ૨૦ ટકા જેટલા વધી ગયા. છેલ્લા ત્રણ દાયકા દરમિયાન માત્ર એક દિવસમાં નોંધાયેલો આ સૌથી મોટો ભાવવધારો છે. માત્ર એક બનાવના કારણે ૫૭ લાખ બેરલ પ્રતિ દિન ઉત્પાદન ઘટી જવું એ અભૂતપૂર્વ ઘટના છે. આ કપાત વિશ્વની કુલ પેટ્રોલિયમ જરૂરિયાતના પાંચ ટકા જેટલી છે. ક્રૂડ ઓઇલમાં પ્રતિ બેરલ આ ભાવવધારો ૧૯૯૦ બાદ સૌથી વધારે છે. ઇરાકે જ્યારે કુવૈત પર હુમલો કર્યો ત્યારે પેટ્રોલિયમની કિંમતમાં આટલો ઉછાળો નોંધાયો હતો. અરામકો પર હુમલા બાદ સાઉદી અરેબિયાનું અડધાથી વધારે પેટ્રોલિયમ ઉત્પાદન ઠપ થઇ ગયું છે અને એની અસર દુનિયાભરના બજારો પર પડી રહી છે.

દુનિયાના સૌથી મોટું ઓઇલ ઉત્પાદક એવું સાઉદી અરેબિયા હવે ક્યારે પોતાના અસલ ઉત્પાદને પહોંચશે એ વાતને લઇને અસ્પષ્ટતા અને આશંકાનો માહોલ છે. હુમલા પહેલા સાઉદી અરેબિયા ૯.૮ મિલિયન બેરલ પ્રતિ દિન ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતું હતું. ગભરાટના કારણે દુનિયાભરના શેરબજારો ગગડી રહ્યાં છે. ભારતીય શેરબજારોમાં પણ મોટો કડાકો બોલ્યો છે.

ભારત પેટ્રોલિયમનું વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું આયાતકાર છે. ભારત પોતાની પેટ્રોલિયમની ખપતના ૮૦ ટકા મધ્યપૂર્વના દેશોમાંથી આયાત કરે છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમની કીંમત વધે તો તેની સીધી અસર ભારતને થાય છે. ભારતની મુશ્કેલ એ છે કે મધ્યપૂર્વના દેશો દેશની ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે અત્યંત મહત્ત્વના છે. એટલા માટે એ ક્ષેત્રમાં શાંતિપૂર્વક ઉકેલ શોધાય એ ભારતના હિતમાં છે.

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આશ્વાસન આપ્યું છે કે ભારતની તેલની આયાતમાં કોઇ અવરોધ નહીં આવે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જોકે આર્થિક વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે જો લાંબા સમય સુધી પેટ્રોલિયમના ભાવ ઊંચા રહ્યાં તો ભારતના આર્થિક વિકાસ દરને નુકસાન પહોંચશે. ઇરાક બાદ સાઉદી અરેબિયા ભારતને સૌથી વધારે પેટ્રોલિયમ પૂરું પાડે છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન સાઉદી અરેબિયાએ ભારતને ૪.૦૩૩ કરોડ ટન ક્રૂડ ઓઇલ વેચ્યું છે. પેટ્રોલિયમમાં દસ ડોલરનો ભાવ વધારો થતા ભારતના વાર્ષિક આયાત બિલમાં ૧૫ અબજ ડોલરનો વધારો થશે.

પહેલેથી જ આર્થિક મંદીનો સામનો કરી રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને પેટ્રોલિયમનો ભાવવધારો મોટો ઝાટકો આપી શકે છે. અમેરિકા દ્વારા ઇરાન પાસેથી પેટ્રોલિયમની ખરીદી પર પ્રતિબંધ મૂકાયા બાદ ભારત પહેલેથી પરેશાન છે અને તેને મોંઘું ઓઇલ ખરીદવું પડી રહ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર માત્ર પાંચ ટકા નોંધાયો છે જે છેલ્લા સાડા છ વર્ષના સૌથી નીચલા સ્તરે છે. એવામાં મોંઘા પેટ્રોલિયમની આયાત કરવાથી સરકારી તિજોરી પર મોટો બોજ પડી શકે છે. ડોલરની માંગ વધતા રૂપિયામાં નબળાઇ આવે છે. જે સરવાળે સબસીડી બિલ અને મોંઘવારીને વધારે છે. આ બધાં કારણોને લઇને સામાજિક ક્ષેત્રની યોજનાઓ પર ખર્ચ કરવા કે અર્થવ્યવસ્થાને તેજી લાવવાના પ્રયાસોને ફટકો પડે છે.

પેટ્રોલ-ડીઝલ માત્ર લોકોના વાહનવ્યવહારમાં જ નથી વપરાતાં, દેશનો બહુધા વ્યાપાર પણ પેટ્રોલિયમ બળતણ પર આધારિત છે. રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓનું પરિવહન કરવામાં પણ પેટ્રોલિયમ પેદાશો જ કામ લાગે છે. એટલે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને કારણે શરૂ થતું દુષ્ચક્ર સરવાળે તમામ ચીજવસ્તુઓના ભાવવધારા માટે કારણભૂત બને છે. ખેતીવાડીમાં તો ડગલે ને પગલે ડીઝલની જરૂર પડે છે એવામાં ડીઝલમાં થતા ભાવવધારાના કારણે ખેડૂતોનો ઉત્પાદનખર્ચ વધે છે. આ વધેલા ખર્ચની સરખામણી મુજબનો બજારભાવ ન મળે તો ખેડૂતોને ભારે નુકસાન જાય છે અને તેમના દેવામાં પણ વધારો થાય છે.

ડીઝલના વધેલા ભાવોની સીધી અસર દેશના ખેડૂતો ઉપર થાય છે. ખેતીવાડીમાં તો ડીઝલની બચત કરવાનો સવાલ જ પેદા થતો નથી. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવોની સીધી અસર માલસામાનના પરિવહન ઉપર પડી રહી છે. જેના કારણે ખેતપેદાશો તેમજ અન્ય ઉત્પાદનો ઉપરનો ખર્ચ વધી રહ્યો છે. અમદાવાદ, મુંબઇ, દિલ્હી કે કોલકાતા જેવા મોટા શહેરોમાં નોકરી કરતા કે સામાન્ય વ્યવસાય કરતા લોકોની પરિસ્થિતિનો વિચાર કરીએ તો એ લોકોને રોજિંદી અવરજવરમાં જ મોટો ખર્ચો થઇ જાય છે. મહિનાના અંતે જોતા ખ્યાલ આવે કે પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવનો તેમની બચત ઉપર સીધો પ્રહાર થાય છે.

અધૂરામાં પૂરું અમેરિકા અરામકો પરના હુમલા માટે ઇરાનને જવાબદાર ઠરાવી રહ્યું છે. આમ પણ ઇરાન સાથેનો પરમાણુ કરાર ફોક કર્યા બાદ બંને દેશો વચ્ચેનો તણાવ ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે. હકીકતમાં જગતજમાદાર બની બેઠેલા અમેરિકાને દુનિયાના દરેક ખૂણામાં ચંચુપાત કરવાની ખંજવાળ છે. અગાઉ ઇરાક પર તે રાસાયણિક શસ્ત્રો રાખવાના આરોપસર હુમલો કરીને તેને બરબાદ કરી ચૂક્યું છે. એ જ તર્જ પર હવે અમેરિકા ઇરાન પર પરમાણુ શસ્ત્રો વિકસાવવાનો આરોપ મૂકીને તેને તબાહ કરવા ઇચ્છે છે. અગાઉ ઇરાક, અફઘાનિસ્તાન અને લીબિયામાં અમેરિકાએ જે વિધ્વંસકારી ખેલ ખેલ્યો એના પરિણામે આજે પણ આ દેશો રાજકીય રીતે અસ્થિર છે. હવે એ જ ખેલ તે ઇરાનમાં પણ ખેલવા ધારે છે.

petrol from plastic

જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાણે છે કે ઇરાન સાથે યુદ્ધમાં જોતરાવું હિતાવહ નથી. એક તરફ તેઓ ઇરાનને ઘૂંટણીયે ટેકવવા માટે ધમકી પણ આપે છે તો સાથે સાથે મનાવવાના પ્રયાસ પણ કરે છે.  ટ્રમ્પે ઇરાન પર વધારે આકરા પ્રતિબંધો મૂકવાની જાહેરાત કરી છે તો સાથે સાથે ઇરાન તેનો પરમાણુ કાર્યક્રમ પડતો મૂકે એવીએવી આશા પણ વ્યક્ત કરી છે. ટ્મ્પ કહી ચૂક્યાં છે કે જો ઇરાન પરમાણુ શસ્ત્રો બનાવવાનું બંધ કરે તો તેઓ ઇરાનના શ્રેષ્ઠ મિત્ર બનવા તૈયાર છે. એ સાથે જ તેમણે ઇરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરવાના માર્ગ પણ ખુલ્લા રાખ્યાં છે.

retail market petrol

ટ્રમ્પે એ સમજવું પડશે કે અમેરિકાના પ્રતિબંધોના હથિયાર કારગર નીવડે એમ નથી. ઉત્તર કોરિયાના મામલે અમેરિકાને અનુભવ થઇ ચૂક્યો છે. ૯/૧૧ હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. એ પછી સદામ હુસેન રાસાયણિક શસ્ત્રો વિકસાવી રહ્યાં હોવાનો આરોપ મૂકીને ૨૦૦૩માં ઇરાક પર હુમલો કર્યો. હવે યુદ્ધખોર અમેરિકા પરમાણુ શસ્ત્રો હોવાનો આરોપ મૂકીને ઇરાન પર હુમલો કરવા ઇચ્છે છે. બીજી બાજુ ઇરાન પણ અમેરિકા સામે નમતુ જોખવા તૈયાર નથી. ઇરાનના સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ ખામેનેઇએ કહ્યું છે કે ઇરાન અમેરિકાના કોઇ પણ દબાણને વશ નહીં થાય. જો અમેરિકા પરમાણુ સંધિ પર પાછું ફરે તો જ ઇરાન બહુપક્ષીય મંત્રણામાં સામેલ થશે.

અમેરિકા-ઇરાક વચ્ચેના ગલ્ફ વૉર કરતા અમેરિકા-ઇરાન વચ્ચેનું યુદ્ધ અનેકગણું વિનાશકારી નીવડી શકે છે. ઇરાનના ચાબહાર બંદર પ્રોજેક્ટ સહિત અનેક યોજનાઓમાં ભારત ભાગીદાર છે. અફઘાનિસ્તાનમાં પોતાનું સ્થાન જમાવી રાખવા માટે પણ ભારતે ઇરાન સાથે સંબંધો જાળવી રાખવા આવશ્યક છે. ટ્રમ્પે ભલે સાઉદી અરેબિયાની ઓઇલ કંપની પર થયેલા હુમલા પાછળ ઇરાનનો હાથ હોવાનો આરોપ મૂક્યો હોય પરંતુ સાથે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ યુદ્ધ નથી ઇચ્છતા. જોકે સાઉદી અરેબિયા સમગ્ર મામલો યૂ.એન. સમક્ષ લઇ જઇને ઇરાન પર દબાણ સર્જવા માંગે છે. હવે આગામી દિવસોમાં કેવો ઘટનાક્રમ આકાર લે છે એના પર દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ નિર્ભર છે.

READ ALSO

Related posts

દેશમાં 15 માર્ચ બાદ કોરોના વાયરસે પકડી રફ્તાર, 13 દિવસમાં જ સામે આવ્યા 900થી વધારે કેસ

Karan

વિશ્વમાં 6.45 લાખ COVID-19નાં દર્દીઓ: 1 લાખ દર્દીઓ ધરાવતો અમેરિકા પ્રથમ દેશ

Karan

દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ 179 નવા કેસ, કોરોનાનાં 21 દર્દીઓનાં થયા મોત તો 79 થયા સાજા

Karan
Do NOT follow this link or you will be banned from the site!