GSTV
India News

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન તામિલનાડુના પુજારીઓના મંત્રોચ્ચાર સાથે થશે શરૂ, આવી છે કાર્યક્રમની વિગતો

નવા સંસદ ભવનનું રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પૂજા સાથે શરૂ થશે અને ઘણા દિગ્ગજ નેતાઓ હાજરી આપશે. આવો, જાણીએ કાર્યક્રમની વિગતવાર માહિતી….

બે તબક્કામાં ઉદ્ઘાટન થશે

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન બે તબક્કામાં કરવામાં આવશે. સમારંભ પહેલાની ધાર્મિક વિધિઓ સવારે શરૂ થશે અને સંસદમાં ગાંધી પ્રતિમા પાસેના પંડાલમાં યોજાય તેવી શક્યતા છે. પીએમ મોદી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ અને સરકારના કેટલાક વરિષ્ઠ મંત્રીઓ આ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે.

બીજા તબક્કાની શરૂઆત બપોરે રાષ્ટ્રગીતના ગાન સાથે થવાની ધારણા છે.

નેતાઓ લોકસભા અને રાજ્યસભાની ચેમ્બરનું નિરીક્ષણ કરશે પૂજા બાદ મહાનુભાવો નવી બિલ્ડિંગમાં લોકસભા ચેમ્બર અને રાજ્યસભા ચેમ્બરના પરિસરનું નિરીક્ષણ કરશે. પવિત્ર ‘સેંગોલ’ અમુક ધાર્મિક વિધિઓ પછી લોકસભા ચેમ્બરમાં સ્પીકરની ખુરશીની બાજુમાં સ્થાપિત કરવામાં આવે તેવી શક્યતા છે, જેમાં સેંગોલના મૂળ જ્વેલર સહિત તમિલનાડુના પુજારીઓ હાજરી આપે તેવી સંભાવના છે.

સૂત્રોનું કહેવું છે કે નવા સંસદભવનના પરિસરમાં પ્રાર્થના સમારોહનું પણ આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા આ પ્રમાણે હશે.

  • સવારે 8 વાગ્યાની આસપાસ શરૂ થનાર કાર્યક્રમનો પ્રથમ તબક્કો સવારે 9:30 વાગ્યાની આસપાસ સમાપ્ત થશે. આ કાર્યક્રમમાં મંત્રોચ્ચાર સાથે પૂજા થશે.
  • 9 વાગ્યા પછી નેતા બિલ્ડીંગનું નિરીક્ષણ કરશે.
  • લોકસભામાં સવારે 9.30 વાગ્યાની આસપાસ ધાર્મિક વિધિ સાથે સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. જેમાં શંકરાચાર્ય સહિત તમિલનાડુના મઠના 20 પંડિતો હાજર રહેશે.
  • બીજા તબક્કાની શરૂઆત બપોરે 12 વાગ્યા પછી લોકસભા ચેમ્બરમાં રાષ્ટ્રગીતના ગાન સાથે થવાની ધારણા છે.
  • આ પછી રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશનું ભાષણ થશે, જેઓ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરનો લેખિત અભિનંદન સંદેશ વાંચશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો લેખિત સંદેશ પણ વાંચવામાં આવશે.
  • આ પછી, નવી સંસદના નિર્માણની પ્રક્રિયા, બિલ્ડિંગ અને તેના મહત્વ વિશે બે ટૂંકી ફિલ્મો પણ બતાવવામાં આવશે.
  • ફિલ્મ બતાવ્યા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલા સંબોધન કરશે.
  • આ પ્રસંગે રાજ્યસભામાં વિપક્ષના નેતાના ભાષણ માટે પણ સ્લોટ રાખવામાં આવ્યો છે. જો કે, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે રવિવારે સમારંભમાં હાજરી આપે તેવી શક્યતા નથી કારણ કે કોંગ્રેસ પક્ષ અને અનેક વિપક્ષી દળોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
  • પીએમ મોદી આ પ્રસંગે એક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે અને આ પ્રસંગે પોતાનું ભાષણ પણ આપશે. અંતમાં, લોકસભાના મહાસચિવ આભારવિધિ કરશે.

25 પક્ષો સામેલ થશે, 21નો બહિષ્કાર

વિપક્ષ દ્વારા બહિષ્કારની હાકલ વચ્ચે, કેન્દ્રને 25 રાજકીય પક્ષોની યાદી મળી છે જે નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. તેમાંથી કેટલાક એવા પણ છે જે એનડીએનો ભાગ નથી.

બીજેપી ઉપરાંત, એનડીએમાં ઘણા પક્ષો, જેમાં AIADMK, અપના દળ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, શિવસેનાના શિંદે જૂથ, NPP અને NPFએ રવિવારે સમારોહમાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે.

બીજુ જનતા દળ, શિરોમણી અકાલી દળ (SAD), બહુજન સમાજવાદી પાર્ટી (BSP) અને જનતા દળ-સેક્યુલર, TDP અને YSRCP સહિત અન્ય કેટલાક પક્ષો પણ હાજર રહેશે. બીજી તરફ કોંગ્રેસ સહિત 21 વિપક્ષી પાર્ટીઓએ ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

આ દિગ્ગજોનો પણ સમાવેશ કરવામાં આવશે
નવી સંસદ ભવનનાં મુખ્ય આર્કિટેક્ટ બિમલ પટેલ અને બિલ્ડીંગનું નિર્માણ કરનારી કંપની ટાટાના માલિક જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને પણ નવા બિલ્ડીંગના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તે જ સમયે, ઘણા ફિલ્મ સ્ટાર્સ અને સ્પોર્ટ્સપર્સન સહિત કેટલીક અગ્રણી હસ્તીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે.

લોકસભા સભ્યો માટે 888 બેઠકો

સંસદની હાલની ઇમારતનું બાંધકામ 1927માં પૂર્ણ થયું હતું. અને હવે તે લગભગ 100 વર્ષ જૂની થવા જઈ રહી છે. હાલની જરૂરિયાત મુજબ આ બિલ્ડીંગમાં જગ્યાનો અભાવ અનુભવાઈ રહ્યો હતો, તેથી નવા મકાનની જરૂરિયાત પહેલાથી જ હતી.

હવે નવા સંસદ ભવનની લોકસભા ચેમ્બરમાં અગાઉના 550ને બદલે 888 સભ્યો બેસી શકશે અને રાજ્યસભામાં 250ને બદલે 384 સભ્યો બેસી શકશે. બંને ગૃહોનું સંયુક્ત સત્ર લોકસભાની ચેમ્બરમાં જ યોજાશે. આખું સંસદ ભવન ત્રણ માળનું છે, જે 64,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. બિલ્ડિંગના નિર્માણનો ખર્ચ 1200 કરોડ રૂપિયા આવ્યો છે.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત

Hardik Hingu
GSTV